________________
ચિત્તસ્મૈર્યની કેડીઓ ૧૭૧
જુઓ. થોડા સમય પછી ફરી આંખ બંધ કરી ભ્રૂકુટિમાં ચિત્ર જોવા પ્રયત્ન કરો. અભ્યાસ વધતાં, બંધ આંખે અંતશ્ચક્ષુ સામે મૂળના જેવું આબેહૂબ ચિત્ર જોઈ શકાશે. એ પછી, બાહ્ય ત્રાટક છોડી દઈ, બંધ આંખ સામે દેખાતા ચિત્રને સ્થિરતાથી જોવાનો અભ્યાસ કરવાથી ધ્યાનમાં સરકી જવાશે.
વિચારપ્રવાહનું નિરીક્ષણ
ચિત્તની ચંચળતાને નાથવા કોઈ એક શબ્દ, ધ્વનિ, ક્રિયા કે રૂપનું અવલંબન લઈ તેમાં જ ચિત્તવૃત્તિને કેન્દ્રિત કરવાનો પ્રયાસ ઉપર્યુક્ત પ્રક્રિયાઓમાં અપેક્ષિત છે. પણ મનની દોટ ઓછી કરવા માટે કેટલીક એવી પ્રણાલિઓ પણ છે, જેમાં કોઈ બાહ્ય આલંબન લેવામાં આવતું નથી. એમાંનો એક સરળ માર્ગ છે વિચારપ્રવાહના નિરીક્ષણનો.
એના અભ્યાસીએ ચિત્તમાં ઊભરાતા વિચારોનું નિયંત્રણ કરવાનો કશો પ્રયત્ન કર્યા વિના, કે તે વિચારો સાથે ભળ્યા વિના, ચિત્તમાં વહેતી વિચારોની વણથંભી વણઝારને, પ્રેક્ષક તરીકે દૂર બેસી, માત્ર જોયા કરવાનું જ છે. વિચારો આવે ને જાય તેને, નદીકાંઠે બેસી પાણીના પ્રવાહને જોતા હોઈએ તેમ, બેફિકરાઈથી માત્ર જોયા કરવા; એ પ્રવાહમાં પોતે તણાવું નહિ. સંભવ છે કે પ્રારંભમાં તો સાધકને આમાં કેવળ નિરાશા જ મળે. પરંતુ અભ્યાસ વધતાં, વિચારો સાથે ભળ્યા વિના, વિચાર-પ્રવાહના માત્ર પ્રેક્ષક રહેવાની ક્ષમતા પ્રાપ્ત થશે, અને તે સાથે ચિત્ત પણ ઉત્તરોત્તર અધિક શાંત થતું જશે.
આવો બીજો એક અભ્યાસ છે વર્તમાન ક્ષણના વિચારને પકડીને તેના મૂળ સુધી પાછા જવાનો. વિચારપ્રવાહમાં તણાતાં તણાતાં, જયારે ખ્યાલ આવે ત્યારે, જે છેલ્લો વિચાર હોય તેને પકડી લઈ, એની પૂર્વના અંકોડા મેળવતાં મેળવતાં, શરૂઆતના વિચાર સુધી જવાનો પ્રયાસ કરવો. સામાન્યત: માણસનું ચિત્ત કશા નિશ્ચિત ધ્યેય વિના એક પરથી બીજા વિષય ઉપર કૂદકા મારતું ભટકયા કરે છે. એક વિચારમાં આવેલા કોઈ શબ્દ કે પ્રતીકથી અન્ય અન્ય વિષયોને સાંકળતી તેની વિચારધારા આગળ વધે છે. મૂળ એક વિચારમાંથી પ્રસ્તુત-અપ્રસ્તુત વિચારોનાં અનેક ડાળ-પાંખડાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org