________________
ચારિત્ર, અનંત વીર્ય યુક્ત એવો એક પદાર્થ, જે બધું જ જાણે છે, બધું જ જુએ છે. અને એક જે કાંઈ જાણતું નથી, કાંઈ જોતું નથી, જેનામાં કોઈ પણ પ્રકારની શક્તિ નથી, એવું આ શરીર જડ, મરેલું, ખોખુંસાંપની કાંચળી જેવું છે. નિષ્ક્રિય. જડ. જેનામાં જાણવાનો સ્વભાવ નથી તે જડ. એવું આ શરીર. આ બંનેનો સંયોગ છે. અને આ સંયોગી અવસ્થા એ બંધ દશા છે. હવે આમાં બંધાયો કોણ ? ચેતન બંધાયો. વિવેક બરાબર જાગૃત રાખવો. બંધાયો કોણ ? ચેતન. બાંધનાર કોણ ? શું જડ કમેં તને બાંધ્યો ? “જડ સ્વભાવ નહિ પ્રેરણા, જુઓ વિચારી ધર્મ.” જડમાં તો પ્રેરણા નથી. જડમાં એવી કોઈ જાણવાની શક્તિ નથી કે આને બાંધી દઉં, આને ન બાંધું. આને ટાઈટ બાંધું, અને આને ઢીલો બાંધું – આવી કોઈ પ્રકૃતિ જડના સ્વભાવમાં નથી. (જડનો એનો કોઈ એવો ગુણ, એવું લક્ષણ કે એવો ધર્મ નથી કે જીવને બાંધે. બંધાનાર પોતે. બાંધનાર પોતે. બંધન કર્મનું. પરપદાર્થનું. પોતાને જે જોઈતું ‘તું તે જ લીધું છે. પાછું પરિણામ આવે ત્યારે કહે કે મારે આ નહોતું જોઈતું. મેં ક્યાં આવું માંગ્યું'તું ? પણ ખરેખર તો તારા માંગ્યા વિના આ મળે નહીં. કર્મ કાંઈ દેવા ન આવે. હજી સમજી લઈએ કે, ‘મને જે દુઃખની પ્રાપ્તિ છે એ મારું માંગેલું દુઃખ છે. એનું tender ભર્યું'તું મેં. એની demand note આપી’તી. એની માંગણી મૂકી હતી મેં. Indent ભર્યું હતું. નહોતું તો બીજા લોકમાંથી મંગાવ્યું. જેમ કોઈ માલ આ દેશમાં ન મળતો હોય તો વિદેશથી મંગાવીએ. એમ કેટલાક સ્થિતિ, સંજોગો એવાં હોય કે આ દેશમાં ઉપલબ્ધ નથી. તો કહે ભરો Indent. Import License લો. બધી જ પ્રોસીજર કરો. પણ મારે એ જોઈએ જ. નરક જેવાં દુઃખ પણ ત્યારે જ મળે છે જ્યારે જીવ ઇચ્છા કરે છે અને કર્મ બંધાય છે. એ કર્મ એનાં કાળે પાકે અને પાકીને એનાં સ્વભાવે પરિણમ્યા. અને એનું પરિણામ આવે ત્યારે પાછો હટે તો ન ચાલે.
તો કર્મ કહે કે અમે અમારી મેળે આવ્યા નથી. કેમ કે એવી પ્રેરણાનો સ્વભાવ અમારામાં નથી. અમે તો તમે જે માંગો તે આપીએ તમને. કેવી વ્યવસ્થા છે ! કર્મની વ્યવસ્થા બરાબર સમજી લઈએ. આ પુદ્ગલનો સ્વભાવ અને જીવનો સ્વભાવ સમજી લઈએ. જીવનાં ભાવનું પરિણામ પામીને, કર્મના પુદ્ગલ પરમાણુમાં કે જેમાં અચિંત્ય એવું સામર્થ્ય છે અને એની પરિવર્તન પર્યાયની શક્તિ છે કે ગમે તેવું રૂપ ધારણ કરી શકે. એનાં વર્ણ, રસ, ગંધ, સ્પર્શ એવાં છે કે સ્વર્ગની રચના પણ કરી શકે અને નરકની રચના પણ કરી શકે. આ જગતની અંદર કોઈ પણ રૂપી પદાર્થની રચના છે એ પુદ્ગલની રચના છે. એ એટલી સરસ કરી શકે, પણ પોતાની મેળે ન કરી શકે, પોતાની મેળે થાય. એનું વિસસા પરિણામ ખરું ? પણ જીવને સંયોગ નહીં એનો. પણ જીવને સંયોગ થાય એવું પરિણામ છે કે આપણું શરીર, આપણો પરિગ્રહ, આપણાં સગાંવહાલાં, આપણો સંસાર, આપણું જગત. જગત તો બહુ વિસ્તૃત છે. પણ આપણું જગત કેટલું ? જેની સાથે આપણું જોડાણ છે એટલું. તો કર્મ આપણને આપણા ભાવ પ્રમાણે આપણું જગત આપે. જેવું આપણે ઇચ્છડ્યું છે એવું જ આપે. એટલે જ્યારે જ્યારે મુશ્કેલી આવે, જ્યારે જ્યારે પ્રતિકૂળતા આવે, જ્યારે જ્યારે દુઃખ આવે, જ્યારે કોઈ અનિષ્ટ યોગનો પ્રસંગ પ્રાપ્ત થાય, ત્યારે જીવે વિચારવું કે આ કોઈએ મોકલ્યું નથી. આ મારા કારણે જ મળ્યું છે. અને મેં મંગાવ્યું છે. Pre-paid કરીને મંગાવ્યું છે. This is not V.P.P. but this is Pre-paid. તેં ચુકવી દીધું છે. એટલે આ પાર્સલ પાછું નહીં મોકલાય. પેલો નાખી જ જાશે.
- શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 244 [E]=