________________
Vol. XXXv, 2012 કૌટિલીય અર્થશાસ્ત્ર : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ
195 કૌટિલીયે રાજાનાં શાસનવાળી રાજશાહી સ્વીકાર્ય ગણી હતી અને રાજ્યશાસનનો ધર્મ વર્ણાશ્રમવ્યવસ્થાનું રક્ષણ કરવાનો છે તેવું તેનું મુખ્ય પ્રતિપાદન છે. સ્વદેશનીતિ, પરદેશનીતિ, યુદ્ધ, લશ્કર, ગુપ્તચરતત્ર, ગુન્હેગારોની સજાઓ, ન્યાયવ્યવસ્થા વગેરે તમામ રાજ્યનીતિવિષયક બાબતોનો સમાવેશ કૌટિલીયના નિરૂપણમાં થયો છે. અત્યારે જેને મુક્ત બજારત– કહે છે તેવી કોઈ વ્યવસ્થાના પક્ષમાં કૌટિલીય ન હતા. રાજ્યશાસન દ્વારા બધી વ્યવસ્થાઓનું સંપૂર્ણ નિયંત્રણ જ તેમની દષ્ટિએ મહત્ત્વનું છે.
બીજાં વ્યાખ્યાનમાં રાજપદયોગ્ય બૌદ્ધિક વિદ્યાઓ વિશે કૌટિલીયના મતનું નિરૂપણ થયું છે. ત્રયી, વાર્તા, આન્વીક્ષિકી અને અર્થશાસ્ત્ર (દંડનીતિ) એ ચાર વિદ્યાઓમાં, અર્થના પુરુષાર્થને સિદ્ધ કરનાર દંડનીતિને લીધે જ બાકીની ત્રણ વિદ્યાઓ પ્રવર્તી શકે છે. તેવી જ રીતે અર્થ નામના પુરુષાર્થની સિદ્ધિ વગર ન તો ધર્મ કે ન તો કામ સિદ્ધ થઈ શકે છે.
કૌટિલીયે રાજા, મંત્રી અને જનપદનું વિસ્તૃત નિરૂપણ કર્યું છે. કૌટિલીય ન તો કેવલ ગ્રામવાદી છે કે ન તો કેવળ નગરવાદી છે. રાજા, અમાત્ય, જનપદ, દુર્ગ, કોશ, સૈન્ય અને મિત્રરાજા એમ સાત પ્રકૃતિઓ કૌટિલીયે નિરૂપી છે. રાષ્ટ્ર કરેલું કર્મ નિષ્ફળ ન બને અને ઉત્પન્ન દ્રવ્યોનું રક્ષણ થાય તે માટે સન્નિધાતા, સમાહર્તા, ગાણનિક જેવા મહા-અધિકારીઓ અને તેમના કાર્યાલયોનાં કામનું કૌટિલીયે વિસ્તૃત નિરૂપણ કર્યું છે.
આંતરિક શત્રુઓ (કામ, ક્રોધ વગેરે)નો ત્યાગ એ ઈન્દ્રિયજય, ઈન્દ્રિયોનું પોતપોતાના વિષયોમાં થતું વિવેકી પ્રવર્તન તે ઈન્દ્રિયજય અને શાસ્ત્રોના ઉચ્ચ ઉપદેશનો અમલ તે ઈન્દ્રિયજય (પૃ. ૭૧). આખું અર્થશાસ્ત્ર ઈન્દ્રિયજયરૂપ છે. એટલે રાજ્યના સાતેય અંગોએ સાધેલા ઈન્દ્રિયજયથી જ રાજનીતિશાસ્ત્ર ચરિતાર્થ થાય છે.
શમ-વ્યાયામની રજૂઆત દ્વારા કૌટિલીયે વૈરપ્રધાન, યુદ્ધખોર સત્તાવિસ્તારવાદી કે આસુરી રાજનીતિ સાચી રાજનીતિ નથી તેવું સ્પષ્ટ કર્યું છે (પૃ. ૯૩). સંધિ-વિગ્રહ આસન-યાન, સંશ્રયવૈધીભાવ-એ છ નીતિઘટકોથી યોગક્ષેમના જન્મસ્થાનરૂપ શમ-વ્યાયામ પોતે જન્મે છે. (ષાગુણ્ય) સંધિ, આસન અને સંશ્રયમાં શમ છે–વિગ્રહ, યાન અને વૈધીભાવમાં વ્યાયામ છે. (પૃ. ૯૪)
જનપદના સ્વસ્થ એકાગ્ર જીવનને બાધા પહોંચાડનારા ઉપદ્રવો જેવાં કે રોગચાળા, દુકાળ, શત્રુસૈન્ય, જંગલના ઉપદ્રવો, ખર્ચાળ રમતો, કૃષિઘાતક અન્યાયી દંડો, વિષસંપર્કોને રાજાએ એકાગ્રપણે વારવી જ જોઈએ (પૃ.૧૦૯). કૌટિલીયે લોકપૂજાસૂચક અભિગમ દ્વારા તેના ઉપાયો સૂચવ્યા છે. લોકવિદ્વેષ નહીં, લોકસન્માન પ્રત્યે રાજય અભિમુખ હોવું જોઈએ. રાજામાં કર્મયોગનિષ્ઠા હોવી ઘટે (પૃ.૧૧૩). પ્રજાના સ્વયંભૂ જીવનને નૈસર્ગિક રીતે પાંગરવા દેવું એ સમગ્ર રાજયશાસનનું લક્ષ્ય છે (પૃ.૧૨૧) (સર્વકલ્યાણાભિમુખ રાષ્ટ્ર)
ત્રીજાં વ્યાખ્યાનમાં રાજાની દિનચર્યા - રાત્રિચર્યાનું વિસ્તૃત નિરૂપણ થયું છે. રાજાના શાસનમાં માનતા કૌટિલીયે એ રાજાને આદર્શ રાજા તરીકે પ્રસ્થાપિત કરતી ગુણસંપત્તિ પણ નિરૂપી છે.