Book Title: Aatmsetu Author(s): Veenaben Ravani Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 6
________________ 6 આત્મ સેતુ અમારી વાત છેલ્લા ૧૪ વર્ષથી ઓસ્ટીન જૈન સત્સંગ સાધના પરિવારના ૧૫ મિત્રો શરૂઆતમાં દર અઠવાડીએ એક વાર, પછી બે વાર અને વધીને ત્રણ વાર સત્સંગ માટે બે કલાક નિયમિત મળતા હતા. અમારો ઉછેર શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, . . .વિ. કુટુંબોમાં થયેલ અને ઘણાં મિત્રો ચુસ્ત ધર્મ પાળતા એટલે કે ક્રિયા-કાંડ બરાબર પાળતા તો અમુકની પાટી ધર્મની બાબતમાં સાવ કોરી જ હતી. ૨૫ થી ૬૦ વર્ષના ભાઈ-બહેનો સત્સંગ કરતા. શરૂઆતના વર્ષોમાં અમે જૈન ધર્મના સિદ્ધાંતોનો પાયો સમજવામાં અને પાકો કરવામાં ગાળ્યો. તેમાં મુખ્યત્વે શ્રી જૈનસિદ્ધાન્ત પ્રશ્નોત્તરમાળા અને શ્રી મોક્ષશાસ્ત્ર અર્થાત તત્ત્વાર્થસૂત્રનો આધાર લીધો હતો. આ પાયો પાકો કર્યા પછી અમે શ્રી સમયસારશાસ્ત્ર તથા શ્રી પરમકૃપાળુદેવની શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર પરના પરમ પૂજ્યશ્રી કાનજીસ્વામીના પ્રવચનો વાંચતા અને તેના ઉપર ચિંતન-મનન કરતા. આ ઉપરાંત બીજા ગ્રંથો પણ વાંચતા અને ચર્ચા-વિચારણા કરતા. આ બધું કરતાં કરતાં અમો બધાની "નિશ્ચય" તથા દ્રવ્યની સ્વતંત્રતાની પકકડ વધુ ને વધુ મજબુત થવા લાગી. અમે ધર્મ કરીએ છીએ. અમને ધર્મની ખબર છે, એવું અભિમાન વધતું ગયું. અમારી દશા "શુષ્કજ્ઞાની" જેવી થઈ ગઈ હતી. આ વાતની ખબર જો કે ત્યારે નહોતી પડી, ત્યારે તો એના નશામાં જ મશગૂલ હતા. શ્રી સમયસાર તથા શ્રી મોક્ષશાસ્ત્રના અધ્યયનથી એ નક્કી થયું કે “સમ્યગ્દર્શન” એ જ મોક્ષ પ્રાપ્તિનું પ્રથમ પગથીયું છે. અને તેની પ્રાપ્તિ માટે “આત્મા” ની રુચિ અને મહત્તા વધારતા જવી જેથી “રુચિ અનુયાયી વીર્ય” ની જેમ એ તરફનો પુરુષાર્થ વધતો જશે અને ધ્યેયની પ્રાપ્તિ થશે. તે માટે ભેદજ્ઞાન, સ્વાધ્યાય, સત્સંગ, ચિંતન-મનન, વિ. કરતાં રહો અને એમ કરતાં કરતાં થશે. આવું તારણ કાઢ્યું. આ બધું કરવા છતાં પણ હજુ કાંઈક ખૂટે છે એવું લાગ્યા કરતું હતું. આત્માની રુચિ અને મહત્તા વધતી હોય તેવું જણાતું નહોતું, આથી અમારી શોધ ચાલુ હતી. આ અરસામાં, ૨૦૦૦ ની સાલના સંવત્સરી પ્રતિક્રમણ કરીને બધાને ખમાવવાનો ફોન કરતો હતો તેમ મારાં ભાભીશ્રી, પરમ પૂજ્ય બહેનશ્રી વીણાબેન ને પણ ફોન કર્યો. તેમણે પૂછ્યું કે “ભાઈ હમણાં શું વાંચન કરો છો?” પછીથી ખબર પડી કે આ પૂછવાનું કારણ એ હતું કે “અમારૂં વાંચેલુ નકામું ન જાય.” મેં કહ્યું કે આત્માની રુચિ અને મહત્તા વધારવાના પ્રયત્નો ચાલે છે. વિ. વિ. વાતો ચાલતી હતી તેમાં મને તેમની વાતોમાં આત્માનુભૂતિનો રણકાર સંભળાયો અને મને લાગ્યું કે આ વાતો કોઈ અદ્ભુત વ્યક્તિના હૃદયમાંથી નીકળેલ છે. ત્યારથી નક્કી કર્યું કે પૂ. બહેનશ્રીનો લાભ અચૂક લેવો છે. સૌના જીવનની જેમ પૂ. બહેનશ્રીના જીવનમાં પણ કરવી હોય તો, મુસીબતો અને પ્રતિકૂળતાની યાદી લાંબી થઈ શકે. મુશ્કેલીઓથી કંટાળ્યા વગર, પ્રતિકૂળતાના વિષને પ્રેમથી પીતા રહ્યાં, પચાવતાં રહ્યાં અને સૌને અંતરના અમૃત પાતા રહ્યાં. પૂ. બહેનશ્રીને જૈન શાસ્ત્રોનો અભ્યાસ કે પરિચય ન હોવા છતાં તેઓશ્રી જે પણ કાંઈ કહેતા એ બધું શાસ્ત્ર અનુરૂપ જ હતું. જાણે કે જીવતા, જાગતા શાસ્ત્રમાંથી બધું આવતું હોય.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 110