Book Title: Aatmsetu Author(s): Veenaben Ravani Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 4
________________ આત્મ સેતુ આવકાર સાધકોની અનેકવિધ મૂંઝવણોનાં પૂજ્ય બહેનશ્રી વીણાબેન દ્વારા અપાયેલ સુંદર, સાધનાપ્રેરક અને આંતરસૂઝભર્યા સમાધાનનું આ સંકલન આત્માર્થીઓના લાભાર્થે પ્રકાશિત થઇ રહ્યું છે એ પ્રસંગે હર્ષ અનુભવી રહ્યો છું. પૂજ્ય બહેનશ્રીને મળ્યાને આ ભવમાં ઘણો વખત નથી થયો, પરંતુ પ્રથમ મિલને જ જાણે ઘણા ભવોથી સાથે હોઈએ, સાથે સાધના કરી હોય એવો ભાવ જાગ્યો; અને પછી એમનું વાત્સલ્ય, એમની અંતર્મુખતા મને મુગ્ધ કરી ગયાં. ધ્યાનની પ્રશાંતતા સાથે પ્રેમની પ્રબળતાનો સુભગ સમન્વય એમનામાં જોવા મળ્યો છે. શ્રી અનંતભાઈ રવાણીના જણાવ્યા મુજબ, પૂજ્ય બહેનશ્રીને લગભગ ૧૮-૨૦ વર્ષ પહેલાં સાંજના સમયે એમના વલ્લભવિદ્યાનગરના ઘરે 'સહજ ધ્યાન'ની અવસ્થા પ્રાપ્ત થઈ હતી. ખુદ બહેનશ્રીએ પણ દર્શાવ્યું છે, '... એક દિવસ, ઓચિતું, ઈશ્વર તરફથી ઇનામ મળ્યું. સ્વયં-સહજ ધ્યાનમાં સરી જવાયું. ... ચપટી પ્રસાદની આશા હતી. લહેરાતો સાગર આવી મળ્યો.' (પૃષ્ઠ-૧૪) ઉપરોક્ત અનુભૂતિ અને પછીની ચાલતી રહેલી આંતરિક સાધનાના ફળસ્વરૂપે લીધેલ પરિપકવતાની ઝલક પ્રસ્તુત સંકલનમાં ઠેર ઠેર જોવા મળે છે. ઑસ્ટીન જૈન સત્સંગ સાધના પરિવારના સદસ્યો સાથે કે અંતરનો અજંપો લઈને માર્ગદર્શન માટે મળનાર કોઈ પણ વ્યક્તિ સાથેના વિચારવિમર્શમાં બહેનશ્રીએ ક્યાંય ધર્મના નામે સંસારથી, ફરજોથી ભાગવાની વાત નથી કરી, પણ ઉદયવશ જ્યાં છીએ ત્યાં પ્રેમથી, સમતાથી, સમજણપૂર્વક કઈ રીતે સાધનામય રહી શકાય એની જ સ્પષ્ટતા અને દ્રઢતા કરાવી છે. પ્રશ્નકર્તાના પક્ષમાં બેસી, તેની ખૂટતી કડી તેમણે લાગણીથી, ધીરજથી સમજાવી છે. બહેનશ્રી સ્વયં પ્રેમમૂર્તિ છે અને અન્યને પણ એવા જ બનવાનો અનુરોધ કરે છે. પ્રતિક્રિયાના રોગ સામે લડવા તેઓ મૈત્રીક્રિયાનો યોગ સૂચવે છે. ઉપેક્ષા, અપેક્ષાભંગ, અપમાન આદિના પ્રસંગે કઈ રીતે વ્યક્તિત્વને ગૌણ કરી અસ્તિત્વની આરાધના માંડવી એનું સુંદર માર્ગદર્શન તેમણે આપ્યું છે. સમસ્યાનું નિરાકરણ સમજાવવા તેમણે રોજબરોજના વ્યવહારમાં સચોટ દ્રષ્ટાંત પ્રયુક્ત કર્યા છે. તેમની ભાષા સરળ, રોજિંદા વપરાશની છે છતાં રજૂઆત પ્રભાવક, ચમત્કારિક છે. સાદા શબ્દોમાં તત્વની ઊંડી સમજ તેમણે પીરસી છે. વાંચનારને લાગશે, જાણે મારી જ મૂંઝવણોનો જવાબ અપાઈ રહ્યો છે, મારે આમ જ કરવું જોઈએ! આવું સાધક-ઉપયોગી સંકલન તૈયાર કરવામાં નિમિત્ત બનેલ સત્સંગીઓ અભિનંદનને પાત્ર છે. 'ધ્યાન એટલે બસ હોવું કરવાપણું ખરી પડે. હોવાપણું માત્ર હોય.' પોતાની નિકટ સરકવાનું, સ્વયંની સાથે સંબંધ સ્થાપવાનું આ સાધન છે. એનું અવલંબન લઈ આત્માર્થી જીવો સાધનામાં સરે, અંતર્મુખતાને વરે એ મંગળ ભાવના. તા. ૩૧. ૩. ૨૦૦૭ રાકેશભાઈ ઝવેરી શ્રી મહાવીર જયંતી. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 110