________________
૨૨
પૂ. શ્રી જૂઠાભાઈ
૬. વિ.સં. ૧૯૪૪માં પ્રથમ બ્રહ્મદર્શન
શ્રી સત્યપરાયણને પૂર્વભવની માર્ગસાધનાના પરિશ્રમથી પરમપુરૂષના સત્સંગની રટના-સ્મૃતિ અવ્યક્તપણે થતી. પરમ કૃપાળુદેવ મળતાં તે સ્મૃતિ તાજી થઈ. સત્યપરાયણની ચિત્તભૂમિ તો વૈરાગ્યવાસિત અને દયાથી આર્દ્ર હતી. પરોપકાર, ક્ષમા, શીલ, સંતોષથી શુદ્ધ થયેલી હતી. દોષો-દુર્ગુણોનો કચરો કાઢી નાંખેલો હતો. તેથી બીજ વાવણી માટે ખેડેલી ભૂમિની જેમ ચિત્તભૂમિ તૈયાર હતી.
“વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે.’” આવા ઉત્તમ પાત્રરૂપ તેઓ હતા.
૧. ૪૦
તેવામાં પૂર્વે વાવેલા બીજને અંકુર ફૂટવાનો સમય પાક્યો. જન્મ ગ્રહો ઉચ્ચ સ્થાનમાં આવ્યા. મહાભાગ્યના દ્વાર ઉઘડ્યા. સિદ્ધ ભગવાનના ધામના જાણે સંદેશા મળ્યા. સાક્ષાત્ પરમાત્માના પાવન પગલાં ધીરે ધીરે સંભળાવા લાગ્યા. તેમના નયનો દૂર ક્ષિતિજમાં કોઈ પ્રિયતમ સાથીને શોધતા હતા. એક તરફ જૂઠાભાઈની પ્યાસ અને આ બાજુ કૃપાળુદેવને પણ પૂર્વના નિકટના સ્નેહ સંબંધના એંધાણ મળી ગયા હતા. તેમના નિર્મળ જ્ઞાનમાં જૂઠાભાઈ પ્રતિબિંબિત હતા.
સંવત ૧૯૪૪માં ‘મોક્ષમાળા’ છપાવવા માટે પ.કૃ.દેવ ફરી અમદાવાદ પધાર્યા ત્યારે પ્રથમ શેઠ શ્રી પાનાચંદ ઝવેરચંદને ત્યાં જ ઉતર્યા હતા પછી ટંકશાળમાં શેઠ પન્નાલાલ ઉમાભાઈને ત્યાં અઢી માસ રહ્યા હતા. ધર્મનિષ્ઠ ઉમાભાઈના પત્ની ચંચળબહેનને જ્ઞાનમાં ઓળખી લઈ કોઈની પ્રેરણા વગર સ્વયં પૂર્વ સ્મૃતિની ખાત્રી કરવા પ.કૃ.દેવ તેમને ત્યાં પધાર્યા હતા. ત્યાંથી પછી વનેચંદ દફતરીએ લખી આપેલ ભલામણ પત્ર લઈ શ્રી જેસિંગભાઈના ઘેર મળવા પધાર્યા હતા તે વખતે પૂ. જૂઠાભાઈને પ્રથમ દર્શન પરમાત્માના થયાં.