________________
૨
પૂ. શ્રી જૂઠાભાઈ
પૂછતાં તેની તબિયત ઘણી નરમ હોવાથી તે બાબતનો જુદો ખુલાસો મળ્યો નથી માટે તે વિષે હું કાંઈ લખી શકતો નથી. તેઓ કોઈ સાથે બોલતાચાલતા નથી. તમને અવકાશ હોય તો મુલાકાત સારૂ આવી જશો.
પ્રિય જૂઠાભાઈની તબિયત દિન-પ્રતિદિન ઘણી જ અશક્ત થઈ ગઈ છે. કવિરાજ જૂઠાભાઈને ત્યાં જ ઉતર્યા હતા. આપનો આવેલો પત્ર આજરોજ જૂઠાભાઈને મેં ધીમેધીમે વાંચી સંભળાવ્યો. તેઓએ બરાબર ધ્યાન દઈ સાંભળ્યું. એ બાબત તેમણે કાંઈ ઉત્તર આપ્યો નથી.
લિ. અમદાવાદથી છગનલાલ બેચરદાસના પ્રણામ.
૨. અષાઢ સુદ ૯, ૧૯૪૬
સ્વસ્તિ શ્રી ખંભાત બંદર મહા શુભ સ્થાને પૂજ્યારાધે ભાઈ અંબાલાલ લાલચંદ, શ્રી ત્રિભોવનભાઈ તથા ભાઈ સુંદરજી વિ. અમદાવાદથી શા છગનલાલ બેચરદાસના જીહાર વાંચશો. વિ. તમારો એક કાગળ પહોંચ્યો છે તેમજ ભાઈ અંબાલાલનો આવ્યો તે પણ પહોંચ્યો છે, વળી કવીરાજના કાગળનો તરજુમો (વ. ૧૧૫) પ્રિય જૂઠાભાઈને હાથોહાથ ગઈકાલે રાત્રે આપ્યો હતો.
વળી લખવાની ઘણી દીલગીરી સાથે અફસોસ છું અને કલમ ચાલતી નથી તો પણ લખ્યા વિના છૂટકો નથી માટે લખવાનું કે આપણો પ્રિયભાઈ જૂઠાલાલ આજરોજ સવારના સાડાદસ વાગતાના સુમારે દેવગત થયા છે, તે ઘણું માઠું થયું છે. આપની પ્રીતિના હક્કમાં ખરેખર ભંગાણ પડ્યું. વળી પ્રિયના જેવો સદ્ગુણી આ દુનિયામાં તો મળવો મુશ્કેલ. વળી તે ભાઈની મરતાં સુધીની સહણા (શ્રધ્ધા) ઘણી જ સારી વૃત્તિમાં હતી. આ બાબતની ખબર શતાવધાની કવીરાજને લખશો. વળી સદ્ગુણી જૂઠાલાલની નીતિ અને પ્રેમ આપણને કોઈ કાળે વિસરે તેમ નથી. તો આ પંચમ આરો ભગવંતે દુષમ કહ્યો છે, એ વાત સિધ્ધાંત છે, માટે પ્રિય જૂઠાલાલ તો નાની વયમાં તેમનું કાર્ય સાધ્ય કરી ગયા અને ધર્મ કરશે તે સુખી થશે. સદ્ગુણી જૂઠાલાલના ગુણ સંભારતાં કાગળમાં પાર આવે તેમ નથી, જે હૈયું ભરાઈ આવે છે, તેથી કલમ અટકાવું છું.