________________
અંતઃકરણથી કરવી. સંસારની વાસનાઓને બાજુ પર મુકીને કરવી. આ સત્સંગના આશ્રયથી વિચાર ઉત્પન્ન થવાનો જીવને જોગ થાય છે. આ વિચાર ઉત્પન્ન થયા વિના જો દેહ છૂટી જાય તો આ સંજ્ઞીપણું નકામું થઈ જાય. પછી બીજી એવી કેટલીય પર્યાય છે કે જેમાં જીવને વિચાર સાથે સંબંધ નથી. ૮૩,૯૯,૯૯૯ યોનિ છે, મનુષ્ય સિવાયની જેમાં વિચાર સાથે સંબંધ નહીં આવે. અત્યારે વિચાર ઉત્પન્ન કરી લઈએ એવું સાધન પ્રાપ્ત થયું છે. એટલે કૃપાળુદેવે કહ્યું છે, “વિચાર સહિત વાચાશક્તિ વર્તે છે એવો મનુષ્ય પ્રાણી, કલ્યાણનો સૌથી વિશેષ અધિકારી છે.” કારણ કે આની પાસે વિચાર સહિત વાચાશક્તિ છે. એટલે ભાષા
છે. બીજા પ્રાણીઓને ભાષા નથી. દુઃખનું વેદન છે. ભાષા નથી. તો સમજણ કેવી રીતે કેળવે ? ભાષા વિના એકબીજા જીવો પર ઉપકાર કરવો શક્ય નથી.
“પરસ્પરોપકારો ગ્રહો જીવાણું.” તો એટલા માટે દેશના લબ્ધિ ક્યારે મળે ? ભાષા. આવી ભાષા ફક્ત મનુષ્ય યોનિમાં રહેલી છે, કે જ્યાં એ બોલી શકે છે, સાંભળી શકે છે અને વિચારી શકે છે. આવો અદ્ભુત યોગ, આવું અનુપમ સાધન અને પ્રાપ્ત થયું છે. અનાદિકાળના પરિભ્રમણમાંથી આવા ઉત્કૃષ્ટ સ્થાનના Junction ઉપર આવીને એ ઊભો છે. એટલે કહ્યું કે મનુષ્યનો જન્મ એ મોક્ષનો દરવાજો છે. બારણું છે. પણ ત્યાં બે રસ્તા છે, બે પાટિયા માર્યા છે. એક બાજુ “મોક્ષ માર્ગ” લખ્યું છે. બીજી બાજુ ‘સંસાર તરફ જવાનો માર્ગ લખ્યું છે. બીજો છે “પરિભ્રમણનો માર્ગ.” હવે ભાઈ ! વિચાર કરી લે કે તારે
ક્યાં જાવું છે ? કારણ કે અત્યારે જ આવું પાટિયું વાંચવાનો અવકાશ છે. પશુ કે પક્ષી થાઈશ, તિર્યંચમાં હોઈશ – ત્યારે શું આવા પાટિયા વાંચવાનો ? મોક્ષ માર્ગની આરાધના કર. કે તારા સંસારને સંક્ષેપ કર. કર્મોના બંધન તોડ. આ બધું ત્યારે કોણ કહેશે ? નિકષ્ટમાં નિકૃષ્ટ જીવની ગતિ, નાના-નાના જંતુ, કરોળિયા, મચ્છર, એ બધી યોનિમાં ગયેલો જીવ આ જ છે. જીવ બધાં જ સમાન છે. આ જ જીવ અજ્ઞાનથી પરિભ્રમણ કરી આવી બધી અવસ્થાઓને ધારણ કરે છે અને ત્યારે વિચારનો કોઈ યોગ ઉત્પન્ન થવો સંભવતો નથી. આ વિચાર નો યોગ મનુષ્ય ભવમાં સત્સંગના આશ્રયથી થાય છે. માટે સત્સંગને અધિકાધિક મહત્ત્વ આપવું.
જેમ બાકી બીજા સંગ કરીએ છીએ જેવા કે દુકાને જઈને ઘરાકોનો સંગ કરીએ છીએ, ઑફિસમાં જઈને Boss નો Sub-ordinates નો સંગ કરીએ છીએ, ફરવા જઈએ ત્યારે મિત્ર મંડળનો અને ઘરમાં જેમ કુટુંબનો સંગ કરીએ છીએ પણ ભાઈ ! તું આ “સ”નો સંગ કરશે ? સત્સંગના આશ્રયથી આ વિચાર ઉત્પન્ન થાય છે. કૃપાળુદેવે કહ્યું આત્માના છ પદ, આત્મા છે, તે આત્મા નિત્ય છે, જે આત્મા નિત્ય છે તે જ આત્મા પોતાના કરેલા કર્મનો કર્યા છે, જે આત્મા કર્મનો કર્યા છે તે જ આત્મા પોતાના કર્મનો ભોક્તા છે, તે આત્મા કર્મના કર્તા-ભોક્તા-પણામાંથી મુક્ત થઈ શકે છે, અને તે મુક્ત થવા માટેનો ઉપાય છે અને તે ઉપાય સુધર્મ છે. સુધર્મ-સાચો ધર્મ. ધર્મની યથાતથ્ય ઓળખાણ. ધર્મનું દાર્શનિક સ્વરૂપ અને વ્યવહારિક સ્વરૂપ. એને સુધર્મ કહેવાય છે. તો જે પ્રમાણથી આ જણાય તે વારંવાર વિચારવા યોગ્ય છે. સમ્યકદર્શન સ્વરૂપ એવા શ્રી જિનના ઉપદેશેલાં આ છ પદ આત્માર્થી જીવે અતિશય કરી વિચારવા ઘટે
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 139
=