Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
મોટેભાગે મધ્યકાલીન કવિઓના જીવન વિશેની માહિતી પ્રાપ્ત કરવામાં અનેક મુશ્કેલી વેઠવી પડતી હોય છે અને તે માટે સંશોધનકારે ફિલ્ડ વર્ક કરવું આવશ્યક બની રહે છે. ડૉ. રતનબહેને ‘વ્રતવિચાર રાસ’ના શ્રાવક કવિ ઋષભદાસના જીવનની માહિતી મેળવવા માટે સ્વયં પોતે કવિના વતન ખંભાત જઈ ચારસો વર્ષ પૂર્વેના કવિના ઘરની મુલાકાત લઈ તેમના ઘરના દેરાસરના તથા કવિ ઋષભદાસ ચોક વગેરેના ફોટાઓ મૂક્યાં છે. જે આ મહાનિબંધનું એક આકર્ષક પાસુ બની રહે છે. ‘વ્રતવિચાર રાસ’ની મૂળ હસ્તપ્રત ગુજરાતીમાં કડી પ્રમાણે, તેના ભાવાર્થ અને વિષય વિચાર આ . ગ્રંથના વાચકને તે સમયની જૂની ગુજરાતી ભાષાનો પરિચય કરાવે છે અને ભાવાર્થ સાથે વાંચવાથી કૃતિ સરળ રીતે સમજી શકાય છે.
સાહિત્યના વિષયની પસંદગી કરનારે કૃતિની સાહિત્યિક સમાલોચના કરી પોતાની આગવી સાહિત્યિક સૂઝ પ્રગટ કરવાની હોય છે. ડૉ. રતનબહેને ‘વ્રતવિચાર રાસ' જેવી દીર્ઘ કૃતિની સાહિત્યિક સમાલોચના રસપૂર્વક અને પ્રતીતિજનક રીતે વાચકને મધ્યકાલીન જૂની કૃતિઓમાં રસ પડે એવી રીતે કરી છે. રાસનું બંધારણ, વર્ણનો, અલંકારો, દષ્ટાંત કથાઓ, રસનિરૂપણ, કાવ્યશક્તિ વગેરે દરેક પાસાઓનું સ-રસ નિરુપણ કર્યું છે અને આ રીતે શ્રાવક કવિ ઋષભદાસની કાવ્યશક્તિને પૂરો ન્યાય આપ્યો છે.
ધર્મના સિદ્ધાંતોના પાયા પર રચાયેલ કૃતિઓમાં સૈદ્ધાંતિક તત્ત્વોનું આલેખન તો થવાનું જ કારણ કે કવિનું ધ્યેય જ વાચકને સાહિત્યિક કૃતિ દ્વારા ધર્મનો ઉપદેશ આપવાનું હોય છે. ‘વ્રતવિચાર રાસ'માં કવિ ઋષભદાસે દષ્ટાંત કથાઓ દ્વારા તત્ત્વજ્ઞાન પીરસ્યું એ તત્ત્વજ્ઞાન અને કવિ ઋષભદાસની કાવ્ય શક્તિનો સુંદર સમન્વય થયો છે. ડૉ. રતનબહેને કવિની કાવ્યશક્તિનું સુંદર અને ગહન વિવરણ કર્યું છે.
‘વ્રત’ એ ભારતભરના ધર્મોના પાયામાં રહેલ તત્ત્વ છે. ડૉ. રતનબહેને જૈન ધર્મના વ્રતોનું સ્વરૂપ તેની પરિભાષા તેના ભેદ – પ્રભેદો વગેરેનું આલેખન કર્યું છે અને સાથે સાથે અન્ય ધર્મોમાં વ્રતનું સ્વરૂપ પણ બતાવ્યું છે. વર્તમાનકાળમાં વ્રતની ઉપયોગિતા બતાવી મધ્યકાલીન કૃતિને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે જે આવકાર્ય છે.
સમગ્ર રીતે જોતાં આ મહાનિબંધ વર્તમાન સમયમાં વાચકોને ચારસો વર્ષ પૂર્વે થઈ ગયેલા શ્રાવક કવિ ઋષભદાસને મૂલવવામાં ઉપયોગી થશે અને કવિએ ‘વ્રત’ જેવા તાત્ત્વિક વિષયને રાસના ઢાંચામાં ઢાળી કેવી સાહિત્યિક કૃતિ બનાવી શકાય છે'તેની પ્રતીતિ કરાવી છે.
હસ્તપ્રત સંશોધનના ક્ષેત્રે અનેક અભ્યાસુઓ કાર્યરત થાય અને આવા અનેક ગ્રંથો પ્રકાશિત થાય એવી મારી શુભેચ્છા.
સામાન્ય રીતે એવું કહેવાય છે કે કોઈ પણ પુરુષની સફળતા પાછળ એક નારીનો ફાળો હોય છે. અહીંયા હું કહીશ કે એક નારીની સફળતા પાછળ એક સજ્જન પુરુષની પ્રેરણા અને સંપૂર્ણ સહાય હોય છે. ડૉ. રતનબહેનને ડૉ. બનાવવા માટે સરળ નમ્ર અને સહજ સ્વભાવના ખીમજીભાઈનો ફાળો પ્રેરણાદાયક છે.
ફરી એકવાર આ ગ્રંથના પ્રકાશન સમયે ડૉ. રતનબહેનને મારા આશીર્વાદ.