Book Title: Khatrani Ghantadi
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji
Catalog link: https://jainqq.org/explore/008906/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મહારાજ સાહેબ, થોડાક સમય પૂર્વે આપના જ એક પુસ્તકમાં આપે મૂકેલ એક સુભાષિતનો અર્થ મારા વાંચવામાં આવ્યો. ‘આત્મચિંતા ઉત્તમ છે. વિષયચિંતા મધ્યમ છે. અર્થચિંતા અધમ છે જ્યારે પરચિંતા અધમાધમ છે' આમાં ‘આત્મચિંતા ઉત્તમ છે” એ વાત તો મગજમાં બેસે છે. કારણ કે ઉત્તમ એવા માનવજીવનની થઈ ગયેલ પ્રાપ્તિની સાર્થકતા આત્મહિતને અકબંધ કરી દેવામાં જ છે અને એ આત્મહિતને અકબંધ કરી દેવા આત્મચિંતાને ધબકતી રાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. જ્યારે ‘પરચિંતા અધમાધમ છે' આ વાત પણ મગજમાં બેસે છે કારણ કે પરચિંતામાં આત્માનું સરાસર વિસ્મરણ છે. ઉત્તમ એવા માનવજીવનની કીમતી પળોનો વ્યર્થ વેડફાટ છે. અનંતકાળે પ્રાપ્ત એવા બહુમૂલ્ય મનોરત્નનો જાલિમ દુરુપયોગ છે. નિર્દોષ અને નિર્મળ અંતઃકરણને કલુષિત કરતા રહેવાની બાલિશતા છે. પ્રશ્ન જે છે તે આ છે કે વિષયચિંતા કે જેમાં મુખ્યતયા વિજાતીય સ્ત્રિી] પાત્ર આવે છે એ મધ્યમ છે અને અર્થચિંતા કે જેમાં કેન્દ્રસ્થાને પૈસો આવે છે એ અધમ છે એમ શા માટે ? શું સ્ત્રી ચિંતા કરતા પૈસાની ચિંતા વધુ ખરાબ છે? શું કામિની કરતાં કંચનના વિચારો મનને વધુ કલુષિત કરે છે? વિવેક જેમાં લગભગ ગેરહાજર જ હોય છે એવી વિષયવાસના કરતા વિવેકને જેમાં હાજર રાખી શકાય છે. એવી અર્થલાલસા શું આત્મા માટે વધુ નુકસાનકારક છે? જગતમાં સ્ત્રી ખાતર થયેલાં યુદ્ધોની સંખ્યા કરતાં શું પૈસા ખાતર થયેલ યુદ્ધની સંખ્યા અનેકગણી વધારે છે ? આ પ્રશ્ન મારા મનમાં ઊઠવા પાછળનું કારણ આપને જણાવી દઉં? ૨૫ વરસની ભરયુવાનવયે અત્યારે હું આવીને ઊભો છું. કોલેજનું ભણતર મારું પૂર્ણ થઈ ગયું છે. એક ખ્યાતનામ કંપનીમાં ખૂબ સારા એવા પગારે હું અત્યારે કામ કરી રહ્યો છું. પણ નિખાલસભાવે આપને જણાવી દઉં કે મનમાં અત્યારે સ્ત્રીના જેટલા વિચારો આવી રહ્યા છે એના લાખમા ભાગના વિચારો ય પૈસાના નથી આવતા. આંખે ચડી જતા શ્રીમંતને જોઈને મનમાં એવાં ગલગલિયાં નથી થતાં જેવાં ગલગલિયાં રૂપાળી યુવતી આંખે ચડી જતા થાય છે. મનના ભાવોને છુપાવ્યા વિના જણાવી દઉં તો રસ્તા પર શ્રીમંતને જોઈ લેવા આંખો જરાય ભટકતી નથી જ્યારે રૂપાળી યુવતીને જોઈ લેવા મારી આંખો સતત ભટકતી આપ એમ કહો છો કે વિષયવાસના કરતા અર્થલાલસા વધુ ભયંકર છે. મારો અનુભવ એમ કહે છે કે અર્થલાલસા કરતા વિષયવાસના વધુ ખતરનાક છે. કોઈ સમાધાન? Page #2 -------------------------------------------------------------------------- ________________ જય, તારો પત્ર વાંચ્યો. તું જે સમસ્યા લઈને મારી સમક્ષ ઉપસ્થિત થયો છે એ સમસ્યાનું સમાધાન પ્રભુવચનોના સહારે હું તને આપવા પ્રયત્નો તો કરીશ પણ એક વાત તને કરી દઉં કે અનંતોપકારી ભવોદધિતારક પૂજ્યપાદ ગુરુદેવશ્રીની કૃપાથી ૧૯ વરસની વયે દેવોને ય દુર્લભ નિષ્પાપ એવું સંયમજીવન મારા હાથમાં આવી ગયું છે. સંસારી અવસ્થામાં નથી તો મેં અર્થલાલસાની ખતરનાકતા અનુભવી કે નથી તો વિષયવાસનાની ભયંકરતા અનુભવી. ટૂંકમાં કહું તો એક સંયમીને મળતું ‘કંચન-કામિનીના ત્યાગી'નું વિશેષણ મને જરૂર મળ્યું છે પરંતુ એ બંનેમાંથી એકના પણ અનુભવમાંથી હું પસાર થયો નથી. અને જે સંયમજીવન અત્યારે મારા હાથમાં છે એ જીવનમાં હવે એ બંનેમાંથી એકનો પણ અનુભવ મને થવાનો નથી કારણ કે આ જીવનમાં એ બંનેના સ્પર્શનો તો નિષેધ છે જ પરંતુ સહવાસનો યાવત્ સંપર્કનો પણ નિષેધ છે. આમ છતાં આગમ ગ્રંથોમાં, ચરિત્ર ગ્રંથોમાં મેં પ્રભુનાં વેરાયેલાં જે પણ વચનો વાંચ્યા છે અને ગુરુજનોના મુખે પ્રભુનાં જે પણ વચનો મેં સાંભળ્યા છે વર્તમાન સંસારમાં અત્ર-તંત્ર બનતા જે પણ પ્રસંગો ૨ જોવા, જાણવા, સાંભળવા મને મળી રહ્યા છે એ તમામને આંખ સામે રાખીને અહીં પત્રવ્યવહારના માધ્યમે તારી સમસ્યાનું સમાધાન આપવા હું પ્રયાસ કરવા ધારું છું. અલબત્ત, એક વાત તને પૂછ્યા પછી જ હું એ દિશામાં આગળ વધીશ. તારા મનમાં દવાના વિચારો વધુ ચાલે કે ભોજનના વિચારો ? તારો સ્પષ્ટ જવાબ આ જ હશે કે દવાના વિચારો તો શરીર રોગગ્રસ્ત હોય ત્યારે જ આવે પરંતુ ભોજનના વિચારો તો શરીર તંદુરસ્ત હોય ત્યારે પણ આવે ! હવે બીજો પ્રશ્ન. ભોજનના વિચારો વધુ આવે કે પ્રાણવાયુના વિચારો વધુ આવે ? તારો સ્પષ્ટ જવાબ આ જ હશે કે ભોજનના વિચારો તો કદાચ ભૂખ લાગે ત્યારે જ આવે પરંતુ પ્રાણવાયુના વિચારો તો પ્રતિસમય આવે ! તાત્પયાર્થ આનો સ્પષ્ટ છે. જે ચીજનો ઉપયોગ નિયત સમય કે નિયત સંયોગ પૂરતો જ હોય છે એના વિચારો ઓછા આવે છે જ્યારે જેનો ઉપયોગ વધુ સમય કે વધુ સંયોગોમાં કરવાનો હોય છે એના વિચારો વધુ આવે છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ , જીવનમાં વાસનાના પ્રાબલ્યનાં કેટલાંક વરસો જ હોય છે. જ્યારે લોભના પ્રાબલ્યનાં વરસો કેટલાં હોય છે એનો કોઈ અંદાજ નથી. હું તને જ પૂછું ? કદાચ ૧૦/૧૨/૧૪વરસની વય સુધી તારા મનમાં યુવતીનું કોઈ જ આકર્ષણ નહોતું એમ તું જરૂર કહી શકીશ પણ એ વયમાં પૈસાનું પણ કોઈ આકર્ષણ નહોતું જ એમ કહી શકવાની તારી તૈયારી ખરી? એ જ રીતે લગ્નજીવનમાં પ્રવેશ કર્યા બાદ ૫ ૧૦ કે ૧૫ વરસ બાદ સ્ત્રીનું આકર્ષણ તારા મનમાં ખતમ થઈ જ જશે એમ તું હજી કદાચ કહી શકીશ પણ ધંધાના ક્ષેત્રમાં પ્રવેશ કર્યા બાદ ૧૦૧૫ વરસ પછી તારા મનમાં પૈસાનું કોઈ જ આકર્ષણ રહેવાનું નથી એમ તું આજે છાતી ઠોકીને કહી શકવાની હિંમત ધરાવે છે ખરો ? ના. બિલકુલ નહીં ! તાત્પર્યાર્થ આનો સ્પષ્ટ છે. સ્ત્રી મનમાં અને જીવનમાં મોડી આવે છે, વહેલી રવાના થઈ જાય છે. જ્યારે પૈસો મનમાં અને જીવનમાં બહુ વહેલો આવે છે. અને મોત આવે છે ત્યારે ય જવાનું નામ નથી લેતો. આ વાસ્તવિકતા એટલું જ કહે છે કે વિષયવાસના અને અર્થલાલસા, બંનેય ખતરનાક તો છે જ છતાં ખતરનાકતાની ટકાવારી મૂકવી હોય તો કહી શકાય કે વિષયવાસનાની ખતરનાકતા જો ૨૦ ટકા જેટલી છે તો અર્થલાલસાની ખતરનાકતા ૮૦ટકા જેટલી છે. તેં તારા પોતાના અનુભવની જે વાત લખી છે એના સંદર્ભમાં એટલું જ લખવાનું કે અત્યારે તારા મનમાં યુવતીના ચાલી રહેલ વિચારો એ તારી ૨૫ વરસની યુવાનવયને આભારી છે. જ્યાં એ વય ૩૦૩૫ ૪૦૪૫ ઉપર પહોંચશે, આજનું તારું એ આકર્ષણ કદાચ વિકર્ષણમાં પરિણમી ગયું હશે. સાંભળ્યું છે તે આ દૃષ્ટાન્ત? સ્ટેશનેથી ઘરે આવેલા યુવકનું પેન્ટ અને ખમીસ, બંને કાળા થઈ ગયા હતા. એના મિત્રે એને પૂછી લીધું, “આ શું ?' ‘કાંઈ નહીં. પત્ની બે મહિના માટે પિયર જઈ રહી હતી. એને મૂકવા હું સ્ટેશને ગયો હતો. જેવી એ ગાડીના ડબ્બામાં બેસી ગઈ, હું આનંદમાં આવી ગયો. દોડીને ગાડીનું જે એન્જિન હતું, એને ભેટી પડ્યો. આ પેન્ટ અને ખમીસ એમાં કાળા થઈ ગયા ! આ દૃાન્ત શું કહેવા માગે છે એ તું સમજી ગયો હોઈશ. Page #4 -------------------------------------------------------------------------- ________________ મહારાજ સાહેબ, આપના ગતપત્રમાં આપે આપેલા તર્કને વાંચીને હું સ્તબ્ધ થઈ ગયો છું. આપ સાવ સાચા છો. મુગ્ધવયમાં જ્યાં પુરુષ અને સ્ત્રી વચ્ચેના ભેદની જ ખબર નથી હોતી ત્યાં એ વયમાં સ્ત્રી-શરીર પ્રત્યે આકર્ષણ હોય એ સંભાવના ય ક્યાં છે? પણ એ વયમાં ય કોણ જાણે કેમ પૈસા પ્રત્યે તો મનમાં આકર્ષણ ઊભું થઈ ગયું જ હોય છે. નાનો બાબો ય એની મુઠ્ઠીમાં પૈસા આવી ગયા પછી મુઠ્ઠી ખોલવા તૈયાર થતો નથી. ઘરમાં કે રસ્તામાં ક્યાંય એની નજરે પરચુરણ ચડી જાય છે તો એને ઉઠાવી લીધા વિના એ રહેતો નથી. પોતાની ચડ્ડીના ખીસામાં ભલે ને ચાર-આઠ આના જ હોય છે, પોતાના મિત્રો વચ્ચે એની ડંફાશ લગાવ્યા વિના એ રહેતો નથી. એ જ રીતે જો પોતાની પાસે પૈસા હોતા નથી તો એ બદલ એ પોતાના મનમાં લઘુતાગ્રંથિ અનુભવ્યા કરતો હોય છે. શું કહું આપને? આ અનુભવ મારો પોતાનો છે. આ અનુભવમાંથી હું પોતે ગુજરી ચૂક્યો છું. અને એ જ રીતે મેં મારી આંખ સામે એવા પ્રૌઢોને અને વૃદ્ધોને જોયા છે કે જેઓ પોતાની પત્ની સાથે બેસીને છેલ્લાં કેટલાંય વરસોથી પચાસ શબ્દો ય બોલ્યા નથી, દિવસ દરમ્યાન એકાદ વખત પણ પત્નીનું મોટું જોતા નથી. કદાચ પ્રભુને તેઓ વિનંતિ કરી રહ્યા છે કે “હે પ્રભુ, તું એને તારી પાસે બોલાવીને મને અહીં સુખી કરી દે અને કાં તો મને તારી પાસે બોલાવી દઈન મને ત્યાં સુખી કરી દે’ પણ આ જ પ્રૌઢો અને વૃદ્ધો પાછલી વયમાં પણ પૈસા પૈસા માટે પોતાના પરિવારજનો સાથે તોફાનો કરી રહ્યાનું મેં મારી સગી આંખે જોયું છે. શરીર ના પાડી રહ્યું હોવા છતાં પૈસાના લોભે મોડી રાત સુધી બજારમાં તેઓ ભટકી રહ્યા છે. ગૅરબજારમાં કઈ કંપનીના શૈર લઈએ તો વધુ નફો મળે એવી ચર્ચા તેઓ ચોરે ને ચૌટે, હાલતા ને ચાલતા કરી રહ્યા છે. જાણવું તો મારે એ છે કે સ્ત્રી મોડી ગમે, વહેલી જાય અને પૈસો વહેલો ગમે અને મોત સુધી પણ જવાનું નામ જ ન લે એની પાછળ કારણ શું છે? શું જીવંત એવી સ્ત્રી કરતાં જડ એવા પૈસામાં વધુ તાકાત છે? Page #5 -------------------------------------------------------------------------- ________________ જય, તારો પત્ર વાંચ્યો. તારી શંકા વાજબી છે. જડ એવો પૈસો જીવંત વ્યક્તિ કરતાં ય જીવનમાં મહત્ત્વના સ્થાને ગોઠવાઈ જાય એની પાછળ કારણ શું છે? એક જ કારણ છે. પૈસા પાસે તમામ વસ્તુની યાવતું વ્યક્તિની પણ ખરીદશક્તિ છે. પૈસો ગાડી, બંગલો તો ખરીદી શકે છે પણ માણસ બીમાર પડે ત્યારે સારા ડૉક્ટરની દવા પણ એની પાસે પૈસો હોય તો જ એને ઉપલબ્ધ થાય છે. એનાં બાળકોને ભણવા માટે સારી સ્કૂલમાં પણ પૈસા હોય તો જ દાખલ કરી શકાય છે. સારાં ચશમાં, સારું ફર્નિચર, સારું ટી.વી., સારો મોબાઇલ આ બધું પૈસો હોય તો જ ખરીદી શકાય છે એ તો ઠીક પણ પૈસાથી પ્રધાનને, વકીલને, ડૉક્ટરને, એંજિનિયરને, ક્રિકેટરને યાવતું શ્રેષ્ઠ શિક્ષિતોને ય ખરીદી શકાય છે. ટૂંકમાં, પૈસો એ ખરીદશક્તિનું માધ્યમ છે. પૈસાના ગર્ભમાં સંખ્યાબંધ વસ્તુઓ અને વ્યક્તિઓ પડી છે. કદાચ આ જ કારણસર તો પૈસાને અગિયારમાં પ્રાણ કહેવામાં આવ્યો છે. હવે તું જ કહે, જીવનમાં જડ એવા પૈસાને જીવંત વ્યક્તિ કરતા વધુ મહત્ત્વનું સ્થાન મળી જતું હોય તો એમાં આશ્ચર્ય શું છે ? શું કહું તને? સ્ત્રીમાં સ્ત્રી જ છે. ગાડી-બંગલો-મોટર-ફર્નિચર વગેરે કશું જ નથી. જ્યારે પૈસામાં શું નથી એ પ્રશ્ન છે. માણસ પૈસા બચાવવા સંખ્યાબંધ ચીજો જતી કરવા તૈયાર થઈ જશે પણ કોક ચીજ બચાવવા પૈસા જતા કરવા તૈયાર નહીં થાય. સાંભળ્યું છે તેં આ દૃષ્ટાન્ત? કરોડપતિ શ્રીમંતને ગલીમાં ગુંડો મળી ગયો. છરો બતાડીને શ્રીમંતને એણે એટલું જ પૂછ્યું, ‘પૈસા આપી દેવા છે કે જાન આપી દેવો છે?” ‘જાન' “કેમ?' ‘જે પૈસા મેળવવા જાનની બાજી મેં લગાવી છે એ પૈસા જ જો ચાલ્યા જતા હોય તો પછી જાન બચાવીને મારે કરવું છે શું?' જય, તું પુછાવે છે કે શું જીવંત એવી સ્ત્રી કરતાં જડ એવા પૈસામાં વધુ તાકાત છે? હું કહું છું, માણસ પોતાના જાન કરતાં પૈસામાં વધુ તાકાત હોવાનું માની બેઠો છે ! Page #6 -------------------------------------------------------------------------- ________________ મહારાજ સાહેબ, આપે તો કમાલનું સમાધાન આપી દીધું. સ્ત્રીમાં સ્ત્રી જ છે, જ્યારે પૈસામાં શું નથી એ પ્રશ્ન છે' આપે આપેલ આ સમાધાનનો અર્થ હું એમ સમજ્યો છું કે સ્ત્રી એ જો સુખ છે તો પૈસો એ સુખનું કારણ છે. સ્ત્રીમાં જો માત્ર