________________
અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના ૨૦૧ - સમતા દ્વારા પ્રચુર કર્મનિર્જરા શાથી?
પ્રશ્ન થાય કે પ્રાપ્ત પરિસ્થિતિને, જીવનની ઘટનાઓને, સુખદુ:ખને, રાગ-દ્વેષ કર્યા વિના વેદી લેવાથી નવાં કર્મ ન બંધાય એ તો સમજી શકાય, પણ પૂર્વબદ્ધ કર્મની નિર્જરા એનાથી શી રીતે થાય? સંચિત કર્મની નિર્જરા માટે તો કંઈક તપ કરવું પડે ને?
શ્રેયાર્થીએ, આ સંદર્ભમાં, પહેલી વાત તો એ સમજવી રહી છે કર્મબંધનું કે કર્મનિર્જરાનું પ્રધાન કારણ શું – કાયાથી થતી પ્રવૃત્તિ કે મનનો અધ્યવસાય? જૈનદર્શન કર્મબંધની જે પ્રક્રિયા પ્રસ્તુત કરે છે એ ખરેખર સમજાય તો આ તથ્ય આપોઆપ અંતરમાં વસી જાય કે કર્મબંધનું કે કર્મનિર્જરાનું પ્રધાન કારણ કાયાથી થતી પ્રવૃત્તિ નહિ પણ, ચિત્તનો તેવો તેવો અધ્યવસાય – વૃત્તિ, ભાવ, વિચાર – છે.
‘કરો તેવું પામો’ ‘વાવો તેવું લણો' – આ સનાતન નિયમને કાર્યાન્વિત કરતું વિશ્વવ્યવસ્થાનું તંત્ર શું છે? એની સમજ જૈનદર્શન આ પ્રમાણે આપે છે : આપણી આસપાસ અવકાશમાં દશ્ય ઉપરાંત વિવિધ પ્રકારના અતિ સૂક્ષ્મ અદશ્ય ભૌતિક પરમાણુઓ પથરાયેલા પડ્યા છે, તેમાંનો એક પ્રકાર કાર્મણ વર્ગણા' તરીકે ઓળખાય છે. એમજ પડેલી એ કાર્મણ વર્ગણામાં જીવને સુખ-દુ:ખ આપવાની કોઈ શક્તિ નથી. પરંતુ જેમ લોખંડના ટુકડામાંથી વિદ્યુત પસાર થતાં તેનામાં લોહચુંબકત્વ ઉત્પન્ન થાય છે તેમ રાગ-દ્વેષ-મોહપ્રેરિત જીવાત્મા જ્યારે કંઈ પણ વૃત્તિ-પ્રવૃત્તિમાં ભળે છે ત્યારે તેની નિકટ રહેલી કાર્મણ વર્ગણા જીવાત્માના તે સમયના અધ્યવસાય (ભાવ-વૃત્તિ-વિચાર)થી સ્વયં પ્રભાવિત થઈ જાય છે અને જીવને સુખ-દુ:ખ આપતા સંયોગો પેદા કરવાની એક શક્તિ તેનામાં આવિર્ભાવ પામે છે; અને તે જીવાત્માને ‘ચોંટી જાય છે. આત્માને ચોંટી રહેલી એ કાશ્મણ વર્ગણાને જૈન પરિભાષા કર્મ તરીકે ઓળખાવે છે. અત્યંત મલિન અધ્યવસાયના સંપર્કમાં આવેલી કાર્મણ વર્ગણા ગાઢ મોહનીય કર્મરૂપે પરિણમે; તો બીજી બાજુ, પ્રબળ શુભ અધ્યવસાયનો સંપર્ક એને તીર્થકર નામ કર્મરૂપે પરિણમાવી દે. શુભ કે અશુભ અધ્યવસાય કર્મબંધમાં આવો આટલો ભાગ ભજવે છે, તો શુદ્ધ રાગ-દ્વેષ રહિત અધ્યવસાયનો પ્રભાવ કેટલો કેવો હોય! યોગનિષ્ઠ આચાર્ય હેમચંદ્રસૂરિજી અને યોગીશ્વર ચિદાનંદજી શાખ પૂરે છે કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org