________________
૨૬૬ આત્મજ્ઞાન અને સાધનાપથ
દંડ ભરવો પડશે). કામદારે જઈને સાહેબને કહ્યું કે આપનો આદેશ માન્ય છે, પણ દરબાર સાહેબ એમના નિત્યક્રમ મુજબ પૂજાપાઠમાં છે, પૂજાપાઠ અધૂરાં મૂકીને તેઓ નહિ આવી શકે. રાજકુટુંબમાં કોઈનું મૃત્યુ થયું હોય તોયે પૂજાપાઠ અને ધ્યાનાદિ પ્રાત:કર્મ વચ્ચેથી તેઓ ઊઠતા નથી અને, અમને એમનો સ્પષ્ટ આદેશ છે કે ગમે તેવું કામ આવી પડે તોયે એ વખતે એમને કશો વિક્ષેપ કરવો નહિ. મોડું થવા બદલ જે મોસલ થશે તે અમે ભરી દઈશું. વળી એક કલાક પસાર થઈ ગયો. સાહેબને ભારે ખીજ ચડી. પણ અત્યારે શું થાય ? ઠાકોર આવે પછી વાત.
પૂજાપાઠ અને ધ્યાનાદિ નિત્યક્રમ પૂરો કરી થોડીવારે દરબાર આવ્યા. આદરપૂર્વક એમણે રેસિડેન્ટ સાહેબને આવકાર્યા અને મોડું થવા બદલ દિલગીરી વ્યક્ત કરી. એમના વિનમ્ર અને સૌજન્યપૂર્ણ વ્યવહારથી ગોરો અધિકારી પ્રભાવિત તો થયો, પણ એની દાઝ હજુ શમી નહોતી. એણે ઠાકોરને કરડાકીથી પ્રશ્ન કર્યો કે એવું તે શું કામ આવી પડયું હતું કે ત્રણ-ત્રણ કહેણ છતાં તમે સમયસર આવ્યા નહિ અને મોસલ ભરવા તૈયાર થઈ ગયા? ઠાકોરે નમ્રતા સાથે પણ સ્વસ્થતાપૂર્વક કહ્યું કે, ‘હું દેવસેવામાં બેઠો હતો. હું એને જીવનનું સૌથી મહત્ત્વનું કાર્ય ગણું છું. ઇષ્ટદેવની તહેનાતમાંથી ઊઠીને હું તમારી તહેનાતમાં હાજર થાઉં એ ન બને.'
‘પણ, પરિણામનો કશો વિચાર કર્યો? તમે પ્રભુની પ્રાર્થના-ભક્તિ કરો એ સારી વાત છે, પણ જરા ઊઠીને મને મળી જવું હતું ને? દશ મિનિટ પછી તમે તમારી પ્રભુસેવા પૂરી કરી શકત. વચ્ચે મને જરા મળી ગયા હોત તો શું ખાટુંમોળું થઈ જવાનું હતું? મારી અવગણનામાં બ્રિટિશ તાજની અવગણના રહેલી છે એ તો તમે જાણો છો. મારી જગ્યાએ બીજો કોઈ અધિકારી હોત તો અકળાઈને રાજકોટ પાછો ચાલ્યો જાત અને તમારી વિરુદ્ધ એવો રિપોર્ટ કરત કે તમારે ભારે મુસીબતમાં મુકાવું પડત.'
‘પ્રભુની સત્તા પર મને પૂરો વિશ્વાસ છે. એની સત્તા સર્વોપરી છે. જગતની કોઈ સત્તા એની ઉપરવટ જઈ કશું કરી શકે નહિ. એક પાંદડુંયે એની ઇચ્છા વિના ફરકતું નથી. પ્રભુ જે કરે તેમાં હું મારું હિત સમજું છું. તમે બહુ બહુ તો મને પદભ્રષ્ટ કરાવી શકો. પણ, મને વિશ્વાસ છે કે કશું અકારણ બનતું નથી. મારા પ્રારબ્ધ પ્રમાણે જ તમને મતિ સૂઝે. તમને પણ અંત:સ્થ પ્રભુ જ દોરે છે. સ્વતંત્રપણે તમે કશું કરી શકો છો એમ માનવું એ માનવીનો ભ્રમ છે.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org