Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Author(s): Bindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રથમ વિભાગ ઃ સૂર્યાભદેવ
પ્રથમ વિભાગ
સૂર્યાભદેવ
૭
અધ્યયન પ્રારંભઃ
१ तेणं कालेणं तेणं समएणं आमलकप्पा णामं णयरी होत्था । रिद्धि-त्थिमियसमिद्धा जाव पडिरूवा ।
ભાવાર્થ :- તે કાળે અને તે સમયે એટલે કે વર્તમાન અવસર્પિણીકાળના ચોથા આરાના ઉત્તરવી સમયમાં આમલકા નામની નગરી હતી. તે નગરી ભવનાદિ ઋદ્ધિ, સ્વચક્ર-પરચક્રના ભયથી રહિત અને ધન-ધાન્યાદિથી સમૃદ્ધ હતી યાવત્ અતિ મનોહર હતી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં યાવત્ શબ્દથી સૂચિત નગરીનું વર્ણન આ પ્રમાણે છે તે નગરીમાં તે દેશના રહેવાસી લોકો અને અન્ય દેશમાંથી આવીને વસેલા લોકો, આ બન્ને પ્રકારના લોકો આનંદથી રહેતા હતા. તે નગરીમાં વિશાળ જનસમુદાય નિવાસ કરતો હતો.
ત્યાંના ખેતરોની માટી સેંકડો હજારો અને લાખો હળથી વારંવાર ખેડાવાના કારણે પોચી અને ફળદ્રુપ હતી. તેમાં કૃષીવિદ્યામાં નિપુણ વ્યક્તિઓએ પાણી સિંચન માટે નહેરો, ક્યારીઓ અને સીમા બાંધવા માટે વાડો બનાવી હતી
તે નગરીની ચારેબાજુ અનેક ગામો વસેલા હતા. તે એટલા નજીક હતા કે કૂકડા અને સાંઢના અવાજો એક-બીજા ગામમાં સંભળાતા હતા. ત્યાંના ખેતરોના ખળામાં શેરડીઓ અને જવ વગેરે ધાન્યના ઢગલે ઢગલા પડયા રહેતા હતા. તે નગરમાં વિપુલ પ્રમાણમાં ગાય, ભેંસ અને ઘેટાંઓ હતાં તથા તેઓના તે પશુધનનું સારી રીતે પાલન પોષણ થતું હતું. આકર્ષક ઉદ્યાનો અને યુવાન નર્તકીઓના સુંદર ભવનોથી તે નગરી શોભાયમાન હતી.
તે નગરી લાંચ લેનારા, ઘાત કરનારા, ગુંડા, ખિસ્સા કાતરુ, ડાકુ, ચોર, બળજબરીથી જકાત વસુલ કરનાર લોકોના ઉપદ્રવથી રહિત હતી અર્થાત્ તે નગરીમાં તેવી વ્યક્તિઓ ન હતી. ભિક્ષુકોને સરળતાપૂર્વક ભિક્ષા પ્રાપ્ત થઈ જતી હતી. લોકો વિશ્વાસપૂર્વક, સરળતાથી જીવનવ્યવહાર ચલાવતા હતા. વિવિધ વ્યવસાયવાળા અનેક કુટુંબો વસતા હોવાથી તે નગરી શાતાકારી હતી.
તે નગરી નાટક કરનારા નટો, નૃત્ય કરનારા નર્તકો, દોરડાં પર ચઢીને ખેલ કરનારા જલ્લો, મલ્લો, પહેલવાનો, મુષ્ટિથી પ્રહાર કરનારા મૌષ્ટિકો, વિદૂષકો, બહુરૂપીઓ, કથા-વાર્તા કહેનારા કથકો, પાણીમાં તરનારા પ્લવકો, કૂદનારાઓ, રાસ લેનારા રાસકો, વિવિધ વેષ ધારણ કરનારાઓ, શુભાશુભ શકુન બતાવનારા આખ્યાયિકો, વાંસ પર ચઢીને ખેલ કરનારા લખો, ચિત્ર બતાવીને આજીવિકા ચલાવનારા મંખો, શરણાઈ, તંબૂરા, કરતાલ વગાડનારાઓ વગેરે બધા પ્રકારના લોકોથી વ્યાપ્ત હતી. લતાકુંજો, ઉદ્યાનો, કૂવાઓ,