________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર
૫૫
હોવી જોઈએ જે કલ્પો સુધી ટકી રહી એમના સર્વસત્ત્વકલ્યાણના સંકલ્પને પાર પાડે. આવી રૂપકાયા દિવ્ય રૂપકાયા જ હોય, આ દિવ્ય રૂપકાયા જ સંભોગકાય છે. આ કાયા બુદ્ધોને પુણ્યકર્મોના ફળરૂપે પ્રાપ્ત થાય છે. તેથી બુદ્ધોની સંભોગકાયાઓ સમાન નથી અને પુણ્યલક્ષણો ધરાવે છે. સંભોગકાયને યા રૂપકાયને નાનારૂપવાળી કહી છે કારણ કે અનેક રૂપો (= નિર્માણકાયો) પ્રગટ કરવાની વિભૂતિ તે ધરાવે છે. આ વિભૂતિને વિભુતા તરીકે ઓળખવામાં આવે છે. સંભોગકાય દ્વારા વિપુલ ધર્મસુખનો ભોગ થાય છે. સંભોગકાય વિભુતા અને સંભોગનો હેતુ છે.” બુદ્ધોને પોતપોતાનો દિવ્યલોક હોય છે. તેમને બુદ્ધક્ષેત્રો કહેવામાં આવે છે. બુદ્ધક્ષેત્રમાં જન્મ લેનાર અર્હતો અને બોધિસત્ત્વોને બુદ્ધ સંભોગકાય દ્વારા મહાયાનનો ઉપદેશ આપે છે. મહાયાનના ઉપદેશ માટે સંભોગકાય જ યોગ્ય છે. સ્થવિરવાદને મતે બુદ્ધની રૂપકાય માનુષી, સાસવ, લૌકિક છે, જ્યારે મહાયાનને મતે તે દિવ્ય, નિરાસ્રવ અને લોકોત્તર છે.
.
મહાયાનને મતે બુદ્ધક્ષેત્ર (દિવ્ય લોક) સિવાય બીજે ચાંય બુદ્ધની રૂપકાય નથી. તેથી મનુષ્યલોકમાં જે બુદ્ધ આવ્યા હતા તે નિર્મિતબુદ્ધ હતા. મનુષ્યલોક વગેરે લોકમાં રહેલા પૃથક્જનોને યા શ્રાવકોને ઉપદેશ આપવા માટે બુદ્ધ નિર્માણકાયોનું નિર્માણ કરી મોકલે છે. નિર્માણકાય માયિક રૂપકાય છે કારણ કે તેમાં વાસ્તવિક બુદ્ધચિત્ત (અર્થાત્ બુદ્ધ) હોતું નથી.'' તેમાં માયિક ચિત્ત (નિર્માણચિત્ત) પણ હોતું નથી કારણ કે બૌદ્ધ ધર્મે નિર્માણચિત્ત માન્યું જ નથી. વાસ્તવિક બુચિત્ત જ નિર્માણકાયનું નિયામક છે. સંભોગકાયસ્થ (રૂપકાયસ્થ) બુદ્ધચિત્ત નિર્માણકાયનું નિયમન કરે છે. આ ચિત્તને વશવર્તી તેના આદેશ અનુસાર સર્વ કાર્યો નિર્માણકાય કરે છે. એક સંભોગકાય અનેક નિર્માણકાયોનું નિર્માણ કરી શકે છે.
આમ મહાયાનના બુદ્ધ લોકોત્તર છે, દિવ્યલોકમાં જ નિત્યાવસ્થિત છે, દિવ્યલોકમાં બોધિસત્ત્વોને મહાયાનનો ઉપદેશ આપે છે, તેમનું શરીર (રૂપકાય, સંભોગકાય) નિરાસ્રવ છે, તે મનુષ્યલોકમાં આવ્યા જ નથી, મનુષ્યલોકમાં તો બુદ્ધે પોતે પોતાની નિર્માણકાયાને શ્રાવક-ઉપાસકોને હીનયાનનો ઉપદેશ આપવા મોકલી હતી.
આમ મહાયાને બુદ્ધને લોકોત્તર બનાવી દીધા. તેમ છતાં તે જગત્કર્તા નથી. તે કેવળ દુઃખમુક્તિના માર્ગના ઉપદેષ્ટા જ છે. તે ઉપદેશ દ્વારા પ્રાણીઓનો ઉપકાર અને ઉદ્ધાર કરે છે. નિર્માણકાયોનું નિર્માણ પણ તે તેના દ્વારા ઉપદેશ આપવાનું પ્રયોજન સિદ્ધ કરવા જ કરે છે. ઉપદેશકાર્ય તેમનું મુખ્ય કાર્ય છે.
સાંખ્યનો નિરીશ્વરવાદ
સાંખ્યદર્શન નિરીશ્વરવાદી છે. અર્થાત્, તે નિત્યમુક્ત જગત્કર્તા ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરતું નથી. સાંખ્યસિદ્ધાન્તમાં ઈશ્વર જગતનો સ્રષ્ટા નથી. પ્રકૃતિમાંથી જગતની ઉત્પત્તિ થાય છે. સૃષ્ટિનું ઉપાદાનકારણ છે પ્રકૃતિ અને નિમિત્તકારણ છે જીવોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org