વાસનાતૃપ્તિનું જ સુખ છે તો પૈસામાં તમામ સુખોનું કારણ છુપાયેલું પડ્યું છે અને એટલે જ સ્ત્રીના સહવાસ કરતાં ય માણસને પૈસોના સંગ્રહમાં વધુ રસ છે. સ્ત્રીને ભોગવવામાં માણસને જેટલો રસ છે એના કરતા વધુ રસ માણસને પૈસા ભેગા કરવામાં છે. સ્ત્રીના કામચલાઉ સુખ કરતાં પૈસાના કાયમી સુખ પર માણસ વધુ પાગલ છે. આમ છતાં એક વાત આપને પૂછું ? મોક્ષરૂપી કાર્યનું જેમ ધર્મ એ કારણ છે તેમ કામરૂપી કાર્યનું અર્થ એ કારણ છે. કારણના સેવન છતાં કાર્ય જો નિષ્પન્ન ન થાય તો મનમાં સહેજે પ્રશ્ન ઊઠે કે તો પછી કારણસેવનની જરૂર જ શી છે? ધર્મસેવન કરતાં જ રહીએ અને મોક્ષ નજીક આવી રહ્યાનું પણ ન દેખાતું હોય તો મનમાં વેદના તો થાય જ ને કે “ધર્મસેવનનો અર્થ જ શો છે ?' એ જ ન્યાયે સંપત્તિના ભરપૂર સંગ્રહ પછી પણ વિષયસુખો જો ભોગવવાના જ ન હોય તો પછી એ સંપત્તિના અર્જન પાછળના પુરુષાર્થનો અર્થ જ શો છે? સંપત્તિનો માત્ર સંગ્રહ જ કરતા રહેવાનો અર્થ શો છે? ‘ખાઓ, પીઓ અને જલસા કરો” આ લક્ષ્યને આંબવા તો માણસ પૈસા પાછળ દોડે છે અને પર્યાપ્ત પ્રમાણમાં પૈસા ભેગા થઈ ગયા પછી પણ જો માણસ નથી ખાવા તૈયાર, નથી પીવા તૈયાર અને નથી જલસા કરવા તૈયાર તો પછી માણસ પૈસા પાછળ આટલો બધો બહાવરો થઈને દોડતો શા માટે રહે છે ? જય, તારો આ પ્રશ્ન એકદમ વાજબી છે. જવાબ એનો એ છે કે માણસ પોતાના સુરક્ષિત ભવિષ્ય અંગે એકદમ શંકિત પણ છે અને ચિંતિત પણ છે. એને વિશ્વાસ જ નથી કે આજે હાથમાં રહેલ બધો જ પૈસો વાપરી દઈશ તો ય આવતીકાલે નવો પૈસો હું પુનઃ અર્જિત કરી જ શકીશ. ટૂંકમાં, સુરક્ષિત ભવિષ્યની ચિંતા જ માણસને પૈસા વાપરતા, વેડફતા અને વાવતા અટકાવી રહી છે ! Page #7 -------------------------------------------------------------------------- ________________ જય, કંચન અને કામિનીના સંદર્ભમાં, અર્થ અને વિષયોના સંદર્ભમાં એક અતિ મહત્ત્વની વાત તું ખાસ સમજી રાખજે કે કંચનનું સુખ મનકેન્દ્રિત છે જ્યારે કામિનીનું સુખ શરીર કેન્દ્રિત છે. અર્થ મનને બહેલાવતું રહે છે જ્યારે વિષયો શરીરને બહેલાવતા રહે છે. અને શરીર-મનના સ્વભાવને સ્પષ્ટ સમજી લઈએ તો વિષયોના ભોગવટાથી શરીર થાકે છે, કંટાળે છે, અકળાય છે પણ સંપત્તિના સંગ્રહથી મન થાકતું ય નથી, કંટાળતું ય નથી અને અકળાતું પણ નથી. શું કહું તને ? વિષયસેવન બાદ શરીર તુર્ત વિષયસેવન માટે પ્રવૃત્ત થઈ શકતું નથી પરંતુ સંપત્તિના અર્જુનની પછીની જ પળે જો સંપત્તિ અર્જનની નવી તક ઊભી થયાનો મનને ખ્યાલ આવે છે તો મન એ માટે તુર્ત જ તૈયાર થઈ જાય છે. આનો અર્થ ? આ જ કે સુખના જે પણ ક્ષેત્રમાં શરીર થાકે છે ત્યાં ૧૩ ક્યાંક અને ક્યારેક તો પૂર્ણવિરામ મૂકવાની સ્થિતિ આવે જ છે અને માણસ પૂર્ણવિરામ મૂકી પણ દે છે પરંતુ સુખના જે ક્ષેત્રમાં કેન્દ્રસ્થાને મન હોય છે એ ક્ષેત્રમાં મન ક્યાંય અને ક્યારેય અટકવા તૈયાર થતું નથી. હું તને જ પૂછું છું, સ્ત્રી સંબંધી બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લઈ ચૂકેલા સેંકડો વિરલાઓ તેં જીવનમાં જોયા હશે, પૈસા સંબંધી બ્રહ્મચર્ય અંગીકાર કરી ચૂકેલા ગણ્યા-ગાંઠ્યા વિરલાઓ પણ તેં તારા જીવનમાં જોયા છે ખરા ? ‘ના’ આ જ તારો જવાબ હશે. આ વાસ્તવિકતા એટલું જ કહે છે કે વાસનાની ચુંગાલમાંથી શરીરને મુક્ત કરી દેવાનું ઓછું કઠિન છે પરંતુ અર્થની લાલસામાંથી મનને મુક્ત કરી દેવાનું તો અતિ અતિ કઠિન છે. સાંભળ્યો છે આ ટુચકો ? ‘લાંબી જિંદગી જીવવાનો કોઈ ઉપાય છે ?’ એક યુવકે એક અનુભવી પ્રૌઢ પુરુષને પૂછ્યું, ‘લગ્ન કરી લે’ ‘લાંબી જિંદગીને અને લગ્નને કોઈ સંબંધ છે ?' ‘હા. લગ્ન કરી લીધા પછી લાંબી જિંદગી જીવવાના કોઈ ઓરતા જ રહેતા નથી.’ એ અનુભવી પ્રૌઢે જવાબ આપી દીધો. ૧૪ Page #8 -------------------------------------------------------------------------- ________________ મહારાજ સાહેબ, આપનો ગત પત્ર ત્રણેક વાર વાંચ્યો. આપે આપેલ સમાધાન એકદમ સચોટ છે કે સુખનું જે પણ ક્ષેત્ર શરીર કેન્દ્રિત હોય છે ત્યાં ક્યાંક તો અટકવાનું આવે જ છે. માત્ર સ્ત્રીની બાબતમાં જ શું કામ, ભોજનની બાબતમાં પણ આ જ સ્થિતિ છે તો દેશ્યોની બાબતમાં પણ આ જ વાસ્તવિકતા છે. સંગીતની બાબતમાં પણ આ જ હકીકત છે તો સુવાસિત દ્રવ્યોની બાબતમાં પણ સ્થિતિ આ જ છે. ગુલાબજાંબુ ભલે ને ખૂબ ભાવે છે. ખાતા ખાતા ક્યાંક તો અટકી જવું જ પડે છે. ટી.વી. પર ભલે ને ગમે તેટલાં આકર્ષક દશ્યો આવી રહ્યા છે, આંખોને ક્યાંક તો વિરામ આપવો જ પડે છે. સંગીતના કર્ણપ્રિય અવાજો ભલે ને મસ્તક ડોલાવી રહ્યા છે, ક્યાંક તો કાનને ‘રુક જાઓ’ કહેવું જ પડે છે. ટેબલ પર ભલે ને એક એકથી ચડિયાતા અત્તરની ખુલ્લી બાટલીઓ પડી છે, એક પળે તો એ સ્થળેથી ઊભું થઈ જવું જ પડે છે. ટૂંકમાં, મનની જે ઉત્તેજનાને પુષ્ટ કરવા શરીરને બહેકાવવું પડે છે, ત્યાં ક્યાંક તો શરીરને આરામ આપવો જ પડે છે પરંતુ પૈસાની બાબતમાં આ સ્થિતિ નથી. પૈસાનું સુખ મનકેન્દ્રિત છે. અને થાકવું એ મનના સ્વભાવમાં જ નથી. મનનો સ્વભાવ તો છે દોડતા રહેવું, ભાગતા રહેવું, ઊડતા રહેવું અને ભટકતા રહેવું. પૈસા માટે શરીર ભલે ને બજારમાં દસ કલાકથી દોડી રહ્યું છે, મન શરીરને થાકનો અનુભવ થવા જ દેતું નથી. ઉધરાણી પતાવવા ભલે ને આખી રાત જાગવું પડ્યું છે, શરીરને સુસ્તીનો કોઈ અનુભવ જ નથી થતો. માલનો ઑર્ડર લેવા ભલે ને ૨000 કિલોમીટરનો પ્રવાસ ખેડવો પડ્યો છે, શરીરને આરામની કોઈ જરૂર જ નથી પડતી. કારણ ? મનને પૈસો ગમે છે. અલબત્ત, આ અનુભવ મારો નથી પરંતુ મારી આસપાસ જે લોકો પૈસા પાછળ દોડી રહ્યા છે એ સહુનાં જીવનમાં આ બધું મેં નજરોનજર જોયું છે. આપે સચોટ લખી દીધું છે કે સ્ત્રી સંબંધી બ્રહ્મચર્ય સરળ છે. પૈસા સંબંધી બ્રહ્મચર્ય મુશ્કેલ છે. પણ તો ય મનમાં પ્રશ્ન એ ઊઠે છે કે માણસ જડ એવા પૈસા વિના ભલે જીવી શકતો નથી પરંતુ પ્રસન્ન રહેવા માટે તો એને લાગણી-પ્રેમ-હૂંફની જરૂર પડે જ છે અને એ બધું એને જીવંત વ્યક્તિ તરફથી જ મળતું હોય છે. આમ છતાં ય માણસને પૈસા” માટે આટલો બધો નશો કેમ હશે? Page #9 -------------------------------------------------------------------------- ________________ ય, પૈસાની આ જ તો કમાલ છે ! તું શું એમ માની બેઠો છે કે માણસે પૈસાને એક નંબર આપ્યો છે અને માત્ર સ્ત્રીને જ બીજા નંબર પર ગોઠવી દીધી છે ? ના, માણસે પોતાના પિતાને, ભાઈને, પુત્રને યાવત્ સજ્જનને, સંતને અને પરમાત્માને ય પૈસા પછીના નંબર પર ગોઠવી દીધા છે! પૈસા ખાતર બધું ય જતું કરવા તૈયાર અને પૈસા ખાતર બધાયને જતાં કરવા તૈયાર, આ જ તો માણસની વિચારશૈલી અને જીવનશૈલી બની ગયેલ છે. શું કહું તને? પૈસા ખાતર માણસે આજે પોતના સ્વાથ્યની ય ઉપેક્ષા કરવાનું શરૂ કર્યું છે. સાચી ઊંઘ, સાચી ભૂખ અને સાચી શાંતિ, તંદુરસ્તી માટે અતિ મહત્ત્વની ગણાતી આ ‘ત્રિપુટી'ને હાથવગી રાખવાની બાબતમાં માણસે આજે રીતસરનાં આંખમીંચામણાં શરૂ કરી દીધા છે. આનાં દુષ્પરિણામો સર્વત્ર જોવામાં આવી રહ્યા છે. બ્લડપ્રેશર, ડાયાબિટીશ, હૃદયરોગ અને તનાવ. આ ચાર રોગોએ જાણે કે માણસના શરીર પર ડેરા-તંબૂ નાખી દીધા છે અને છતાં માણસ આના પરથી કોઈ બોધપાઠ લઈને પોતાના જીવનની કોઈ વ્યવસ્થા બદલવા તૈયાર નથી. એક અતિ ગંભીર વાત તને જણાવું? પૈસાથી જિંદગીના બધા જ પ્રશ્નો ઉકલી જાય છે એ માન્યતા સાથે પૈસા પાછળ જે માણસ જીવનભર દોડતો રહે છે એ માણસની જિંદગી ખુદ એક પ્રશ્ન બની રહે છે. આનો અર્થ ? આ જ કે એની જિંદગીના વ્યવહારો તમામ માટે પ્રશ્નાર્થરૂપ બની રહે છે. પુત્ર તરીકેનો એનો તોછડો વ્યવહાર એના પિતા માટે પ્રશ્નરૂપ બની રહે છે. *જેને સુસંસ્કારો આપ્યા એ દીકરો આવો પાક્યો ?” પતિ તરીકેનો એનો કર્કશ વ્યવહાર એની પત્ની માટે પ્રશ્નરૂપ બની રહે છે. ‘જેને મારા જીવનમાં મેં ‘સર્વસ્વ'નું સ્થાન આપ્યું એ આવી તુચ્છતાના શિકાર બની ગયા ?' પિતા તરીકેનો એનો ઉપેક્ષિત વ્યવહાર એના પુત્ર માટે સમસ્યારૂપ બની રહે છે. મારા પપ્પા અને એમનું આ હદનું ઠંડું વલણ ?' જય. હૃદયની લાગણીની સ્મશાનયાત્રા કાઢીને જ રહે એવી અર્થની લાલસાનો શિકાર જે પણ બન્યો એનો પરલોક તો બિહામણો બની જ ગયો પણ એનો આલોક પણ ત્રાસદાયક અને સંક્લેશકારક બની ગયો ! સાવધાન ! Page #10 -------------------------------------------------------------------------- ________________ મહારાજ સાહેબ, આપનો પત્ર મળ્યો અને વાંચ્યો તો ખરો પણ મારા અન્ય બે-ત્રણ મિત્રોને વંચાવ્યો પણ ખરો. સહુનાં મનમાં એક શંકા હજી ઊભી છે કે પત્નીના અભાવમાં જીવનને પ્રસન્નતાથી પસાર કરી દેવામાં કોઈ જ તકલીફ પડતી નથી પણ સંપત્તિના અભાવમાં તો સંસારી માણસને એક દિવસ તો શું, એક કલાક પણ, પ્રસન્નતાથી તો શું, સ્વસ્થતાથી પણ પસાર કરવો મુશ્કેલ બની રહે છે. આપ સાધુ બની ગયા છો અને એટલે આપનું જીવન પૈસાના અભાવમાં ય મજેથી પસાર થઈ જાય પણ અમારું શું? તો હશે જ ને? એમાં એકાદ યુવક તો તેં એવો જોયો જ હશે કે જેનું મન એની પત્નીના પ્રભાવ હેઠળ આવી ચૂક્યું હશે. તું શું એ માની શકે છે ખરો કે પત્નીના પ્રભાવ હેઠળ જીવન જીવતા એ યુવકનું મન પ્રસન્નતાથી તરબતર રહેતું હશે ? હરગિજ નહીં. પત્નીના અભાવમાં પ્રસન્નતા હજી ટકાવી શકાય પણ પત્નીના પ્રભાવ હેઠળ તો પ્રસન્નતાની સ્મશાનયાત્રા નીકળીને જ રહે. સાંભળ્યું છે તે આ કરુણ છતાં રમૂજી દેખાત્ત? હૉસ્પિટલમાં દાખલ થયેલા પતિને ઑપરેશન દરમ્યાન લોહી આપવું પડે એવી સંભાવના ઊભી થઈ જતાં એના ગ્રુપનું લોહી હાજર રાખવાના પ્રયાસો શરૂ થયા. એમાં ધારી સફળતા ન મળતાં ડૉક્ટરને પતિએ વિનંતિ કરી. મારી પત્નીનું લોહી તપાસી જુઓ. ચોક્કસ મારા ગ્રુપનું લોહી મળી જ જશે. ડૉક્ટરને આશા તો નહોતી છતાં લોહી આપવા પત્નીને સંમત કરીને એનું લોહી લીધું. લૅબોરેટરીમાં લોહી તપાસવા મોકલ્યું. રિપોર્ટ જે આવ્યો એ આશ્ચર્યકારી હતો. પતિના ગ્રુપ સાથે પત્નીના લોહીનું ગ્રુપ મળી જતું હતું. ડૉક્ટરે પતિને આ સમાચાર આપ્યા. પતિએ ડૉક્ટરને હસતાં હસતાં કહી દીધું. ‘ડૉક્ટર સાહેબ ! લગ્નજીવનનાં ૨૫ વરસ દરમ્યાન જે પત્નીએ મારું લોહી પીતા રહેવાનું જ કામ કર્યું છે એ પત્નીના લોહીનું ગ્રુપ મારા લોહીના ગ્રુપ જેવું ન નીકળ્યું હોત તો જ મને આશ્ચર્ય થાત !' સંમત છું તારી આ વાત સાથે કે પૈસાના અભાવમાં તારું અર્થાત્ સંસારી માણસનું જીવન ન જ ચાલી શકે પણ એક વાત તારા દિલની દીવાલ પર તું કોતરી રાખજે કે પૈસાનો અભાવ જેમ સંસારી જીવન માટે ત્રાસદાયક છે તેમ પૈસાનો પ્રભાવ પણ સંસારી જીવન માટે ખતરનાક જ છે. મને ખ્યાલ છે કે તું હજી કુંવારો જ છે. પણ તારી આસપાસ રહેલા પરણેલા યુવાનો તારા પરિચયમાં ૨0 Page #11 -------------------------------------------------------------------------- ________________ યાદ રાખજે તું આ વાત કે પૈસાનો અભાવ માણસને દુઃખી કરે છે પરંતુ જય, પત્નીના પ્રભાવથી જે ઘહાકાર સર્જાય છે એ હાહાકારને તું જો. બિંદુની ઉપમા આપે તો સંપત્તિના પ્રભાવથી સર્જાતા હાહાકારને તો તારે સિંધુની ઉપમા જ આપવી પડે. કારણ કે એ હાહાકારમાં માત્ર સંબંધોમાં જ કડાકો નથી બોલાતો, સદ્દગુણો, સંસ્કારો, સદ્દબુદ્ધિ અને સમાધિ, એ તમામ ક્ષેત્રે કલ્પનાતીત હોનારતો સર્જાઈને જ રહે છે. શું કહું તને ? પત્ની તરફથી કડવા અનુભવો જો સતત થતાં જ રહે છે તો એનાથી ત્રાસી જઈને માણસ પત્ની સાથેના સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દે છે. એટલે કે પત્ની સાથે છૂટાછેડા લઈ લે છે પણ પૈસાના ગમે તેટલા કટુ અનુભવો પછી ય માણસ એની સાથે છૂટાછેડા લેવા તૈયાર થતો જ નથી. કોર્ટમાં પત્ની સાથે છૂટાછેડા લેવાના સંખ્યાબંધ કેસો આવી ગયાનું તેં સાંભળ્યું હશે પણ પૈસા સાથે છૂટાછેડા લેવાનો કેસ કોઈએ કોર્ટમાં દાખલ કર્યો હોય એવો એક કિસ્સો પણ તારા જાણમાં આવ્યો છે ખરો? ના. કારણ ? એક જ. પૈસાનો મન પર જબરદસ્ત પ્રભાવ ! પૈસાનો પ્રભાવ તો માણસને પાપી યાવત ક્રૂર બનાવી દે છે. પૈસાનો અભાવ માણસને જીવનભર અગવડોમાં રાખે છે પરંતુ પૈસાનો પ્રભાવ તો માણસને મોજશોખમાં-ભોગવિલાસમાં ગળાબૂડ રાખીને શેતાન બનાવી દે છે. સંસારી માણસ માટે પૈસાની જરૂરિયાત અંગે તો કોઈ જ પ્રશ્ન નથી, જે પણ પ્રશ્ન છે એ પૈસા જીવનમાં સાધ્યસ્થાને ગોઠવાઈ જાય છે એનો છે. પુલ પસાર થઈ જવા માટે તો બરાબર છે પણ કોઈ માણસ પુલ પર ઘર બનાવી બેસે છે ત્યારે ભારે સમસ્યા સર્જાય છે. પૈસો જીવનમાં ઉપયોગિતાનાં સ્થાને ગોઠવાય છે ત્યાં સુધી તો બહુ વાંધો નથી આવતો પરંતુ એ જ પૈસો જીવનમાં જ્યારે સાધ્યસ્થાને ગોઠવાઈ જાય છે ત્યારે તો મન-જીવન અને ઘર, ત્રણેય ક્ષેત્રે દયનીય વિસંવાદ સર્જાઈને જ રહે છે. ૨૧ Page #12 -------------------------------------------------------------------------- ________________ તોડવામાં ખૂબ ખૂબ ઉપકારક બની રહ્યો છે. વિનંતિ કરું છું આપને કે આ વિષય પર હજી થોડોક વધુ પ્રકાશ આપ પાથરતા જ રહો. મહારાજ સાહેબ, ગત પત્રમાં આપે ગજબનાક વાત કરી દીધી ! કોર્ટમાં પૈસા સાથે છૂટાછેડા લેવાનો કેસ એક પણ આવ્યો છે ખરો? ના. પત્ની સાથે ઝઘડો થઈ જાય છે, માણસ, કોર્ટમાં જઈને એની સાથે છૂટાછેડા લઈ લેવાનો કેસ દાખલ કરી દે છે, એ કેસમાં હજારો-લાખો રૂપિયા વેરી દેવા પડે તો એ માટે એ તૈયાર રહે છે. અરે, ભરણ-પોષણ પેટે જીવનભર માટે દર મહિને કેટલીક રકમ આપવાનો કોર્ટ ઑર્ડર કરે છે તો એ માટે ય એ સંમત થઈ જાય છે પરંતુ પત્ની સાથે છૂટાછેડા તો મેળવીને જ રહે છે. પરંતુ તું ટૂંક સમયમાં જ લગ્નજીવનમાં ગોઠવાઈ જવાનો છે ને? જવાબ આપ. તું પત્ની તરીકે ‘કન્યા' કેવી પસંદ કરવાનો? રૂપાળી કે સંસ્કારી ? શ્રીમંત કે કુલીન? ૨ખડેલ કે ખાનદાન? તારો જવાબ સ્પષ્ટ જ હશે કે જે કન્યા સંસ્કારી, કુલીન અને ખાનદાન હશે એને જ હું મારા જીવનમાં ‘પત્ની' તરીકેનું સ્થાન આપીશ પણ તને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દઉં કે પૈસાની પસંદગીમાં માણસ આવી કોઈ જ ચકાસણી કરવા તૈયાર નથી. પૈસા જેવા પણ હોય, જે પણ રસ્તે મળતા હોય, જેની પણ પાસેથી મળતા હોય, માણસ એ પૈસા મેળવી લેવા અને રાખી લેવા તૈયાર છે. મડદું દેખાઈ જાય છે અને સમડી આકાશની ઊંચાઈ છોડી દેવા તૈયાર થઈ જાય છે. પૈસા મળવાની સંભાવના દેખાય છે અને માણસ પોતાની ખાનદાનીને છોડી દેવા તૈયાર થઈ જાય છે. કુલટા સ્ત્રીને જીવનમાં ‘પત્નીનું સ્થાન નથી આપવું પણ પૈસો ભલે લોહીનો હોય કે નિઃસાસાનો હોય, એનાથી શ્રીમંત બનવા માણસ તૈયાર છે !રે કરુણતા ! પૈસા ખાતર સગા બાપ સાથે ઝઘડો થઈ જાય છે તો ય, સગા દીકરા સાથે કલેશ થઈ જાય છે તો ય, અરે, પોતાના પર ખૂની હુમલો થઈ જાય છે તો ય, માણસ પૈસા સાથે છૂટાછેડા લેવા તૈયાર થઈ જતો નથી, પૈસા સાથે છેડો ફાડી નાખવા તૈયાર થતો નથી. આ વાત લખીને આપે સાચે જ મને સ્તબ્ધ કરી દીધો છે. ‘પત્ની અને પૈસા. આ બેમાં પ્રાધાન્ય કોનું?' આ જિજ્ઞાસા સાથે આપની સાથે શરૂ કરેલ પત્રવ્યવહાર મારા મનની કેટલીક ભ્રમણાઓ ૨૪ Page #13 -------------------------------------------------------------------------- ________________ જય, પૈસાના સંદર્ભમાં તને એક બીજી વાત જણાવું ? પોતાના ઘરમાં સુશીલ પત્ની લઈને બેઠેલો ખાનદાન ઘરનો નબીરો, એ પત્નીને લઈને લબાડ યુવકો વચ્ચે જતો પણ નથી તો એવા લબાડ યુવકોને પોતાના ઘરમાં આવવા દેતો પણ નથી કારણ ? એને બરાબર ખ્યાલ હોય છે કે વરુ જેવા આ લબાડ યુવકો કોઈ પણ પળે મારી પત્નીના શરીરને ચૂંથી શકે છે. પણ સબૂર ! પૈસાનો લોભી માણસ લબાડ મિત્રો વચ્ચે ફરતો પણ રહે છે તો લબાડ મિત્રોને માટે પોતાનાં ઘરના દરવાજા ખુલ્લા પણ મૂકી દેતો હોય છે. તને એથી ય આગળ વધીને કહું તો પૈસા ખાતર પોતાની પત્નીના શરીરનો સોદો કરવો પડતો હોય તો એ માટે ય એ તૈયાર થઈ જતો હોય છે. વાંચી લે થોડાંક જ વરસો પહેલાં હૃદયના ધબકારા ચૂકવી દેતો, શરીરમાં વહી રહેલ લોહીને થીજવી દેવા મજબૂર કરી દેતો, એની સત્યતા અંગે મનમાં શંકા પેદા કરી દેતો, આ દેશના એક મહાનગરમાં બની ગયેલ આ સત્ય પ્રસંગ. તારી જ વયનો એ યુવક હતો. પૈસો એના મગજમાં અને જીવનમાં ‘સર્વસ્વ’ના સ્થાને ગોઠવાઈ ગયો હતો. એ પૈસો મેળવવા તમામ રસ્તાઓ અને તમામ ધંધાઓ એ અપનાવી બેઠો હતો. ૫ ૧૩ એમાંનો એક રસ્તો અને એક ધંધો હતો જુગારનો. એક દિવસ એ જુગારમાં એટલું હાર્યો, એટલું હાર્યો કે પોતાના જુગારી મિત્રોને ૨કમ ચૂકવવાના એની પાસે પૈસા જ રહ્યા નહીં. જુગારી મિત્રો સાથે એ ઘણું કરગર્યો પણ એની રકમ છોડી દેવા કોઈ તૈયાર નહોતું. છેવટે એ જુગારી મિત્રોએ એની સાથે એક સોદો પાકો કરી લીધો. ‘તારા લગ્ન ટૂંક સમયમાં થઈ રહ્યા છે. તારે લગ્નની પ્રથમ રાત્રિ હૉટલના એક કમરામાં વિતાવવાની. એ કમરામાં અલગ અલગ સ્થાને ગુપ્ત રીતે અમે ત્રણેય મિત્રો ગોઠવાઈ જશું. તારી પત્નીને તું ન્યાય [?] આપી દે એ પછી અમે ત્રણેય ન્યાય [?] આપી દેશું. તારી લેણી નીકળતી બધી ય ૨કમ માફ !' જય. એ સોદો પાર પડી તો ગયો પરંતુ સવારના પહોરમાં હૉટલના એ કમરામાં એની સુશીલ, સંસ્કારી નવોઢા પત્નીનો નિશ્ચેષ્ટ દેહ પડ્યો હતો. પેલા ત્રણે ય જુગારી મિત્રો ગાયબ હતા. એ નિર્માલ્ય, નાલાયક, જુગારી પતિ હૉટલના કમરાના સોફાસેટ પર બેઠો બેઠો આંખોમાંથી આંસુ સારી રહ્યો હતો ! વધુ ખરાબ શું ? વાસનાની લંપટતા ? કે અર્થની લાલસા ? એ પ્રશ્નનો જવાબ આ સત્ય દૃષ્ટાંતમાંથી તું શોધી લેજે. ૨ Page #14 -------------------------------------------------------------------------- ________________ જ્ય, માતા-પિતાને છોડીને જાતજાતનાં અરમાનો લઈને શ્વસુરગૃહે આવેલી કન્યાને વરુઓના ચરણે ધરી દઈને યમસદને પહોંચાડી દેવાના ગોઝારા કાર્યના મૂળમાં હતું શું? કેવળ અર્થની લાલસા. પરિશ્રમવિના, ગમે તે રસ્તે અલ્પ સમયમાં ચિક્કાર પૈસા બનાવી લેવાની કાતિલ લાલસાએ લગ્નજીવનની પ્રથમ રાત્રિએ એક ગભરુ કન્યાના શરીરને ચૂંથી નાખવાની સંમતિ આપવા પતિને મજબૂર કરી દીધો અને એ કરુણ પ્રસંગે શ્વસુર પક્ષમાં તો હાહાકાર સર્જાઈ જ ગયો પરંતુ પિયરપક્ષમાં તો કલ્પાંતનો પ્રલય સર્જાઈ ગયો. તને ન ખ્યાલ હોય તો જણાવું કે પોતાની વહાલસોયી દીકરીની આવી કલંકિત વિદાયની વિગત મા-બાપની જાણમાં આવી ત્યારે તેઓ અવાક્ થઈ ગયા. અગણિત મંગળ કામનાઓ સાથે આજે રાતના જે દીકરીને પતિગૃહે વળાવી એ દીકરી બીજે દિવસે સવારના આ નિંદનીય કૃત્યની શિકાર બનીને પરલોક રવાના થઈ ગઈ છે. એ વાસ્તવિકતાએ મા-બાપ સહિત સમસ્ત પરિવારને એ હદે આઘાતથી તોડી નાખ્યો કે પરિવારનો એક પણ સભ્ય દીકરીની અંતિમ યાત્રામાં ન ગયો, એટલું તો ઠીક પણ શ્વસુરપક્ષ તરફથી કન્યાવિદાય વેળાએ મા-બાપે કન્યાને જે ઘરેણું આપ્યું હતું એ પાછું લઈ જવાનું મા-બાપને કહેણ ગયું તો એના જવાબમાં કન્યાના મા-બાપે કહેવડાવી દીધું કે ‘અમારી આખી ને આખી દીકરી જ જ્યારે પરલોકમાં રવાના થઈ ગઈ છે ત્યારે એને આપેલું ઘરેણું પાછું લઈને, એ ઘરેણામાં અમારી દીકરીનાં દર્શન કરતા રહીને અમે જિંદગીભર તડપતા રહેવા માગતા નથી. હાથ જોડીને તમને અમે વિનંતિ કરીએ છીએ કે દીકરીને તમારે ત્યાં મોકલતી વખતે અમે એને ઘરેણાં-વસ્ત્રો-સામગ્રીઓ વગેરે જે પણ આપ્યું છે એમાંનું કાંઈ જ પાછું મોકલશો નહીં. અને હી, અમારી વહાલસોઈ દીકરીને વરુઓને હવાલે કરી દીધા બાદ પણ તમારા જુગારી દીકરાને કોઈ દેવું ચૂકવવાનું બાકી રહી ગયું હોય તો એ દેવું એ ઘરેણું વેચીને ચૂકવી દેજો પણ એ દેવું ચૂકવવા હવે બીજા કોઈ મા-બાપની કોડભરી દીકરીને મોતના મુખમાં ધકેલી દેવાનું પાપ કરશો નહીં? જય, મને પાકી ખાતરી છે કે આ કરુણ સત્ય પ્રસંગની દિલધડક દાસ્તાન વાંચ્યા પછી તું શાંતિથી સૂઈ નહીં શકે. તું સ્વસ્થતાપૂર્વક ભોજન નહીં કરી શકે. તું કદાચ આજે ઑફિસે નહીં જઈ શકે. તારું અંતઃકરણ બોલી ઊઠશે, રે પૈસા ! તારા પ્રભાવનો આ રાક્ષસી અંજામ?' Page #15 -------------------------------------------------------------------------- ________________ મહારાજ સાહેબ, આપના છેલ્લા બે પત્રો વાંચ્યા. સાચું કહું તો આ દૃષ્ટાંત આપે લખ્યું છે. એટલે એને “સત્ય” માનવા મન તૈયાર થયું છે બાકી, પૈસા ખાતર કોક નવયુવક પોતાની પત્નીને વરુ જેવા યુવકોના હવાલે કરી દે એ માનવા ય મન તૈયાર થતું નથી તો લેણી નીકળતી રકમ વસૂલ કરવા યુવકો કોકની પત્નીને આ રીતે પીંખી નાખીને મોતને ઘાટ ઉતારી દે એ માનવા ય મન તૈયાર થતું નથી. આપ નહીં માનો, આ દૃષ્ટાન્ત વાંચ્યા પછી જીવનભર જુગારના માર્ગે કદમ ન માંડવાનો મેં સંકલ્પ કરી દીધો છે એ તો ઠીક પણ મનને પૈસાના પ્રભાવથી મુક્ત કરી દેવાની દિશામાં ગંભીરતાપૂર્વક આગળ વધવાના પ્રયાસો પણ શરૂ કરી દીધા છે. શું લખું આપને? આપે લખેલ એ કરુણ દેવંત હજી ય આંખ સામેથી હટવાનું નામ નથી લેતું. ચાહે જમવા બેસું છું કે પેપર વાંચવા બેસું છું એ પ્રસંગ જ આંખ સામે તરવર્યા કરે છે. ચાહે વાત મિત્રો સાથે કરું છું કે ઘરમાં પપ્પા સાથે કરું છું વાતોના કેન્દ્રમાં આ જ પ્રસંગ રહે છે. જીવનનાં આટલાં વરસોમાં સૌપ્રથમ વાર મને આ ખ્યાલ આવ્યો છે કે પૈસાથી પ્રભાવિત મન જીવનમાં આ હાહાકાર સર્જી શકે છે. આમ છતાં એક પ્રશ્ન આપને પૂછું ? સ્ત્રીલંપટતા સમાજમાં જેટલી તિરસ્કરણીય બને છે એટલી તિરસ્કરણીય ધનલપેટતા નથી બનતી એની પાછળ કારણ શું છે? સ્ત્રીઓ સાથે આડા સંબંધો બાંધનાર સમાજની નજરમાં જેટલો નીચો ઊતરી જાય છે, ગમે તેવા હલકટ રસ્તે પૈસા કમાનારો એટલો નીચો નથી ઊતરી જતો એની પાછળ કારણ શું છે? અરે, સ્ત્રીલંપટને પોતાના પરિવારમાંથી ય જાકારો મળે છે જ્યારે ધનલંપટને તો પરિવારના સભ્યો આદર આપતા રહે છે એની પાછળ કારણ શું છે ? ટૂંકમાં, વધુ ભયંકર સ્ત્રીલંપટતા કરતા અર્થલાલસા છે એમ આપ કહો છો જ્યારે અનુભવ એમ કહે છે કે જગત અર્થલાલસા કરતા સ્ત્રીલંપટતાને વધુ તિરસ્કારની નજરે નિહાળે છે. કોઈ કારણ તો હશે ને એની પાછળ? ઇચ્છું છું કે આપના તરફથી મને એનું સંતોષજનક સમાધાન મળે ! આખરે મારા જીવનને – મનને તો હું સલામત કરી દઉં ને? ૨? Page #16 -------------------------------------------------------------------------- ________________ જય, તારો પત્ર મળ્યો. તે વ્યક્ત કરેલ જિજ્ઞાસા વાંચી. એનું સમાધાન આપતા પહેલાં તને એક બીજી વાત કરું? જવાબ આપ. સંબંધોની આત્મીયતામાં આગ લગાડી દેવાનું કામ જે ક્રોધ કરે છે એ ક્રોધ તને જ ખરાબ લાગે છે કે તારા પરિવારના તમામ સભ્યોને ય ખરાબ લાગે છે? જવાબ તારો આ જ હશે કે ક્રોધ મારા સહિત સહુને ખરાબ લાગે છે. હવે બીજો જવાબ આપ. તમામ સદ્ગુણોની હોળી સળગાવી નાખનાર, સગા બાપનું ય ખૂન કરવા તૈયાર કરી દેનાર, દેવ અને ગુરુથી ય દૂર કરી દેનાર લોભ તને કે તારા પરિવારના સભ્યોને, કોઈને ય ખરાબ લાગે છે ખરો ? તારો સ્પષ્ટ જવાબ હશે ‘ના’ કારણ ? કારણ આ જ કે ક્રોધમાં મળતી સફળતા હાથમાં રહેલાં સુખોને ય ત્રાસરૂપ બનાવી દે છે જ્યારે લોભમાં મળતી સફળતા તો દૂર રહેલાં સુખોને ય નજીક લાવી દે છે. તાત્પર્યાર્થ આનો સ્પષ્ટ છે. ક્રોધ કરતાં લોભ અનેકગણો ભયંકર હોવા છતાં ય ક્રોધ કેવળ પ્રીતિનાશક હોવા છતાં અને લોભ સર્વગુણોનો નાશક હોવા છતાંય માણસ ક્રોધથી દૂર રહેવા માગે છે અને લોભને તો વળગી રહેવા જ માગે છે. કારણ કે એને જે સુખો ભોગવવા છે એ તમામ સુખોને ખરીદી લેવાની આગવી તાકાત ધરાવતો પૈસો લોભના માર્ગે જ મળે છે, જ્યારે ક્રોધના માર્ગે તો જે પૈસો હાથમાં છે એ ય ચાલી જાય છે. તેં જે જિજ્ઞાસા વ્યક્ત કરી છે ને કે ‘ધનલપંટ આદરણીય બને છે જ્યારે સ્ત્રીલંપટ તિરસ્કરણીય બને છે એની પાછળનું કારણ શું છે?” એનો જવાબ આ છે કે ધનલંપટતામાં સહુને સુખોને આમંત્રણ આપતી પત્રિકાનાં દર્શન થાય છે જ્યારે સ્ત્રીલંપટતામાં કેન્દ્રસ્થાને શરીર હોવાના કારણે અને શરીરસુખ પશુ સુલભ હોવાના કારણે એ સહુને માટે તિરસ્કરણીય બની રહે છે. ટૂંકમાં, અર્થલાલસા મનને બહેલાવતી હોવાના કારણે બધા જ એના હિમાયતી છે જ્યારે વિષયવાસના કેવળ શરીરને જ બહેલાવતી હોવાના કારણે અને એ ય શાંત થઈ ગયા બાદ વિષાદને જન્મ આપી જતી હોવાના કારણે સહુને એના માટે તિરસ્કાર છે. ૩૧. Page #17 -------------------------------------------------------------------------- ________________ ય, આમ જોવા જઈએ તો સંસારનાં તમામ સુખો [?] નો સમાવેશ બે જ પરિબળોમાં કરી દેવો હોય તો એ પરિબળોનાં નામ છે, કંચન અને કામિની. “કંચન'ના સુખમાં પદ-પ્રતિષ્ઠા-ખ્યાતિ-કીર્તિ-સત્તા-અહં વગેરે મનકેન્દ્રિત તમામ સુખોનો સમાવેશ થઈ જાય છે “કામિની'ના સુખમાં શબ્દ રૂપ-રસ-ગંધ-સ્પર્શ વગેરે શરીર કેન્દ્રિત તમામ સુખોનો સમાવેશ થઈ જાય છે. ગણિત સ્પષ્ટ છે. માણસ મનનાં સુખો માટે એકવાર શરીરનાં સુખો જતા કરવા પડે તો પળની ય વાર લગાડ્યા વિના જતા કરી શકે છે. અરે, જેની પાસે કેવળ શરીર સુખો જ ઉપલબ્ધ છે અને મનનાં સુખોના નામે કશું જ નથી એ વ્યક્તિને માણસ ‘તુચ્છ'ની કક્ષામાં મૂકી દેતા જરાય અચકાતો નથી. શું કહું તને? શ્રીમંત અને ગરીબ વચ્ચેનો જે તફાવત છે એ તફાવતના કેન્દ્રમાં ય મુખ્યતયા આ જ વાત છે. પોતના અહંને પુષ્ટ કરી શકે એવાં સુખો - સાધનો જેની પાસે પર્યાપ્ત માત્રામાં છે એ શ્રીમંત છે અને અહં પુષ્ટ કરી શકે એવાં સુખ - સાધનો જેની પાસે નહિવત્ છે અથવા તો છે જ નહીં એ ગરીબ છે. પેટ બરફીથી ભરાય છે એવું નથી, રોટલીથી ય ભરાય છે પણ શ્રીમંત માણસ બરફી ખાવાનું એટલા માટે પસંદ કરે છે કે બરફી ખાવાથી પેટ ભરવા સાથે અહં પણ પુષ્ટ કરી શકાય છે. લાજ તો સાદાં વસ્ત્રોથી ય ઢંકાઈ શકે છે. પણ મોંઘાદાટ વસ્ત્રો પહેરવાની મજા એ છે કે એનાથી લાજ ઢંકાવા ઉપરાંત અહંને પણ તગડેબાજ બનાવી શકાય છે. કાંડા પર ચાલુ ઘડિયાળ હોય તો ય સમય જોઈ શકાય છે પરંતુ અહંને ભોજન આપવા માટે સોનાના પટ્ટાવાળી અને હીરાઓ જડેલા ડાયલવાળી ઘડિયાળ પહેરવી જરૂરી છે. ફિયાટ ગાડી પણ મંજિલે પહોંચાડી દેવા સક્ષમ છે પણ સહુ વચ્ચે ખોંખારો ખાતા રહેવા માટે ૨૫૫૦ લાખની ગાડી હોવી જરૂરી છે. જય, સંપત્તિનું સુખ શું છે, એ જાણવું છે તારે ? આ રહ્યો એનો શાસ્ત્રીય જવાબ. 'अभिमानैकफलेयं लक्ष्मी' અભિમાન પુષ્ટિ એ જ છે લક્ષ્મીનું એક માત્ર ફળ. જે અભિમાનથી નથી પેટ ભરાતું, નથી રોગ રવાના થતો,. નથી કાન સતેજ થતા, નથી મોત સુધરતું કે નથી સદ્ગતિ થતી એ અભિમાનને પુષ્ટ કરતા રહેવા માણસે જિંદગીના તમામ શ્વાસોચ્છવાસો જુગારમાં મૂકી દીધા છે. કરુણતા જ છે ને? ૩૩ Page #18 -------------------------------------------------------------------------- ________________ મહારાજ સાહેબ, કમાલ કરી દીધી આપે ! શ્રીમંત અને ગરીબની આપે લખેલ વ્યાખ્યાને વાંચીને પળભર સ્તબ્ધ તો થઈ જવાયું પરંતુ ગંભીરતાથી એ વ્યાખ્યા પર વિચાર કર્યો ત્યારે લાગ્યું કે આપે કરેલ વ્યાખ્યા એકદમ સાચી છે. ગરીબ પાસે અભિમાન કરવા જેવું કાંઈ હોતું નથી જ્યારે શ્રીમંત પાસે પ્રત્યેક સામગ્રી અભિમાન પુષ્ટ થતું રહે એવી જ હોય છે. પણ એક પ્રશ્ન પૂછું આપને ? વર્તમાન સમયની જ્યારે માંગ આ જ છે કે તમારી પાસે એક એક સામગ્રી આજુબાજુવાળાની આંખ પહોળી કરી દે એવી જ હોવી જોઈએ ત્યારે શું પૈસાની અધિકતા માટે માણસે સખત પુરુષાર્થ ન કરવો જોઈએ? લોહી-પાણી એક કરીને પણ માણસે વિપુલ સંપત્તિ માટે દોડતા રહેવું ન જોઈએ? આપ સાધુજીવન અંગીકાર કરીને બેઠા છો એટલે બની શકે કે આપને અમારા વર્તમાન સંસારની વાસ્તવિક પરિસ્થિતિ ખ્યાલમાં ન પણ હોય પણ હકીકત આ જ છે કે જો અમારી પાસે આકર્ષક બંગલો નથી, કીંમતી ગાડી નથી, લાખો-કરોડોનો ધંધો નથી, બે-ચાર સંસ્થાઓનું સભ્યપદ કે ટ્રસ્ટીપદ નથી, મન હરી લે તેવો મોબાઇલ નથી, શરીર પર મોંઘાદાટ વસ્ત્રો નથી, સોનાનાં ઘરેણાં નથી, કાંડે કીંમતી ઘડિયાળ નથી, તો આ સંસારમાં અમારી જિંદગીની કોઈ જ કિંમત નથી. અમારા આગમનની કોઈ નોંધ લેવાતી નથી. એ તો ઠીક પણ અમારા ઘરે કોઈ દીકરી આપવા તૈયાર થતું નથી તો અમારા ઘરની દીકરી લેવા ય કોઈ તૈયાર થતું નથી. મહેમાન બનીને અમારે ત્યાં કોઈ આવવા તૈયાર થતું નથી તો અમે મહેમાન બનીને કોઈને ત્યાં જઈએ તો એને ગમતું નથી. ટૂંકમાં, ઘરની અંદરની હાલત ગમે તેટલી કફોડી હોય, બહાર તો અમારે ભપકાભેર રહેવું જ પડે એવી સ્થિતિ છે અને એ માટે પુષ્કળ પૈસા એ જ એક માત્ર વિકલ્પ છે. આદર્શમાં ‘સંતોષ'ની વાત સારી લાગે છે પણ વાસ્તવિકતા એ છે કે વિપુલ સંપત્તિ એ જ અમારા જીવનની, અમારા પરિવારના સભ્યોની સ્વસ્થતાનો એક માત્ર ઇલાજ છે. શું કહું આપને? આ ગણિતના આધારે હું તો અત્યારે સારી એવી કંપનીમાં નોકરીએ રહ્યો જ છું પરંતુ મારી બહેન પણ એક કંપનીમાં સારા એવા પગારે ગોઠવાઈ ગઈ છે. સંતોષી નર સદા સુખી’ એ સૂત્ર ૧૪ મી સદી માટે બરાબર હશે. અત્યારે તો ‘શ્રીમંત નર સદા સુખી’ એ સૂત્રની જ બોલબાલા છે. આપ એ અંગે શું કહો છો? ૩૫ Page #19 -------------------------------------------------------------------------- ________________ જય, તારો પત્ર વાંચ્યો. એક વાત તને જણાવું ? વિપુલ સંપત્તિ [MORE MONEY] નું ભૂત જેનાં પણ મન પર સવાર થઈ ગયું હશે એનાં મન પર શીઘ્ર વિપુલ સંપત્તિ' [INSTANT MORE MONEY)નું ભૂત પણ સવાર થઈ ગયું જ હશે. અને ‘શીધ્ર વિપુલ સંપત્તિ'ના ભૂતનો શિકાર બનેલ માણસ ‘કોઈ પણ રસ્તે વિપુલ સંપત્તિ' (ANY HOW MORE MONEY] ના ભૂતનો શિકાર પણ બનેલો જ હશે. ટૂંકમાં, ભાખરીની કોર ખાધા પછી આગળ ભાખરી ખાતા અટકી જવાનું જેમ મુશ્કેલપ્રાયઃ છે તેમ વિપુલ સંપત્તિને જીવનનું લક્ષ્ય બનાવ્યા પછી શીધ્ર વિપુલ સંપત્તિ અને ગમે તે રસ્તે વિપુલ સંપત્તિ - આ બંને વૃત્તિના શિકાર બનતા અટકી જવું અશક્યપ્રાયઃ છે. શ્રીમંત નર સદા સુખી'ના આજના કાળના પ્રચલિત સૂત્રની વાત તેં મને પૂર્વ પત્રમાં લખી છે ને? એ સુત્રને આધારે જેમણે પણ પોતાની જીવનવ્યવસ્થા ગોઠવી દીધી છે એમનાં જીવનમાં ડોકિયું કરવાની તક તને ક્યારેક મળે તો એ તક તું ઝડપી લેજે. તને જે જોવા મળશે એ જોઈને તું સ્તબ્ધ થઈ જઈશ. શરીર પર ચડી ગયા હોય સોજા અને લોકો માને કે ‘શરીર તંદુરસ્ત છે” પગમાં પહેરેલા બૂટ જબરદસ્ત ડંખતા હોય અને લોકો એ બૂટના વખાણ કરતા થાકતા ન હોય, ટુડિયોમાં પડાવેલ ફોટાને ઍવોર્ડ મળ્યો હોય અને છાતીના પડાવેલ ઍક્સ-રેમાં નિદાન કૅન્સરનું થયું હોય. આ સ્થિતિ જેવી દયનીય હોય છે. એના કરતાં અનેકગણી દયનીય સ્થિતિ એ શ્રીમંતની હોય છે કે જેની પાસે સંપત્તિ વિપુલ છે પણ મનની પ્રસન્નતા નથી, હૃદયની નિર્દોષતા નથી, સંબંધોમાં સ્થિરતા પણ નથી અને આત્મીયતા પણ નથી, વચનમાં માધુર્ય નથી, વફાદાર મિત્રો નથી, સજ્જનોનો સંગ નથી, સમાધાનવૃત્તિ નથી, પરોપકાર માટે સમય નથી, ચહેરા પર સાચું સ્મિત નથી. શું લખું તને ? ઑપરેશન સફળ થઈ જાય પણ દર્દીનું જીવન સમાપ્ત થઈ જાય, એવી હાલત સર્જાય છે એ શ્રીમંત લોભીની કે જેની પાસે પૈસારૂપી ૧૧ મા પ્રાણની બોલબાલા હોય છે પરંતુ એ ૧૧ મા પ્રાણની આધારશિલા ગણાતા ૧૦ પ્રાણો જેના ઑક્સિજન પર હોય છે. કરવાનું શું આ ૧૧ મા પ્રાણની વિપુલતાનું ? ૩૩ Page #20 -------------------------------------------------------------------------- ________________ જય, તું મૅચ જોવા ક્યારેક તો સ્ટેડિયમમાં ગયો જ હોઈશ. ત્યાં તેં એક વાત ખાસ જોઈ હશે કે બૅટ્સમૅન ક્રીઝ પર હોય છે અને સ્ટેડિયમમાં બેઠેલા દર્શકો We want Six, We want Four ના નારાઓ લગાવતા હોય છે. હું તને જ પૂછું છું, બૅટ્સમૅન દર્શકોની માંગને પૂરી કરતો રહે છે કે બૉલને જોઈને રમતો રહે છે ? દર્શકની માંગ ભલે ને છગ્ગાની છે પણ બૉલરે બૉલ એવો ફેંક્યો છે કે જો એને બૅટ્સમૅન ફટકારવા જાય છે તો એ અચૂક ‘આઉટ’ થઈ જાય તેમ છે. બૅટ્સમૅન કરે છે શું ? બૉલને એવી રીતે રમી લે છે કે એ આઉટ ન થઈ જતાં ક્રીઝ પર ટકી રહે છે. આનો અર્થ ? આ જ કે બૅટ્સમૅન દર્શકોના નારાઓ સાંભળતો રહે છે જરૂર પણ એ રમે છે તો બૉલને જોઈને જ ! કારણ કે એને પોતાની વિકેટ ખોઈ નાખીને પોતાના સંભવિત ઉજ્જવળ ભાવિ પર પૂર્ણવિરામ મૂકી દેવું નથી. તેં પૂર્વના એક પત્રમાં લખ્યું છે ને કે સમાજની માંગ એ છે કે અમારી પાસે વિપુલ સંપત્તિ જ હોવી જોઈએ. ગાડી નબળી ન જોઈએ. બંગલો અનાકર્ષક ન જોઈએ. ધંધો ઢીલો ન જોઈએ. મોબાઇલ ડબલા જેવો ન જોઈએ. ૩૯ ૨૦ વસ્ત્રો મેલાં ન જોઈએ. ન ઘરેણાં ૧૪ મી સદીનાં ન જોઈએ. નબળી હૉટલમાં પગ ન મુકાવા જોઈએ. મુસાફરી ટ્રેનમાં ન થવી જોઈએ. ટૂંકમાં, તારી આજુબાજુમાં રહેલા સહુની માંગ આ છે કે સામગ્રી તારી પાસે જે પણ હોય એ બધી ય ૨૧ મી નહીં. ૨૨ મી સદીની જ હોવી જોઈએ. મારે તને એટલું જ પૂછવું છે કે તારે સ્ટેડિયમમાં બેઠેલા દર્શકોની માંગ પૂરી કરવાના ખ્યાલ સાથે રમવું છે કે બૉલની પરિસ્થિતિ જોઈને રમવું છે ? સાચું કહું ? બહુજનવર્ગની હાલત આજે એ છે કે એમણે પોતાની જીવનવ્યવસ્થા પોતાની આર્થિક પરિસ્થિતિ જોઈને નથી બનાવી પણ આજુબાજુવાળાની જીવનવ્યવસ્થા જોઈને બનાવી છે ! બાજુવાળા પાસે જે છે, જેવું છે, જેટલું છે એ, એવું અને એટલું મારી પાસે હોવું જ જોઈએ. આ માટે દેવું કરવું પડે તો હું કરીશ, લૉન લેવી પડે તો હું લઈશ, હપતા ભરવા પડે તો ભરીશ, અરે, ભૂખે મરવું પડે તો મરીશ પણ સ્ટેડિયમમાંથી ઊઠેલી દર્શકોની છગ્ગા-ચોગ્ગાની માંગને હું પૂરી કરીને જ રહીશ ! ४० Page #21 -------------------------------------------------------------------------- ________________ મહારાજ સાહેબ, ગજબનાક વાત કરી દીધી આપે ગત પત્રમાં. બીજાઓની વાત હું નથી કરતો, મારી પોતાની આ જ સ્થિતિ છે. આર્થિક સ્થિતિ સારી એવી સદ્ધર નથી પણ મારી પાસે આજે જે પણ સામગ્રીઓ છે એ બધી જ સામગ્રીઓ કોક કરોડપતિના નબીરાને શોભે એવી જ છે. કારણ? આ જ, મારા મિત્રવર્ગની માંગ. આપ નહીં માનો, પાંચ આંકડાનો મારો આજે પગાર છે એ ય મને ઓછો લાગે છે. કોક કંપની વધુ પગાર આપવા તૈયાર હોય તો હું એની તપાસમાં છું. મારા ખુદના પપ્પા મને કહે છે કે બેટા ! તારા પગારમાંથી ઘરમાં તો તું કાંક આપતો જા' પણ હું એમને કહી દઉં છું કે ‘પપ્પા ! અત્યારે હું પોતે ખેંચમાં રહું છું ત્યાં તમને ક્યાંથી કંઈક આપું?” મહારાજ સાહેબ, એક શંકાનું સમાધાન કરશો? વટ નથી પાડી શકતો તો મિત્રવર્ગ ઘટી જાય છે અને મિત્રવર્ગ વચ્ચે વટ પાડતો રહું છું તો ખર્ચમાં નથી પહોંચી વળતો. કરું શું? લખી રાખ તારા દિલની દીવાલ પર આ વાક્ય કે બીજાના અભિપ્રાયથી જે પોતાનું જીવન જીવે છે, એને ક્યારેક બીજાના અભિપ્રાય પર મરવાના દિવસો આવે છે. મિત્રવર્ગ વચ્ચે વટ પાડતા રહેવામાં તને ક્યાં સુધી સફળતા મળશે? અહીં તો રોજ ફૅશન બદલાય છે, રોજ મૉડલ બદલાય છે, રોજ સામગ્રી બદલાય છે. અને તારી આવક વધવાનું નામ નથી લેતી. શું પહોંચી વળીશ તું આ વિરોધાભાસને ? મારી તને સ્પષ્ટ સલાહ છે કે તારી આજુબાજુમાં ગોઠવાયેલ તાળી મિત્રો, થાળી મિત્રો, ખાલી મિત્રો અને ખાલી મિત્રો વચ્ચે વટ પાડતા રહેવાનું બંધ કરી દઈને તારી આર્થિક સ્થિતિને આંખ સામે રાખીને જીવન જીવવાનું તું શરૂ કરી દે. યાદ રાખ આ વાક્ય કે શ્રીમંત બનવા માટે પૈસા વધારવા પડે છે પણ શ્રીમંત રહેવા માટે તો ખર્ચ ઘટાડવો પડે છે. એકાંતમાં તારી જાતને તું પૂછી લેજે. શ્રીમંત બનવું છે તારે કે શ્રીમંત રહેવું છે? Page #22 -------------------------------------------------------------------------- ________________ મહારાજ સાહેબ, આપની વાત હૃદયસ્પર્શી હોવા છતાં કોણ જાણે કેમ, મન એના અમલ માટે ઉત્સાહિત થતું જ નથી. આપ ખર્ચ ઘટાડીને શ્રીમંત બન્યા રહેવાની સલાહ આપો છો જ્યારે મન સતત આવક કેમ વધારી શકાય એના જ વિચારોમાં રમ્યા કરે છે. આપની પાસે વાત છુપાવવા નથી માગતો પણ હમણાં હમણાં SIDE માં મેં ગૅરબજારનું કામ પણ શરૂ કર્યું છે. ગણતરી એવી છે કે બે-ચાર સોદામાં જો જંગી કમાણી થઈ જાય તો પછી જિંદગીભર શાંતિ જ શાંતિ ! જિંદગીભર જલસા જ જલસા ! જિંદગીભર મજા જ મજા ! આપ આ અંગે શું કહો છો ? જય, ખૂને થતું હોય એને તો હજી બચાવી શકાય કારણ કે એને પોતાને બચવું છે. બચવા માટે એક બીજાની સહાય માગે છે પરંતુ જેને આપઘાત જ કરવો છે. એને તો શું બચાવી શકાય? કારણ કે એ પોતે બચવા નથી માગતો, પોતાને કોઈ બચાવી લે એવું એ નથી ઇચ્છતો, કોઈ બચાવવા આવી પણ જાય છે તો ય એને એ સહયોગ નથી આપતો. અધિક સંપત્તિ મેળવવા તેં સેંરબજારમાં ય ઝુકાવ્યું છે એ જાણ્યા પછી તો મને એમ લાગે છે કે આપઘાત કરવાનો તેં મક્કમ નિર્ધાર કરી લીધો છે. યાદ રાખજે તું આ વાત કે વિપુલ સંપતિનું આ પાગલપન તને બીજા કોઈ ક્ષેત્રમાં નુકસાન કદાચ નહીં પણ કરે તો ય તારા મનની પ્રસન્નતા અને સંબંધોની આત્મીયતા આ બે ક્ષેત્રમાં તો તારી પથારી ફેરવી જ દેશે. તેં હડકાયા કૂતરાને જોયો તો હશે જ. તેં એને ક્યારેય પ્રસન્ન જોયો? નો. એ સતત ભાગતો જ હોય છે રઘવાયો બનીને. આ ઘરેથી પેલા ઘરે અને આ શેરીમાંથી સામેની શેરીમાં. આ ભાગંભાગમાં એ પ્રસન્નતા ટકાવી શકે એ વાતમાં માલ જ ક્યાં છે? સંપત્તિનો હડકવા લાગી ગયા પછી તારી સ્થિતિ ય આવી જ થવાની છે કંપનીમાંથી છૅરબજારમાં અને શૅરબજારમાંથી સટ્ટા બજારમાં. છગનભાઈને ત્યાંથી મગનભાઈને ત્યાં અને મગનભાઈને ત્યાંથી ચમનલાલને ત્યાં. મુંબઈથી દિલ્લી અને દિલ્હીથી અમેરિકા. ઘરેથી બજારમાં, બજારમાંથી હૉટલમાં, હૉટલમાંથી ક્લબોમાં અને ક્લબોમાંથી હૉસ્પિટલમાં. સાવધાન ! ૪૩ ૪૪ Page #23 -------------------------------------------------------------------------- ________________ જ્ય, ભલે ઓગણીસ વરસની વયે મેં સંસારનો ત્યાગ કરી દીધો હોવાના કારણે સંપત્તિ ક્ષેત્રનો મને કોઈ અનુભવ નથી સંખ્યાબંધ શ્રીમંતોના જીવનને મેં નજીકથી નિહાળ્યા છે, એમના આંતરદારિત્ર્યની વાતો મેં એમના જ મોઢે સાંભળી છે, એમના વેરવિખેર થઈ ગયેલા પરિવારની કરુણ દાસ્તાન મેં મારા સંગા કાને સાંભળી છે અને એના આધારે મેં તને ગત પત્રમાં લખ્યું છે કે વિપુલ સંપત્તિનું લક્ષ્ય, અને એ લક્ષ્યને આંબી જવા માટેની તારી દોડધામ તને હડકાયા કૂતરાની કક્ષામાં મૂકીને જ રહેશે. તને ક્યાંય શાંતિથી બેસવા નહીં દે અને એટલે જ મનની પ્રસન્નતા તારા માટે સ્વપ્નનો વિષય જ બની રહેશે. વાંચ્યો છે આ ટુચકો? અજયને ૧૦ રૂપિયાની લૉટરીની ટિકિટ પર બે કરોડનું ઇનામ તો લાગ્યું પણ એ ઇનામની રકમ લેવા ગયો ત્યારે એના હાથમાં પોણા બે કરોડ રૂપિયા જ મૂકવામાં આવ્યા. ‘પચીસ લાખ ઓછા કેમ છે?” ‘ટૅક્સની રકમ એટલી થાય છે” એ ન ચાલે. તમે પેપરમાં જાહેરાત બે કરોડના ઇનામની કરો અને ઇનામ લાગે એને પોણા બે કરોડ જ આપો એ એક જાતનો વિશ્વાસઘાત છે” ‘અમારી આ જ વ્યવસ્થા છે” ‘તો એક કામ કરો' ‘શું?' ‘તમે ઇનામના આપેલ પોણા બે કરોડ પાછા લઈ લો અને લૉટરીની ટિકિટ ખરીદવા મેં તમને જે દસ રૂપિયા આપ્યા છે એ દસ રૂપિયા મને પાછા આપી દો !' જય, અજયની આ બેવકૂફી પર કે બાલિશતા પર હસવાની કોઈ જ જરૂર નથી. પ્રત્યેક લોભાંધ માણસની આ જ મનઃસ્થિતિ હોય છે. એ વિપુલ સંપત્તિ મેળવવા ડગલે ને પગલે પ્રસન્નતાનું બલિદાન આપતો જ રહે છે. તમામ પ્રકારનાં સુખોના પાયામાં રહેલ પ્રસન્નતાને જતી કરીને એ તમામ સુખોને દુ:ખોમાં રૂપાંતરિત કરી દેતા સંક્લેશનો શિકાર બનતો જ રહે છે. પગ જતા કરીને બૂટ ન જ ખરીદાય એ અક્કલ માણસ પાસે છે, આંખને જતી કરીને આકર્ષક ફ્રેમ ખરીદવાનો કોઈ જ અર્થ નથી એ માણસ સમજે છે, હોજરીને બગાડી નાખીને પેટમાં ખમણ ઢોકળાં ન જ પધરાવાય એ બુદ્ધિ માણસ પાસે છે પણ પ્રસન્નતાનું બલિદાન આપીને આ જગતનું એક પણ સુખ ન સ્વીકારાયા એ અક્કલ લોભાંધ પાસે તો નથી જ હોતી. હું ઇચ્છું છું, આવા લોભાંધમાં તારો નંબર તો ન જ લાગે ! Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જ્ય, વિપુલ સંપત્તિનું લક્ષ્ય મનની પ્રસન્નતાનો ખાત્મો બોલાવતું રહે છે એ નુકસાન કરતાં ય એક અન્ય જાલિમ નુકસાન એ છે કે સંબંધોની આત્મીયતામાં એ ભૂકંપ સર્જી દેતું હોય છે. તું શું એમ માને છે કે પૈસા માટે સતત ઘરની બહાર રહેતો માણસ પોતાની પત્નીનો “પ્રેમાળ પતિ’ બની શકશે? પોતાના પુત્ર માટે “લાગણીશીલ પિતા’ બની શકશે ? પોતાના પિતા માટે “વહાલસોયો પુત્ર’ બની શકશે ? પોતાની દીકરી માટે “વિશ્રામસ્થળ’ બની શકશે? ના. બજારમાં હોશિયાર અને ખેલાડી વેપારી તરીકે ખ્યાતિ પામી જતો, એ માણસ પોતાના પરિવારના સભ્યો માટે “અજનબી' જ બન્યો રહેશે. એનો પરિવાર “પ્રેમ” અને “હુંફ' માટે કદાચ ગમે તેવી લબાડ વ્યક્તિના ખોળામાં પણ જઈને બેસી જતા કોઈ શરમ કે સંકોચ નહીં અનુભવે. મુંબઈના અતિ ધનાઢ્ય વિસ્તારમાં રહેલ એક યુવકે પોતાના જ ઘરની જે બેહાલી મને કહી સંભળાવી હતી એ તું વાંચી લે. તારા પગ નીચેની ધરતી કદાચ સરકી જશે. ‘મહારાજ સાહેબ, મારા દાદા અને મારા પપ્પા, બંને ય ધંધાના જબરદસ્ત ખેલાડી છે. જ્યાં હાથ નાખે છે ત્યાંથી લાખો યાવત્ કરોડો લઈ આવે છે. પણ એમની પૈસાની કાતિલ ભૂખે અમારા ઘરમાં જે હાહાકાર સર્યો છે એનું આપને શબ્દોમાં બયાન કઈ રીતે કરવું એ સમજાતું નથી. હું કૉલેજના ત્રીજા વર્ષમાં છું. મારે એક છોકરી સાથે લફરું છે. મારી બહેન કૉલેજના પ્રથમ વર્ષમાં છે. એને એક યુવક સાથે લફરું છે. મારી મમ્મીનું પડોશમાં રહેતા એક પરિણીત યુવક સાથે લફરું ચાલુ છે. અને મારા દાદાનો એક વિધવા સાથે સંબંધ ચાલુ છે. હા, મારા પપ્પાનું કોઈ લફરું હોય તો એનો મને ખ્યાલ નથી. જય, કરોડોના ફલૅટમાં રહેનાર અને કરોડોમાં આળોટનાર એક શ્રીમંત પરિવારના સભ્યોની વ્યભિચારલીલાની આ સત્ય હકીકત વાંચ્યા પછી અને જાણ્યા પછી તારે નક્કી કરવાનું છે કે જગતનો બહુજનવર્ગ આજે પૈસા પાછળ રૉકેટ ગતિએ હડકાયા કૂતરાની જેમ જે પાગલતાથી ભાગી રહ્યો છે એ જ પાગલતાથી તારે ભાગતા રહેવું છે કે ક્યાંક શ્વાસ ખાવા અટકવું છે? Page #25 -------------------------------------------------------------------------- ________________ મહારાજ સાહેબ, આપનો ગત પત્ર વાંચ્યો તો ખરો પણ એ વાંચ્યા પછી હું આખી રાત સૂઈ શક્યો નથી. સાચું કહું તો એ પત્રમાં આપે ધનાઢ્ય પરિવારના સભ્યોની વ્યભિચારલીલાની જે વાત લખી છે એ આપે લખી છે એટલે મને એની સત્યતામાં શંકા નથી પડી બાકી આ જ વાત આપના સિવાય અન્ય કોઈએ પણ મને કહી હોત તો હું એને ધરાર સંભળાવી દેત કે ‘તું ગપ્પા લગાવવાનું બંધ કર !' દાદા, મમ્મી, દીકરો અને દીકરી, ચારેય આડા સંબંધોમાં ગરકાવ? અને એનાં મૂળમાં વિપુલ સંપત્તિનું એક માત્ર ગોઝારું લક્ષ્ય? ના, આ રસ્તે તો કદમ મંડાય જ શી રીતે ? માણસના ખોળિયે પશુ બનાવી દેતા આ વિકરાળ રસ્તા પર તો પસંદગીની મહોરછાપ લગાવાય જ શી રીતે ? આપ મને ક્યાંથી ક્યાં લઈ આવ્યા? માન્યતા મારી એ હતી કે જીવનને બરબાદ કરી નાખવામાં મહત્ત્વનો ફાળો સંપત્તિનો નથી પણ સ્ત્રીનો છે, અર્થલાલસા એટલી ખતરનાક નથી જેટલી ખતરનાક વિષયવાસના છે પણ આપે તર્કબદ્ધ રજૂઆત કરીને મારી એ માન્યતાનો ભુક્કો બોલાવી નાખીને મારા પર જે ગજબનાક ઉપકાર કર્યો છે એ બદલ હું આપનો અત્યંત ઋણી છું. આમ છતાં એક પ્રશ્ન પૂછું ? પૈસાની ભૂખ સંતોષાતા માણસ સ્ત્રીઓ પાછળ ભટકતો થઈ જતો હોય છે એ જેમ એક નક્કર વાસ્તવિકતા છે તેમ સ્ત્રીની ભૂખ સંતોષવા માણસ પૈસા પાછળ પાગલ બનીને ભટકતો થઈ જતો હોય એ નહીં બનતું હોય? આ પ્રશ્ન હું આપને એટલા માટે પૂછી રહ્યો છું કે મારી પોતાની વર્તમાન મનઃસ્થિતિ આ છે. મને એમ લાગી રહ્યું છે કે ‘પૈસા ચિક્કાર હશે આપણી પાસે તો યુવતીનાં માંગાઓ સામેથી આવશે. ભણેલી-ગણેલી રૂપાળી યુવતીઓ સામે ચડીને આપણા ઘરે ‘પત્ની’ તરીકે ગોઠવાઈ જવા તૈયાર થઈ જશે. સંપત્તિની વિપુલતા અને પત્ની રૂપાળી, બસ, જીવન સફળ. આ માન્યતાનો શિકાર બનેલો હું અત્યારે પૈસા બનાવી લેવાના એક માત્ર લક્ષ્ય સાથે પાગલ બનીને પૈસા કમાઈ લેવા દોડી રહ્યો છું. ઇચ્છું છું હું કે આ અંગે આપના તરફથી મને કંઈક સમ્યક્ માર્ગદર્શન મળે. ૪૯ પ0 Page #26 -------------------------------------------------------------------------- ________________ જય, તારો પત્ર વાંચ્યો. પત્રમાં તે જે કાંઈ લખ્યું છે એ એટલું જ સૂચવે છે કે તારા મનમાં અત્યારે પૈસા અને પત્ની, આ બેના વિચારો જ ચાલી રહ્યા છે. અને એમાંય ‘રૂપાળી પત્ની’ની તેં લખેલ વાત તારી ૨૫ વરસની ભર યુવાનવયને જ આભારી છે એમાં કોઈ જ શંકા નથી. આના સંદર્ભમાં તને એક વાત જણાવું? પત્ની તને ગોરી મળશે કે કાળી, એના પ્રત્યેના આકર્ષણને વિકર્ષણમાં ફેરવાઈ જતાં બહુ વાર નહીં લાગે. કારણ કે વયના કારણે જ વિજાતીય સહવાસનું મનમાં ઊભું થતું આકર્ષણ, વય વધતા જ ઓસરવા લાગે છે. અને ‘વય’ની દુ:ખદ વાસ્તવિકતા એ છે કે વય બંનેની વધતી હોય છે. પુરુષની વધતી જતી વય એના પુરુષાતનમાં કડાકો બોલાવતી રહે છે તો સ્ત્રીની વધતી જતી વય એના રૂપમાં કડાકો બોલાવતી રહે છે. જે પુરુષાતનના કારણે સ્ત્રી, પુરુષ તરફ આકર્ષાઈ હોય છે એ પુરુષાતનમાં કડાકો બોલાઈ ગયાના અનુભવ પછી ય સ્ત્રીનું પુરુષ પ્રત્યેનું આકર્ષણ એવું ને એવું જ અકબંધ જળવાઈ રહે એવી જેમ કોઈ જ શક્યતા નથી તેમ જે રૂપના કારણે પુરુષ, સ્ત્રી તરફ ખેંચાયો હોય છે ૫૧ ૨૬ એ રૂપ કપૂરની જેમ ઓગળી રહ્યાના અનુભવ પછી ય પુરુષનું સ્ત્રી પ્રત્યેનું ખેંચાણ એવું ને એવું જ અકબંધ ઊભું રહે એ શક્યતા ય નહિવત્ છે. સાંભળ્યું છે તે આ દૃષ્ટાંત ? પ્રેમલગ્ન કરી ચૂકેલા પતિ-પત્ની લગ્નજીવનનાં ૨૫ મા વરસની પૂર્ણાહુતિ પર બગીચામાં ફરવા ગયા. બંને જણા એક બાંકડા પર બેઠા. પત્નીએ પતિને પૂછ્યું, ‘બરાબર ૨૫ વરસ પહેલાંના આ જ દિવસે મારા પપ્પા આપણને બંનેને અહીં બેઠેલા જોઈ ગયેલા અને એ વખતે એમણે તમને એક બાજુ બોલાવીને કંઈક કહ્યું હતું. આજ સુધી તમે મને એ જણાવ્યું નથી કે મારા પપ્પાએ તમને કહ્યું શું હતું? આજે તો તમારે એ વાત મને જણાવવી જ પડશે.' *જો, તારા પપ્પા પોલીસ ઇન્સ્પેક્ટર હતા. એમણે મને ધમકી આપેલી કે જો હું તારી સાથે લગ્ન નહીં કરું તો એ મને ૨૫ વરસની જેલની સજા કરી દેશે’ પતિએ આ જવાબ આપી તો દીધો પણ એ જ વખતે એની આંખમાં આંસુ આવી ગયા. ‘પણ તમે અત્યારે રડો છો કેમ ?’ પત્નીએ પૂછ્યું ‘એમ થાય છે કે એ વખતે ૨૫ વરસની જેલની સજા સ્વીકારી લીધી હોત તો કમ સે કમ આજે તો હું આઝાદ થઈ ગયો હોત ને ?’ પતિએ રૂમાલથી આંસુ લૂંછતા જવાબ આપી દીધો. જય, આ દૃષ્ટાન્ત પર હું કોઈ જ ટીકાટિપ્પણ કરવા નથી માંગતો કારણ કે તારી બુદ્ધિ કેવી ધારદાર છે એની મને ખબર છે. પર Page #27 -------------------------------------------------------------------------- ________________ મહારાજ સાહેબ, ગત પત્રના આપના લખાણે મને વિચારતો કરી દીધો છે. સાગરમાં આવતાં ભરતી અને ઓટ જેમ પૂનમ અને અમાસને બંધાયેલા છે તેમ મનમાં જાગતો વાસનાનો આવેગ અને મનમાં શાંત પડી જતી વાસના એ બંને સમયને અર્થાત્ વયને જ બંધાયેલા છે. લાખ પ્રયાસ છતાં અમાસે સાગરમાં ભરતી લાવી શકાતી નથી તેમ લાખ પ્રયાસ છતાં વીતી ગયેલ વયમાં મનને વાસનાગ્રસ્ત રાખી શકાતું નથી. આનો અર્થ તો એ જ થયો ને કે મારું જે મન અત્યારે સતત યુવતીના વિચારમાં જ ગ્રસ્ત રહ્યા કરે છે. એ મનમાં અમુક વય પછી યુવતીના શરીરનું કોઈ જ આકર્ષણ રહેવાનું નથી. એક પ્રશ્ન પૂછું આપને ? શું સંસારી દરેક વ્યક્તિ માટે આ જ વાસ્તવિકતા હોય છે? જય, આ પ્રશ્નનો તને સીધો જવાબ આપવાને બદલે હું તારી સમક્ષ એક અલગ વાત જ રજૂ કરું છું. મને પૂર્ણ શ્રદ્ધા છે કે તારા મનનું સમાધાન એનાથી થઈને જ રહેશે. સાંભળ એ વાત. બાબાને શરદી થઈ ગઈ છે. અને એના મનમાં આઇસક્રીમ ખાવાની એવી તલપ લાગી ગઈ છે કે આઇસક્રીમ માટે એ મમ્મી સમક્ષ રડી રહ્યો છે. મમ્મી પાસે ચાર વિકલ્પ છે. બાબાના આંસુ જોઈને પીગળી જઈને મમ્મી એને આઇસક્રીમ આપી દે, પહેલો વિકલ્પ. બાબાની શરદીને જોતાં બાબાને એ લાફો લગાવીને શાંત કરી દે, બીજો વિકલ્પ. બાબાની સામે ચૉકલેટ રજૂ કરી દઈને એને આઇસક્રીમ ભૂલવાડી દે, ત્રીજો વિકલ્પ અને આઇસક્રીમ એના સ્વાથ્ય માટે કેટલો બધો ખતરનાક છે. એ સમજાવી દઈને એને આઇસક્રીમની માંગ પર પૂર્ણવિરામ મુકાવી દેવા સમજાવી દે, ચોથો વિકલ્પ. પ્રથમ વિકલ્પમાં બાબો રડતો તો બંધ થઈ જાય પણ એનું સ્વાથ્ય કથળીને જ રહે. બીજા વિકલ્પમાં બાબો કામચલાઉ શાંત તો થઈ જાય પણ એનું મન અંદરથી ધૂંધવાતું જ રહે. ત્રીજા વિકલ્પમાં બાબાના મનનું વિષયાંતર થઈ જાય અને એનું સ્વાથ્ય અકબંધ જળવાઈ જાય. ચોથા વિકલ્પમાં સમજણપૂર્વક બાબો આઇસક્રીમથી દૂર રહે અને પોતાના સ્વાથ્યને સલામત રાખી દે. પ્રથમ વિકલ્પને નામ આપી શકાય ‘ભોગ’નું, બીજા વિકલ્પને નામ આપી શકાય ‘દમન’નું, ત્રીજા વિકલ્પને નામ આપી શકાય ભક્તિ’નું અને ચોથા વિકલ્પને નામ આપી શકાય ‘જ્ઞાન’નું. ૫૩ પ૪ Page #28 -------------------------------------------------------------------------- ________________ જય, મનમાં જાગતી વાસનાને શાંત કરી દેવા તું એને વિજાતીય શરીર આપતો જ રહે એ માર્ગ ભોગનો છે અને ભોગને માટે એમ કહેવાય છે કે નદીઓથી જો સાગર ધરાઈ જાય, લાકડાંઓથી જો અગ્નિ શાંત થઈ જાય તો ભોગના માર્ગે વાસના શાંત થઈ જાય. અલબત્ત, ભોગના માર્ગે તાત્કાલિક વાસના શાંત થઈ ગયાનું ભલે અનુભવાય પણ એ તૃપ્તિ કઈ પળે અતૃપ્તિમાં રૂપાંતરિત થઈ જાય એ કાંઈ કહેવાય નહીં. તેં પૂર્વપત્રમાં આ જ પુછાવ્યું છે ને કે ‘શું સંસારી દરેક વ્યક્તિની ભોગવાસના અમુક વયે શાંત થઈ જ જાય ?’ તારા એ પ્રશ્નનો આ જવાબ છે. પશુસુલભવૃત્તિનું જ જેનું મન શિકાર બન્યું રહે એનું મન બુઢાપામાં ય વાસનાતૃપ્તિ માટે ટળવળતું રહે અને જેનું મન પશુસુલભવૃત્તિથી ઉપર ઊઠી જાય એનું મન યુવાનવયમાં ય વાસનાના આવેગથી મુક્ત થતું જાય. ૫૫ ૨૮ વાસનાના સંદર્ભમાં એક વાત તું ખાસ સમજી રાખજે કે વાસના એ શરીરની માંગ નથી પણ મનની માંગ છે કે જે શરીર દ્વારા શાંત થાય છે. આનો અર્થ ? આ જ કે શરીરના માધ્યમે એક વાર વાસના શાંત કરી દીધા પછી ય નક્કી નથી કે હવે મન ફરી ક્યારેય વાસનાનું શિકાર નહીં જ બને. ના. માત્ર સમય જશે અને મન પુનઃ વાસનાનું શિકાર બનીને એનું ભક્ષ્મ માગવા લાગશે ! અન્ય રૂપાળું વિજાતીય શરીર નીરખવા મળશે અને મનમાં વાસનાની આગ ભભૂકી ઊઠશે. બસ, આ સંદર્ભમાં જ કહેવાયું છે કે આઇસક્રીમ માટે રડી રહેલા શરદીના શિકાર બનેલા બાબાને આઇસક્રીમ આપી દેવામાં આખરે તો એનું શરીર સ્વાસ્થ્ય કથળવાનું જ છે તેમ વાસનાને શાંત કરી દેવા એને સતત એનું ભક્ષ્ય આપતા રહેવામાં આખરે તો આત્માનું હિત જોખમાવાનું જ છે. એટલું જ કહીશ તને કે લગ્નજીવનમાં પ્રવેશ કરવાનો તું નિર્ણય કરે એ પહેલાં વાસનાના ક્ષેત્રની આ વાસ્તવિકતાને બરાબર સમજી લેજે. ભોગમાં જો સંયમ નહીં હોય તો તું બુઢાપામાં ય વાસનાનો ત્રાસ અનુભવતો રહીશ અને સંયમ હશે તો યુવાનવયમાં ય વાસનાથી ઉપર ઊઠી જઈશ. ૫ Page #29 -------------------------------------------------------------------------- ________________ મહારાજ સાહેબ, પહેલી જ વાર મારી જાણમાં આ વાત આવી કે વાસના એ શરીરની માંગ નથી. આજ સુધી હું તો એમ જ સમજતો હતો કે ભોજન-પાણી અને પ્રાણવાયુ જેમ શરીરની માંગ છે તેમ વાસના એ પણ શરીરની જ માંગ છે. ભોજન વિના જેમ ન જ જીવી શકાય તેમ વાસનાને એનું ભક્ષ્ય આપ્યા વિના ન જ જીવી શકાય. પણ આપે તો કમાલની વાત કરી દીધી કે વાસના એ મનની માંગ છે કે જે શરીર દ્વારા શાંત થાય છે. ઇચ્છું છું હું કે આપ આ વિષય પર હજી થોડોક વધુ પ્રકાશ પાથરો. જય, ભૂખ પેટમાં લાગે છે, ભોજન પેટમાં પધરાવી દેવામાં આવે છે. ભૂખ શાંત થઈ જાય છે. મન એમાં વચ્ચે ક્યાંય આવતું નથી પણ વાસના માટે એવું નથી. જો મનમાં વાસનાનો કોઈ આવેગ જ નથી, મન અન્ય વિષયોમાં જો વ્યસ્ત છે અથવા તો ચિંતાગ્રસ્ત છે તો પછી ભલે ને શરીર પર ફાટફાટ યુવાની છે અને સામે રૂપાળી યુવતી સાથેનું એકાંત છે. શરીર વાસનાતૃપ્તિ માટે પ્રવૃત્ત થતું જ નથી. આનો અર્થ ? આ જ કે ભૂખ-ભોજન વચ્ચે કે તૃષા-પાણી વચ્ચે મન નામનો દલાલ આવતો જ નથી પરંતુ મન નામનો દલાલ હાજર થયા વિના વાસના - વિજાતીય શરીર વચ્ચેનો સોદો પતતો જ નથી. શું કહું તને? આત્મકલ્યાણ કરવા સંસાર ત્યાગીને નીકળી પડેલો સંત ભલે ને જબરદસ્ત સાધક છે અને સાત્ત્વિક છે, એને ભોજન-પાણી-પ્રાણવાયુ વિના નથી જ ચાલતું. કેટલાક કલાક - દિવસ કે મહિનાઓ ભલે એના વિના એ કદાચ ચલાવી લે છે પરંતુ એક સમય તો એવો આવે જ છે કે ભોજન વગેરેનું સેવન એને કરવું જ પડે છે કારણ? એ શરીર લઈને બેઠો છે અને ભોજન-પાણી-પ્રાણવાયુ એ શરીરની માંગ છે જ્યારે વિજાતીય શરીરના સહવાસ માટે એવું નથી . સંખ્યાબંધ સાધકો આજે એવા છે કે જેઓ વિજાતીય શરીરના સહવાસ વિના ય મજેથી પોતાનું જીવન પસાર કરી રહ્યા છે અને એ ય બે-પાંચ વરસ માટે જ નહીં પરંતુ જીવનભર માટે ! અરે, સાધકોની જ વાત શું કરું ? કોક વિશિષ્ટ કાર્યમાં લાગી ગયેલા કેટલાક સંસારી માણસો પણ જીવનભર માટે વિજાતીય શરીરના સહવાસથી દૂર રહીને પ્રસન્નતાપૂર્વક પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. રહસ્ય? આ જ છે કે વાસના એ મનની માંગ છે અને એમના મનમાં વાસનાજન્ય કોઈ ઉત્તેજના નથી, આવેગ નથી. Page #30 -------------------------------------------------------------------------- ________________ મહારાજ સાહેબ, ‘ભૂખ અને તરસની જેમ વાસના પણ કુદરતી હાજત જ છે'ની વરસોથી મનમાં ઘર કરી ગયેલ ભ્રમણાને આપે જે સહજતાથી તોડી નાખી એ બદલ આપનો ઉપકાર અને આભાર હું માનું એટલો ઓછો છે. શરીરને ભોજન આપવું જ પડે પણ મનમાં ઊઠતી વાસનાને એનું ભણ્ય આપવું જ પડે એ બિલકુલ જરૂરી નથી. આ વાત સમજાવી દઈને સાચું કહું તો આપે મારા મનમાં ચાલતા વર્તમાનના વિજાતીય પ્રત્યેના આકર્ષણમાં સારો એવો કડાકો બોલાવી દીધો તો છે જ છતાં એક પ્રશ્ન આપને પૂછું ? ‘ભોગ'નો પ્રથમ નંબરનો વિકલ્પ વાસના માટે જો ખતરનાક છે તો ‘દમન'નો બીજા નંબરનો વિકલ્પ પણ વાસના માટે જોખમી જ પુરવાર થશે એવું નહીં બને? કારણ કે વરસોથી આ વાત હું સાંભળતો આવ્યો છું કે સ્વિંગને જેમ જેમ દબાવતા જશો તેમ તેમ એ બમણા જોરથી ઊછળતી જશે, બસ, એ જ ન્યાયે મનમાં જાગતી ઇચ્છાને તમે જેમ જેમ દબાવતા જશો તેમ તેમ એ બમણા જોરથી ઊછળતી જશે. માટે ઇચ્છાને દબાવતા રહેવાની ભૂલ ક્યારેય કરશો નહીં. આ અંગે આપ શું કહો છો? જય, તારા આ પ્રશ્નનો જવાબ આપતા પહેલાં હું તને જ એક પ્રશ્ન પૂછવા માગું છું. દરેક માણસ પોતાના મનમાં જાગતી પ્રત્યેક ઇચ્છાને અમલી બનાવતો જ જાય તો તને લાગે છે ખરું કે એ પછી ય આ ધરતી શિષ્ટ પુરુષને રહેવા લાયક બની જ રહે? તારા ઘરે આવતા તારા મિત્રની નજર તારી બહેન પર પડે અને એના મનમાં તારી બહેનના શરીરને ભોગવી લેવાની ઇચ્છા પેદા થઈ જાય તો તારા મિત્રની એ ઇચ્છાને સફળ બનાવી દેવામાં તારી સંમતિ ખરી ? કો'ક કારણસર તારે કો'કની સાથે દુશમનાવટ ઊભી થઈ જાય અને એની હત્યા કરી નાખવા તારા હાથ સળવળવા લાગે તો તારી એ ઇચ્છાને તારે અમલમાં મૂકી જ દેવાની, એમ ? જય, લખી રાખજે તારા દિલની દીવાલ પર કે આ જગત કોઈ પણ કાળે જો રહેવાલાયક બન્યું રહે છે તો એનો તમામ યશ કેવળ અને કેવળ ‘દમન' ના ફાળે જ જાય છે. આ તો સંસાર છે. ગલત નિમિત્તોનો તો અહીં રાફડો ફાટ્યો છે. કઈ પળે કઈ વ્યક્તિના મનમાં બેઠેલ ‘પશુ’ બહાર ન આવી જાય એ પ્રશ્ન છે. આ સ્થિતિમાં ‘દમન'નો વિકલ્પ જો હાથવગો ન હોય અને અમલમાં ન હોય તો શીલ-સદાચાર-સંસ્કાર-મર્યાદાસુરક્ષા વગેરે તમામેતમામ પરિબળોની સ્મશાનયાત્રા નીકળીને જ રહે એ શંકા વિનાની વાત છે. જય, દમનનો અર્થ જ છે શરમ. આંખમાંથી શરમનું જળ નીકળી ગયા પછી માણસ સરળ કે સજ્જન રહી શકશે ખરો? પ૯ Page #31 -------------------------------------------------------------------------- ________________ મહારાજ સાહેબ, આપ સાચા છો. મનમાં જાગતી મોટા ભાગની ઇચ્છાઓ તો ગલત જ હોય છે, નિંઘ જ હોય છે. એ ઇચ્છાઓને માણસો જો સહુ સમક્ષ પ્રગટ કરતા જ રહે અને એ ઇચ્છાઓને સફળ બનાવવા જો પ્રવૃત્ત થવા જ લાગે તો આ જગતમાં અરાજકતા અને અંધાધૂંધી ફેલાયા વિના ન જ રહે એ નિર્વિવાદ વાત છે. પણ તો પછી પ્રશ્ન મનમાં એ થાય છે કે ‘દમન’ના આ વિકલ્પને એકાંતે સારો માનવામાં કેમ નથી આવ્યો ? આપે જ પૂર્વના પત્રમાં બાબાના દૃષ્ટાન્તમાં જણાવ્યું છે ને કે મમ્મીના ડરથી બાબો આઇસક્રીમની માંગ એકવાર દબાવી પણ દે છે તો ય એનું મન તો સતત ધુંધવાયેલું જ રહે છે. આનું કોઈ સમાધાન ? જય, દમનનું રૂપાંતરણ જો ભક્તિમાં કરી દેવામાં આવે છે તો એ દમન ઉપકારક બન્યું રહે છે પરંતુ દમનથી ત્રાસી જઈને જો ભોગને સ્વીકારી લેવામાં આવે છે તો એ દમન ત્રાસદાયક બન્યું રહે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે દમનને ચિરસ્થાયી તો ન જ રાખી શકાય. જે વૃત્તિનું દમન કર્યું હોય એ વૃત્તિને જો અન્ય વિષયમાં ૧ ૩૧ રૂપાંતરિત કરી દેવામાં આવે તો આત્મા સંખ્યાબંધ નુકસાનીમાંથી ઊગરી ગયા વિના ન જ રહે. અલબત્ત, સમષ્ટિની સલામતી તો ‘દમન’ના વિકલ્પના સ્વીકારમાં જ છે. જે પણ પ્રશ્ન છે. એ વ્યક્તિગત સલામતી અને સ્વસ્થતાનો છે. જય. તારા જ જીવનના બાલ્યવયના અનુભવને તું સ્મૃતિપથ પર લાવી દે ને ? એ વયમાં મમ્મી-પપ્પાએ તારી ભણવા ન જવાની ઇચ્છાની નોંધ લીધા વિના તને સ્કૂલે ભણવા મોકલ્યો છે. તું કદાચ રડ્યો પણ છે તો તારા એ રુદનની પણ એમણે કોઈ નોંધ નથી લીધી પણ જેવો તું સમજણની વયમાં આવ્યો છે પછી, તારા પર એમને કોઈ જ દબાણ કરવું પડ્યું નથી. તું પોતે સામે ચડીને સ્કૂલે જવા લાગ્યો છે. આ વાસ્તવિકતાનો તાત્પર્યાર્થ એટલો જ છે કે જ્યાં સુધી સારાસારનો વિવેક ન હોય, લાભાલાભની સમજણ ન હોય હિત અહિતનો ખ્યાલ ન હોય ત્યાં સુધી ‘દમન’ લાભકારી જ છે અને જ્યાં એ વિવેક, સમજણ અને ખ્યાલ આવી જાય છે ત્યાં સહજરૂપે મન દમનમુક્ત થઈ જાય છે. ઇચ્છું છું હું કે આ વાસ્તવિકતાને સમજવામાં તું જરાય અવઢવમાં ન રહે. Page #32 -------------------------------------------------------------------------- ________________ મહારાજ સાહેબ, ‘દમન' અંગે મનમાં પ્રવર્તતી ગેરસમજ સર્વથા દૂર કરી દેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો માનું જ છું પરંતુ એક પ્રશ્ન હું આપને જ પૂછવા માગું છું કે આપની યુવાનવયમાં આપનું ખુદનું મન અપવિત્રતાના વિચારોનું શિકાર શું બન્યું જ નથી ? જો બન્યું છે તો એ ગલત વિચારના આક્રમણમાંથી આપ હેમખેમ ઊગરી ગયા છો શી રીતે ? અલબત્ત, આવો પ્રશ્ન આપને પુછાય કે નહીં એની મને ખબર નથી પણ ઇચ્છું છું છું કે મારા આ પ્રશ્નનું આપ સંતોષજનક સમાધાન આપીને જ રહો. જય, જે વાત હું તને સામે ચડીને કરવાનો હતો એ વાતને તે પ્રશ્ન પૂછવા દ્વારા તને કરવા તેં મને જ્યારે મજબૂર કરી જ દીધો છે ત્યારે સાંભળ એ વાત. પ્રથમ વાત તો એ સમજી લે કે આ જગતનો કોઈ પણ સંત એ પરમાત્મા નથી, પણ પરમાત્મા બનવા નીકળેલો સાધક છે. દરેક સંતને આ વાસ્તવિકતાનો ખ્યાલ હોય જ છે છતાં ખરી મુશ્કેલી ક્યાં સર્જાય છે એ તને કહું ? કોઈ પણ સાધકના શરીર પર સંતત્વની જાહેરાત કરતાં વસ્ત્રો જગતને જોવા મળે છે, જગત એને પરમાત્મા માની લે છે. પરમાત્મા માની લે છે એટલે? સંતથી જીવનમાં કોઈ ભૂલ થાય જ નહીં એવી માન્યતા એના મનમાં ઘર કરી જાય છે અને સંતના જીવનમાં એને કોઈ ભૂલ, ખોટું કે ખરાબ જ્યાં દેખાય છે. ત્યાં એની સંત પ્રત્યેની શ્રદ્ધામાં કડાકો બોલાઈ જાય છે. સંત ખુદ કહે છે, “હું ભગવાન નથી, ભગવાન બનવા ભગવાનના માર્ગે ચાલી નીકળેલો સાધક છું. મારાથી ભૂલો થવાની સંભાવના છે જ. માર્ગથી ચુત થઈ જવાની સંભાવના ય મારા જીવનમાં છે જ અને માર્ગ પર પડી જવાની સંભાવના પણ મારા જીવનમાં છે જ. અલબત્ત, એવું કાંઈ જ ન થાય કે ન થઈ જાય એ અંગે હું પૂરેપૂરો સાવધ તો રહીશ જ છતાં ય નિમિત્તવશ કે કુસંસ્કારવશ મારાથી કોઈ ક્ષતિ થઈ જાય ત્યાં મારી કમજોરીને આંખ સામે રાખીને મારા પ્રત્યે સહાનુભૂતિ દાખવજો અને મને માફ કરી દઈને સાધના માર્ગે આગળ વધવા પ્રોત્સાહિત કરજો.’ પણ જય, જગત, સંતની આ વાત સાંભળવા તૈયાર જ નથી, એ તો એમ જ માની બેઠું છે કે સંત એ પરમાત્મા સ્વરૂપ જ છે. એનાથી ભૂલ થાય જ નહીં. એણે ભૂલ કરાય જ નહીં. શું કહું તને? સ્કૂલમાં ભણવા બેઠેલો વિદ્યાર્થી નાપાસ” થઈ શકે છે એ માનવા જગત તૈયાર છે પણ સાધનાની સ્કૂલમાં સાધના કરવા દાખલ થયેલ સંત ક્યારેક ભૂલ કરી પણ બેસે છે એ સ્વીકારવા જગત તૈયાર નથી ! આશ્ચર્ય જ છે ને? ૬૩ Page #33 -------------------------------------------------------------------------- ________________ મહારાજ સાહેબ, આપના ગત પત્રના લખાણે મને સ્તબ્ધ કરી દીધો છે. આપે જે કાંઈ લખ્યું છે એમાં, એ અક્ષરશઃ સાચું છે. જગતની વાત શું કરું? હું પોતે ગઈ કાલ સુધી એમ માનતો હતો કે સંતથી ભૂલ થાય જ નહીં. સંતે ભૂલ કરાય જ નહીં. આ માન્યતાના આધારે જ્યારે જ્યારે પણ મારા કાને કોઈ સંતના પતનના સમાચાર આવ્યા છે, મેં જગતના ચોગાન વચ્ચે એમની ભરપેટ નિંદા કરી છે. એમની થાય એટલી વગોવણી કરી છે. ‘એમના કરતાં આપણે લાખ દરજ્જુ સારા' એવું જોરશોરથી બોલ્યો છું. પણ, આપના ગત પત્રે મારી આંખો ખોલી દીધી છે. વચન આપું છું આપને કે હવે પછી ક્યાંય, ક્યારે પણ, કોઈ પણ સંતના જીવનની ક્ષતિના નબળા સમાચાર જોવા-જાણવા કે સાંભળવા મળશે હું મારી જીભને મૌન કરી દઈશ. હું તો એમના અવર્ણવાદ નહીં કરું પણ અન્યોને ય અવર્ણવાદ કરતા અટકાવીશ. હું એમાં ટૂંકો પડીશ તો જ્યાં અવર્ણવાદ ચાલતા હશે ત્યાંથી દૂર હટી જઈશ. ખૂબ ખૂબ આભાર માનું છું હું આપનો કે આપે મને બહુ મોટા - સંતોની નિંદાના - પાપથી સમ્યક સમજણ આપીને ઉગારી લીધો છે. જય, સંતોની નિંદાથી દૂર રહેવાના તેં કરેલા સંકલ્પ બદલ તને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. સાથે આશીર્વાદ પણ આપું છું કે એ સંકલ્પના અમલમાં તું જરાય કાચો પણ ન પડે અને પાછો પણ ન પડે. હવે ગત પત્રમાં તેં મારા જીવન અંગે પુછાવેલ પ્રશ્નનો જવાબ. ‘ભોગ’ અને ‘દમન'ના વિકલ્પની વાત તો મેં તને પૂર્વના પત્રોમાં વિસ્તારથી જણાવી જ દીધી છે. ‘ભક્તિ'ના ત્રીજા નંબરના વિકલ્પની જે વાત મેં તને સામાન્યથી કરી છે અને એ વિકલ્પના સહારે જ મેં મારા જીવનને અપવિત્રતાના કાદવથી ખરડાતું બચાવી લીધું છે. આ અંગે થોડીક વિસ્તારથી વાત કરું. વ્યવહાર જગતનો એક કાયદો છે કે વધુ ગમતી ચીજ જ્યારે આંખ સામે આવી જાય છે ત્યારે ઓછી ગમતી ચીજ પરથી મનનું ધ્યાન આપોઆપ હટી જ જાય છે. ભેળ-પૂરી સામે ગાંઠિયા ગૌણ થઈ જ જાય છે ને? પારકર પેનની પ્રાપ્તિ બૉલપેનનો ત્યાગ કરાવી જ દે છે ને? અસલી હીરો હાથમાં આવતા નક્કી ઝવેરાત છૂટી જ જાય છે ને? કંઈક અંશે મારી બાબતમાં આ જ બન્યું છે. સંયમજીવનની ભવ્યતા સમજાઈ છે, સંસારત્યાગ આપોઆપ થઈ ગયો છે. ગુરુદેવની ભવોદધિ તારકતા શ્રદ્ધાનો વિષય બની ગઈ છે. સ્વજન પરિવારથી સહજરૂપે દૂર થવાનું બની ગયું છે. પ્રભુ પ્રત્યેનો પ્રેમ હૃદયમાં પ્રતિષ્ઠિત થઈ ગયો છે, પૈસા આનંદપૂર્વક છૂટી ગયા છે. મોજશોખ હૈયાની પ્રસન્નતા સામે છેલ્લા સ્થાને ધકેલાઈ ગયા છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ જય, કુસંસ્કારોનું જોર તો મારા આત્મા પર પણ છે અને નિમિત્તોની અસર તો મને ય થઈ રહી છે અને એટલે જ પવિત્રતાને માટે જોખમી બની રહે એવા વિચારોનું શિકાર મારું મન પણ બન્યું હોય અને કવચિત્ આજે ય બની રહ્યું હોય તો એની કબૂલાત કરતાં મને કોઈ જ હિચકિચાટ નથી. આનંદ મને એ વાતનો છે કે એવા વિચારોનું કોઈ જ લાંબુ આયુષ્ય હોતું નથી. કારણ ? એવા તુચ્છ વિચારોને હરાવી દેવાનું પ્રચંડ સામર્થ્ય ધરાવતા સંખ્યાબંધ શુભ પરિબળો અને શુભ યોગો આજે મારા હાથમાં છે. મારી પાસે સંયમનું જીવન છે. પરમાત્માનાં વચનો છે. સંસારના સ્વરૂપની સમજણ છે. ઇન્દ્રિયોના વિષયોની વિરસતા અને નિરસતા મારા ખ્યાલમાં છે અને સૌથી વધુ મહત્ત્વની વાત તો એ છે કે મને પરમાત્મા, ગુરુદેવ, સંયમજીવન અને પરમાત્માના શાસન પ્રત્યે બેહદ પ્યાર છે. પ્યારના આ મહાસાગરમાં પેલા હલકા વિચારો ઘાસના તણખલાની જેમ એટલા બધા ઝડપથી વહી જાય છે કે મને એનાં અસ્તિત્વનો ખ્યાલ સુદ્ધાં આવતો નથી. શું કહું તને ? એક બાજુ સત્ત્વની કચાશના કારણે પરમાત્માની આજ્ઞા મુજબનું જીવન હું * ૩૪ અત્યારે જીવી શકતો નથી અને આ જીવનની સમાપ્તિ સુધી પણ એવું જીવન હું જીવી શકવાનો નથી. જ્યારે બીજી બાજુ જનમોજનમના ગલત અભ્યાસના કારણે આત્મા પર જે કુસંસ્કારો ખડકાયા છે એ કુસંસ્કારોના કારણે નિમિત્તોની અસર મને આજે ય થાય છે અને કદાચ જીવનના અંત સુધી પણ થતી રહેવાની છે અને છતાં લેશ અતિશયોક્તિ વિના હું તને કહી શકું છું કે સંસારનો એક પણ પદાર્થ મારા આકર્ષણનો વિષય આજે તો નથી જ બનતો પણ ક્યારેય નથી બનવાનો. મનમાં આવી જતો કોઈ પણ પ્રકારનો હલકો કે નબળો વિચાર મનમાં આજે તો ડેરા-તંબૂ નાખીને નથી બેઠો પણ ભવિષ્યમાં ય ક્યારેય નથી બેસવાનો. મારી જાતને હું આજે ચક્રવર્તી કરતાં ય વધુ સુખી માનું છું તો મારી જાતને હું દેવલોકના ઇન્દ્રો કરતાં ય વધુ સદ્ભાગી માનું છું. કારણ ? મારા હાથમાં અત્યારે ચક્રવર્તીને ય દુર્લભ એવું સંયમજીવન છે, મારા હાથમાં અત્યારે ઇન્દ્રોને ય પૂજ્ય એવું સંયમજીવન છે. મારી મસ્તીની અનુભૂતિ આસમાનને ન સ્પર્શતી હોય તો જ આશ્ચર્ય ! Fe Page #35 -------------------------------------------------------------------------- ________________ મહારાજ સાહેબ, આપના છેલ્લા પત્રે તો આંખમાંથી હર્ષાશ્રુની ગંગા વહાવી દીધી છે હજી ય એ પત્ર વાંચું છું. અને આંખો ભીની થઈ જાય છે. પત્રના શબ્દ શબ્દ આપે જાણે કે આપનું હૃદય ખાલી કરી નાખ્યું છે. સાચું કહું તો પળભર મારા મનમાં અત્યારે આપના હાથમાં જે પવિત્ર સંયમજીવન છે એ પામી જવાની ઝંખના પેદા થઈ ગઈ. જે સંયમજીવનની પ્રાપ્તિ ચક્રવર્તીના સુખને ય ધૂ કરી શકતી હોય અને દેવેન્દ્રોના સદ્ભાગ્યને ય મામૂલી મનાવી શકતી હોય એ સંયમજીવન અત્યારના સડેલા કાળમાં ય જો પામી શકાય છે તો શા માટે એ જીવન પામી જવાની દિશામાં પ્રયત્નશીલ ન બનવું? આ વિચારે મારા મનનો કબજો જમાવી લીધો છે. આશીર્વાદ પાઠવજો આપ કે આપની પાસે જે સંયમજીવન છે અને સંયમજીવન પામી ગયાનો આપના હૈયે જે આનંદ છે. એ જીવન અને એ આનંદનો સ્વામી હું ય બનીને જ રહું. જય, એ ધન્ય દિવસ અને એ ધન્ય પળ તારા જીવનમાં શીઘ આવે એવા મારા તને અંતરના આશીર્વાદ તો છે જ પણ એ માટે તારે આ ‘ભક્તિ'ના ત્રીજા વિકલ્પના સ્વામી બની જવું જ પડે. કારણ કે ‘ભોગ'નો પ્રથમ નંબરનો વિકલ્પ ખતરનાક છે. તો ‘દમન'નો બીજા નંબરનો વિકલ્પ અસ્થાયી છે. ભક્તિ'નો ત્રીજા નંબરનો વિકલ્પ જ એક એવો છે કે જે આનંદદાયી હોવાની સાથે ચિરંજીવી પણ છે . સંસાર કરતાં તને સંયમ વધુ ગમે, વાસના કરતાં ઉપાસના તને વધુ આકર્ષે, પૈસા કરતાં પરમાત્મા તને વધુ પાગલ બનાવે, શરીર-મનના સુખ કરતા આત્માનો આનંદ તને વધુ પાગલ બનાવે અને પ્રેમ કરતાં શ્રેયને પામવાની તારી ઝંખના પ્રબળ થઈ જાય, બસ, ‘ભક્તિના ત્રીજા નંબરના વિકલ્પનું સ્વામિત્વ તને પ્રાપ્ત થઈ ગયું જ સમજ. આંખ સામે રાખજે, સાસરે જતી કન્યાને. એ ‘રાગ’ને છોડતી નથી, રાગના પાત્રને બદલાવી નાખે છે. મા-બાપનો રાગ સાસુ-સસરા પર અને ભાઈનો રાગ પતિ પર, બહેનનો રાગ નણંદ પર અને પિયરનો રાગ સાસરા પર. આખી જિંદગી એ મજેથી સાસરામાં ખેંચી કાઢે છે. આ જ કામ તારે કરવાનું છે. સંસારનો ત્યાગ તું કરે ત્યારે કરજે. અત્યારે કમ સે કમ સંસાર પ્રત્યેના રાગને ધર્મ પ્રત્યેના રાગમાં રૂપાંતરિત તો કરી દે ! તારું કામ થઈ જશે. ૬૯ Page #36 -------------------------------------------------------------------------- ________________ મહારાજ સાહેબ, વાસનાના આવેગને શાંત કરી દેવાનો આપે ગજબનાક ઉપાય બતાડી દીધો. લાગણીને ખતમ કરી નાખવાની વાત નહીં પણ લાગણીના પાત્રને બદલાવી નાખવાની વાત. કવર બદલાવવાનું નહીં, કવરની અંદરનો કાગળ બદલાવવાનો નહીં પરંતુ કવર પરનું સરનામું બદલાવી નાખવાનું. આજે સમજાય છે આ વાત કે પરમાત્મા ન બન્યા હોવા છતાં અને સંસારી ન રહ્યા હોવા છતાં આપ સંયમજીવનમાં ભરપૂર પ્રસન્નતા શું અનુભવી રહ્યા છો? આ એક જ કારણ. લાગણી આપની જીવંત છે પણ લાગણીને ઢોળવાનું સરનામું આપે બદલાવી નાખ્યું છે. અને એ બદલાવી નાખેલું સરનામું પણ એવું છે કે એનાથી અન્ય શ્રેષ્ઠ સરનામું આ જગતમાં ક્યાંય ઉપલબ્ધ જ નથી. કાશ, આપ અત્યારે જે સરનામે લાગણી ઢોળી રહ્યા છો એ જ સરનામે લાગણી ઢોળતા રહેવાની સદબુદ્ધિ, મને ય પ્રાપ્ત થઈ જાય ! જય, એક વાત તને જણાવી દઉં? શ્રદ્ધાની મંદતા, સત્ત્વની કચાશ અને કમજોર સંકલ્પ, આ તમામ પ્રકારની નબળાઈઓનો શિકાર બનેલો હું, અબજો ભવો બાદ પણ મુક્તિ પામવાના સદ્ભાગ્યને વરી શકીશ કે કેમ એમાં મને શંકા છે પણ તો ય પ્રભુ પાસે એક ચીજ તો હું સતત માંગ્યા કરું છું કે હે પ્રભુ, જેટલા પણ કાળ સુધી મારે સંસારમાં રખડવાનું બાકી હોય, જેટલા પણ ભવો મારે સંસારમાં ભટકવાના બાકી હોય, અને જે પણ સંયોગો મારે લમણે ઝીંકાવાના હોય, એ તમામ સમયમાં, ભવોમાં અને સંયોગોમાં હૃદયની લાગણી ઢોળવાનું જે સરનામું આજે મને મળી ગયું છે. એ જ સરનામું મારી પાસે ઉપલબ્ધ રહે. એ સિવાય મારે તારી પાસે બીજું કશું જ માગવું નથી, અને એ સિવાય મારે તારી પાસેથી બીજું કાંઈ જ જોઈતું નથી’ જય, એટલું જ કહીશ તને કે મનમાં આંટા લગાવી રહેલા વાસનાનાં સાપોલિયાંઓને તાકાતહીન બનાવી દેવાનો સરળતમ અને શ્રેષ્ઠતમ વિકલ્પ આ એક જ છે. ઉત્તમ પ્રત્યેનો અનુરાગ ! તું અત્યારે જે વયમાં છે એ વય આમ જોવા જઈએ તો વાસનાની પ્રાબલ્યતાની વય છે. એ વયને જો તું અપવિત્રતાના કાદવથી ખરડાતી બચાવી લેવા માગે છે તો આ રસ્તે ચાલ્યો આવ. હૃદયને ઉત્તમ પ્રત્યેના અનુરાગથી હર્યું-ભર્યું બનાવી દે. જે મંગળ અનુભૂતિ થશે એ તારી કલ્પના બહારની હશે. ૭૧ Page #37 -------------------------------------------------------------------------- ________________ મહારાજ સાહેબ, “અનુરાગ' નામના ત્રીજા વિકલ્પની અસરકારતા અને મહાનતાની આપે દર્શાવેલ વાતો મગજમાં એકદમ જડબેસલાક ગોઠવાઈ તો ગઈ છે અને એ વિકલ્પને આત્મસાત કરવાની દિશામાં પા પા પગલી માંડવાનું વિચારી પણ લીધું છે છતાં ઇચ્છું છું કે ‘જ્ઞાન'ના ચોથા વિકલ્પ પર પણ આપ કંઈક પ્રકાશ પાથરો. જય, બાબાની આઇસક્રીમની માંગ સામે ચૉકલેટ આપી દેવાની વાત નહીં પણ શરદીની તકલીફમાં આઇસક્રીમ કેટલો ખતરનાક બની શકે છે એની સમજણ આપી દેવાની વાત એનું જ નામ ‘શાન. વાસનાની સામે ઉપાસનાની વાત નહીં, રાગની સામે અનુરાગની વાત નહીં, અધમના સ્થાને ઉત્તમને ગોઠવી દેવાની વાત નહીં પણ વાસનાના કદરૂપા સ્વરૂપને સમજી લેવાની વાત, રાગની ભયંકરતાને આત્મસાત્ કરી લેવાની વાત, અધમની ખતરનાકતાને જાણી લેવાની વાત, એનું નામ ‘જ્ઞાન.” આ વિકલ્પ આત્મસાત થતાંની સાથે જ હૃદયમાં વાસનાના આવેગો ઊઠવાના શાંત થવા લાગે, વિજાતીય સહવાસની અને વિજાતીય સ્પર્શની વૃત્તિમાં કડાકો બોલાવા લાગે. મન ગલત કંપનોથી મુક્ત થવા લાગે. વાસના મુક્તિ માટેનો સર્વોત્તમ અને સર્વશ્રેષ્ઠ વિકલ્પ આ જ હોવા છતાં જય, તને એટલું જ કહીશ કે મારા માટે અને તારા માટે આદર્શ તરીકે આ વિકલ્પ બરાબર છે પણ અમલમાં લાવવા માટેનો વિકલ્પ તો એક માત્ર “અનુરાગ” જ છે. કારણ ? આત્મદ્રવ્ય આપણું નાજુક પણ છે અને ભાવુક પણ છે. નાજુક છે એટલે? લાગણીશીલ છે અને ભાવુક છે એટલે? નિમિત્તવાસી છે. આ સ્થિતિમાં “જ્ઞાન'નો વિકલ્પ આત્મા માટે જોખમી પુરવાર થાય એવી પૂરી શક્યતા છે. મીણને પીગળી જતા બચવું હોય તો એણે આગથી દૂર જ રહેવું પડે. પાણીએ નીચે ઊતરી જતા અટકવું હોય તો એણે ઢાળથી દૂર જ રહેવું પડે. નબળી છાતીવાળાએ શરદીથી બચવું હોય તો એણે પવનથી દૂર જ રહેવું પડે. બસ, એ જ ન્યાયે મારે અને તારે ગલતના શિકાર બનતા બચવું હોય તો એવાં નિમિત્તોથી દૂર જ રહેવું પડે. ઉપસંહારમાં એટલું જ કહીશ કે ભોગમાં નિયંત્રણ, દમનમાં વિવેક, રૂપાંતરણમાં અનુરાગ અને આદર્શમાં જ્ઞાન, તું ફાવી જઈશ. Page #38 -------------------------------------------------------------------------- ________________ મહારાજ સાહેબ, ‘વાસના’ ના ક્ષેત્ર અંગે આપના તરફથી મળેલ બહુમૂલ્ય માર્ગદર્શન બદલ આપનો આભાર માનવા માટે મારી પાસે કોઈ જ શબ્દો નથી. બાકી, સ્પષ્ટ શબ્દોમાં કહું તો આખો ય વર્તમાનયુગ ‘વાસના યુગ’ હોવાની જાણે કે સતત પ્રતીતિ થઈ રહી હોય એવું વાતાવરણ સંસારમાં ચારેય બાજુ ખડકાયું છે. ક્યાં બચવું એ તો પ્રશ્ન છે જ પરંતુ કઈ રીતે બચવું એ તો બહુ મોટો પ્રશ્ન છે. પણ, આપના તરફથી મળેલ માર્ગદર્શને ‘કઈ રીતે બચવું’ એ પ્રશ્નનું બહુ મોટું સમાધાન આપી દીધું છે. વચન આપું છું આપને કે આપના માર્ગદર્શનને આધારે જીવનમાં વાસનાને નિયંત્રણમાં રાખવા તમામ પ્રયાસો હું કરીને જ રહીશ. હવે પુનઃ મૂળ મુદ્દા પર આવું ? શરીર પરનાં વસ્ત્રોનું માપ નક્કી કરવામાં બહુ વાંધો નથી આવતો, પગના બૂટનું માપ પણ આસાનીથી નક્કી કરી શકાય છે, પેટમાં પધરાવાતાં ભોજનનાં દ્રવ્યોનું પ્રમાણ પણ સરળતાથી નક્કી કરી શકાય છે પર્યુ સંપત્તિનું માપ શેં નક્કી કરવું, એ સમજાતું જ નથી. આપના સંસારી અવસ્થાના સમયમાં જે ચીજ જેટલા પૈસામાં મળતી હતી એ જ ચીજ અત્યારે કદાચ એટલા રૂપિયા આપતા ય મળતી નથી. પ ૩૮ સ્પષ્ટ શબ્દોમાં કહું તો આપના સમયમાં વસ્તુઓ સસ્તી હતી, રૂપિયો મોંઘો હતો અર્થાત્ ઓછા રૂપિયામાં ઘણી બધી વસ્તુઓ મળતી હતી જ્યારે આજના કાળે રૂપિયો સસ્તો થઈ ગયો છે, વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે અર્થાત્ થોડીક વસ્તુઓ ખરીદવા ઘણા-બધા રૂપિયા ચૂકવવા પડે છે. આજની આ સ્થિતિ સુધરવાની તો કોઈ આશા નથી બલ્કે વધુ ને વધુ બગડવાની સંભાવના છે. કદાચ એમ કહું કે આજ કરતા આવતીકાલ ખરાબ જ આવવાની છે તો એ ય ખોટું નહીં હોય. હવે આપ જ કહો, વિપુલ સંપત્તિ વિના ભવિષ્યને સુરક્ષિત બનાવી શકાશે ખરું ? અને વિપુલ સંપત્તિ અર્જિત કરવા યુવાવયમાં દોડધામ કર્યા વિના ચાલશે ખરું ? આપ કહો છો કે વિષયવાસના કરતા અર્થલાલસા વધુ ખતરનાક છે અને વધુ ભયંકર છે. આપની એ વાતમાં કદાચ સંમત થઈ પણ જાઉં પરંતુ દાતરડા જેવો પ્રશ્ન એ છે કે ભવિષ્યની સુરક્ષાનું શું ? પારિવારિક જવાબદારીઓનું શું ? સહુની સમાધિનું શું ? મનની સ્વસ્થતાનું શું ? Page #39 -------------------------------------------------------------------------- ________________ જ્ય, આજ કરતા આવતીકાલ ખરાબ આવવાની છે કે નહીં એમાં તો શંકા છે પરંતુ આજ કરતા આવતીકાલે મારા જીવનનો એક દિવસ ઓછો થઈ જવાનો છે એ તો નિશ્ચિત જ છે. સંપત્તિ વધારવાના તારા પુરુષાર્થને પુણ્યના સહારે સફળતા મળી જાય એ સંભવિત છે પરંતુ જીવન લંબાવવાના તારા પુરુષાર્થને સફળતા મળવાની તો કોઈ જ સંભાવના નથી. પ્રશ્ન એ છે કે દુ:ખના સંભિવત આગમનને અટકાવી દેવા નિશ્ચિત મોત તરફ ધકેલાઈ રહેલા જીવનની કીંમતી પળોને નશ્વર એવી સંપત્તિ પાછળ વેડફતા જ રહેવાનું કેટલું ઉચિત છે ? સંમત છું તારી એ દલીલ પાછળ કે આજના કાળે રૂપિયો સસ્તો થઈ ગયો છે અને વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે પરંતુ જવાબ આપ તું કે વસ્તુઓ જ મોંઘી થઈ ગઈ છે કે જરૂરિયાતો પણ વધી ગઈ છે? મોજશોખો પણ વધી ગયા છે? ખર્ચાઓ પણ વધી ગયા છે? આવક પ્રમાણે ખર્ચ કરતા રહેવાની જીવનવ્યવસ્થા ગોઠવાયેલી છે કે ખર્ચ પ્રમાણે આવક વધારતા રહેવાની ઘાતક જીવનવ્યવસ્થા ગોઠવાયેલી છે? શું કહું તને? મોંઘવારી વધી છે, વધી હશે, વધવાની છે એની ના નથી પણ, ટ્રેનમાં જગા નથી. વિમાનો ભરાયેલા છે. ક્રિકેટ મૅચોમાં ટિકિટ મળતી નથી. હોટલોમાં લાઇન છે. હવાખાવાનાં સ્થળોએ કીડિયારું ઊભરાય છે. શરીરો પર મોંઘાદાટ વસ્ત્રો છે. મોબાઇલ વિનાનો કોઈ હાથ નથી. ગાડીઓની સંખ્યાનો કોઈ હિસાબ નથી. ટી.વી. વિનાનું કોઈ ઘર નથી. આ બધા ખર્ચાઓ જીવનમાં જરૂરી છે, એમ? આ બધી વસ્તુઓ અને પ્રવૃત્તિઓ જીવનમાં અનિવાર્ય છે, એમ? એક કડવી પણ વાસ્તવિકતા તને જણાવું? તારા પિતાજીના સમયનું કોઈ વર્તમાનપત્ર તારા હાથમાં આવી જાય તો એ તું વાંચી જજે. તને એમાં ય “મોંઘવારી વધી રહી છે’ ના સમાચાર વાંચવા મળશે! આનો અર્થ ? આ જ કે માણસની ઉંમર જેમ વધતી જ જાય છે. તેમ આ જગતમાં મોંઘવારી પણ સતત વધતી જ જાય છે, વધતી જ જવાની છે. એને પહોંચી વળવા આવક વધારતા રહેવાના પ્રયાસો તને તો શું, કોઈને પણ થકવી જ નાખવાના છે. શ્રેષ્ઠ વિકલ્પ એક જ છે. જરૂરિયાતો ઘટાડી દેવી. ખર્ચાઓ ઘટી જશે. મનની સ્વસ્થતા તારી ટકી જ જશે. માન્ય છે આ વિકલ્પ ? Page #40 -------------------------------------------------------------------------- ________________ મહારાજ સાહેબ, ખર્ચ ઘટાડી નાખવાની આપની સલાહ એકદમ સાચી હોવા છતાં એ દિશામાં પ્રયત્નશીલ બનવું એકદમ મુશ્કેલ લાગે છે. તો સફળ બનવું તો અશક્ય જ લાગે છે. કારણ જણાવું? જેને આપ મોજશોખનાં સાધનો જણાવો છો, આજના કાળે એ સાધનો જરૂરિયાતના સ્થાને જીવનમાં ગોઠવાઈ ગયા છે. ટી.વી., ગાડી, મોબાઈલ, હોટલ, મોંઘાદાટ વસ્ત્રો. આ તમામ સાધનો વિના જીવન ચાલે જ નહીં એ સ્થિતિ આજે બહુજનવર્ગની થઈ ગઈ છે. અને સૌથી વધુ કરુણદશા તો એ સર્જાઈ છે કે પરિવારનો પ્રત્યેક સભ્ય એમ માની બેઠો છે કે ‘મારી પાસે આ તમામ ચીજો હોવી જ જોઈએ” હજી તો બાબો સ્કૂલમાં જ ભણી રહ્યો છે, પણ મોબાઇલ તો એને ય જોઈએ જ છે. બેબી હજી કૉલેજના પ્રથમ વર્ષમાં જ છે. મોબાઇલ ઉપરાંત સ્કૂટર તો એને ય જોઈએ જ છે. યુવાન પુત્ર નોકરીમાં હમણાં જ જોડાયો છે, ગાડી એને જોઈએ જ છે. રવિવાર આવે છે પત્નીને હૉટલમાં જવું જ છે. ઘરમાં નાનકડો પણ કોઈ પ્રસંગ આવે છે, સમાજમાં વટ પાડી જ દેવો છે. આ ખતરનાક માહોલમાં અલ્પ સંપત્તિએ જીવન શું પસાર કરવું, એ સમજાતું જ નથી. એક રાજાને આખી પ્રજા હજી સાચવી લે પણ જ્યાં બધા જ પોતાની જાતને રાજા માનતા હોય ત્યાં પ્રજાજનોની હાલત શી થાય? પરિવારના એકાદ સભ્યના બિનજરૂરી ખર્ચાને હજી કદાચ પહોંચી વળાય પરંતુ પરિવારના બધા જ સભ્યો બિનજરૂરી ખર્ચાઓ કરી રહ્યા હોય અને પાછા એ ખર્ચાઓને જરૂરી માની બેઠા હોય એને તો શું પહોંચી વળાય ? અને હા, આ વેદના મારી એકલાની જ નથી, મારા જેવા અનેકની છે. સહુ મૂછે લીંબુ રાખીને ફરી રહ્યા છે બાકી, અંદરથી તો સહુ તૂટી જ ગયા છે. સીધા રસ્તે પૈસા મળતા નથી, કદાચ મળે છે તો એટલા પૈસામાં ખર્ચામાં પહોંચી વળાતું નથી. ખર્ચાને પહોંચી વળવા આડા રસ્તે કાં તો બીજા રસ્તે કદમ માંડવા જ પડે છે. પપ્પા એકલા કમાતા હતા અને આખું ઘર મજેથી ચાલતું હતું આજે પરિવારનો એક એક સભ્ય કમાઈ રહ્યો છે અને છતાં ખર્ચને પહોંચી વળાતું નથી. કોઈ રસ્તો?. Page #41 -------------------------------------------------------------------------- ________________ જય, એક કામ તું કરીશ ? પરિવારના અન્ય સભ્યોની વાત તું હમણાં એક બાજુએ રાખી દે. તારા પોતાના જીવનના ખર્ચાઓને આંખ સામે રાખીને એમાં તું કયા ક્ષેત્રના કેટલા ખર્ચાઓ ઓછા કરી શકે તેમ છે એ બરાબર તપાસી લે અને એ ખર્ચાઓ ઘટાડવાની દિશામાં તું આગળ વધતો જા. હું તને ખાતરી સાથે કહું છું કે તારી કરકસરસભર જીવનશૈલી તારા પરિવારના અન્ય સભ્યો માટે આદર્શરૂપ પણ બની રહેશે, પ્રેરણારૂપ પણ બની શકશે અને આગળ જતા અનુકરણીય પણ બની રહેશે. થોડા સમય પહેલાં જ મારી પાસે દસેક સભ્યોના પરિવારના વડીલ મળવા આવેલા. એમણે મને જે વાત કરી એ એમના જ શબ્દોમાં; ‘મહારાજ સાહેબ, ઉઘરાણી સલવાઈ જવાથી અને બજારમાં મંદી આવી જવાથી ખર્ચા ઘટાડવા જ પડે એવી સ્થિતિ પરિવારમાં ઊભી થઈ ગઈ હતી. બહુ વિચાર કરતાં મેં એ પ્રયોગ મારાથી જ શરૂ કરવાનો નિર્ણય કર્યો અને એક દિવસ પરિવારના સભ્યો સમક્ષ હળવા વાતાવરણમાં મેં વાત મૂકી, મન પર હમણાં ધંધાનું ઠીક ઠીક પ્રમાણમાં મને ટેન્શન રહે છે, પૂરતી ઊંઘ આવતી નથી અને ખોરાક પણ જોઈએ તેવો પચતો નથી. જો સ્વાસ્થ્ય જ સારું નહીં રહે તો આ ઘર ચાલશે શી રીતે ? એટલે હમણાં થોડાક સમય સુધી મેં ભોજનમાં બે જ દ્રવ્ય વાપરવાનો નિર્ણય કર્યો છે. ૮૧ ૪૧ કાં તો દાળ અને ભાત અને કાં તો રોટલી અને શાક ! પરિવારના સભ્યો મારી વાત સાંભળીને પળભર માટે ચોંકી તો ગયા પણ વાતની રજૂઆત મારી એવી હતી કે કોઈને ય એમાં બીજી કોઈ શંકા ન પડી. બીજા જ દિવસથી આ પ્રયોગ મેં શરૂ તો કરી દીધો પણ પાંચેક દિવસ બાદ મારી પત્નીએ એકાંતમાં મને પૂછ્યું, ‘સાચે જ તમે બે દ્રવ્યો વાપરવાનું શરૂ કર્યું છે એની પાછળનું કારણ તમે જે જણાવ્યું એ જ છે ?’ અને મેં એની સમક્ષ નિખાલસ દિલે મનની વાત જણાવી દીધી અને આશ્ચર્ય ! બીજા દિવસથી એણે પણ બે જ દ્રવ્યો વાપરવાનું શરૂ કરી દીધું ! આપને એ જાણીને આશ્ચર્ય થશે કે ઘીરે ધીરે પરિવારના એક એક સભ્યને હકીકતની જાણકારી થતી ગઈ અને સહુ બે દ્રવ્યો વા૫૨વાના નિર્ણય પર આવી ગયા. આજે અમારા ઘરમાં બપોરના અને સાંજના ભોજનમાં બે દ્રવ્યો જ બને છે. ‘શું વાત કરો છો ?’ ‘સાવ સાચું કહું છું’ ‘કેટલા વખતથી આ વ્યવસ્થા ચાલે છે ?’ ‘છેલ્લાં ત્રણ વરસથી’ ‘ત્રણ વરસથી ?’ ