Book Title: Agam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Author(s): Aryarakshit, Punyavijay, Jambuvijay
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રીમાન મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર આટલો સમય વિદ્વાન, શુદ્ધપ્રરૂપક, મહાત્યાગી ગુરૂમહારાજની સેવામાં અને તે પણ વિહારમાં સાથે રહેવાથી મોતીચંદને મુનિ માર્ગનો ઘણો સારો અનુભવ મળ્યો. તેમજ ગુરૂમહારાજને પણ મોતીચંદના સ્વભાવ, વર્તન વિગેરેનો અનુભવ થયો. તેનો હસમુખો ચહેરો, ઉદાર શાંત અને માયાળુ સ્વભાવ, નિષ્કપટીપણું તેનું દાક્ષિણ્ય અને વિશુદ્ધ ભક્તિથી ગુરૂમહારાજની તેના ઉપર અત્યંત કૃપા થઇ. ગુરૂશ્રીના પ્રથમ સમાગમે મોતીચંદભાઇ ચારિત્ર લેવા ઉત્સુક બન્યા હતા પણ હવે તો તેમણે નિશ્ચય કર્યો કે : - ચારિત્ર લેવું જ અને તે પણ આવા જ ગુરૂ પાસે. પાલી નગરની દિવ્ય મંદિરોની યાત્રા કરી ઉપકારી ગુરૂમહારાજાએ ત્યાં કેટલીક મુદત સ્થિરતા કરી જેથી ત્યાંના ભાવિ શ્રાવક શ્રાવિકાઓ વિગેરે ઘણો હર્ષ પામ્યાં. મહારાજાની મધુરવાણી અને વૈરાગ્યોત્પાદક દેશને સાંભળી આનંદમાં ગરકાવ થઇ ગયા અને દિવસે દિવસે અપૂર્વ ઉત્સાહ પ્રગટતો ગયો. મહારાજાની સાથે આવેલા મોતીચંદની પણ લોકો અનન્ય ભક્તિ કરવા લાગ્યા. મોતીચંદે પણ પોતાના હમેશનાં પ્રસન્નમુખ, મીલનસાર સ્વભાવ વિગેરે ઉત્તમ ગુણોથી તેમના હૃદયનું એવું આકર્ષણ કરી લીધું કે જેથી લોકોને પણ અહં પ્રથમિકા પૂર્વક તેની ભક્તિની સ્પર્ધા થવા લાગી. હવે શહેરમાં મોતીચંદ દીક્ષાના અભિલાષી છે અને થોડીજ મુદતમાં દીક્ષા અંગીકાર કરનાર છે એવી વાતો ફેલાવા લાગી. લોકો મોતીચંદને મહાભાગ્યવાન માનવા લાગ્યા. વળી અત્યાર સુધીમાં ગુરૂ મહારાજના સહવાસથી પરિપક્વ થયેલ તેની વૈરાગ્યવાટિકા અત્યંત ખીલી નીકળી હતી. આ વૈરાગ્ય વાટિકાનો રંગ જોઈ પાલીના સંઘે એકત્ર થઈ ગુરૂ મહારાજને વિજ્ઞપ્તિ કરી છે : - “મહારાજા! આ પાલીના સંઘ ઉપર જેવી રીતે આપે કૃપા કરી, આપના દર્શનથી અને દેશનાથી અમોને કૃતાર્થ - પાવન કર્યા તેવીજ રીતે કૃપા કરી ભાગ્યશાળી વૈરાગ્યવાન અમારા સાધર્મિકબંધુ મોતીચંદભાઈને અત્રે દીક્ષા આપી અમારી આ ભૂમિને પાવન કરી અમારી અભિલાષા પૂર્ણ કરો.' ગુરૂ મહારાજાએ પણ યોગ્ય અવસર જાણી પોતાની સમ્મતિ દર્શાવી. કહેવાની જરૂર નથી જે મોતીચંદ તો અનગાર થવાને અતિ ઉત્સુક હતા, અને મુહૂર્તની રાહ દેખતા હતા. મહોત્સવ અને દીક્ષા
ગુરૂમહારાજશ્રીની સંમતિ મળવાથી સંઘમાં અપૂર્વ આનંદ થયો. મંદિરોમાં અષ્ટાબ્લિકા મહોત્સવ શરૂ થયો. નાટક, ગીત, વાજીંત્રોના નાદ થવા લાગ્યા. મોતીચંદભાઇની ઘેર ઘેર પધરામણી થવા લાગી. સાધર્મિકભાઇઓ અનેક પ્રકારે તેમની ભક્તિ કરવા લાગ્યા. અનુક્રમે દીક્ષા દિવસ આવ્યો. આડંબરપૂર્વક વરઘોડો ચઢ્યો. દીક્ષા સ્થાને આવ્યા. ઉત્સાહપૂર્વક મહાન સમુદાય એકઠો થયો. યાચકોને દાન દેવાયાં. દીક્ષા વિધિ શરૂ થઇ. મોતીચંદભાઇએ જ્યારે આભરણો ઉતારવા માંડ્યાં. ત્યારે સુકોમળ હૃદયવાનનાં હૈયાં ભરાવા લાગ્યાં, કેટલાકની આંખોમાંથી આંસુ પડવા લાગ્યાં. કેટલાક અનુમોદન કરવા લાગ્યા. કેટલાક મોતીચંદભાઈને, કેટલાક ગુરૂમહારાજને અને કેટલાક ઉભયને ધન્યવાદ દેવા લાગ્યા. અને કેટલાક વિધ્ય કષાયરૂપ કીચડમાં ખુંચેલા પોતાના આત્માની નિંદા કરવા લાગ્યા. પરંતુ મોતીચંદભાઇના મુખ ઉપરતો આજે અપૂર્વ આનંદની રેખાઓ તરવરતી હતી. આજે પોતાની અભિલાષા પૂર્ણ થાય છે, બંધનથી મુક્ત થવાય છે, અને ચારિત્ર રત્નની પ્રાપ્તિ થાય છે, જેથી તેમના હૃદયમાં હર્ષના કલ્લોલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org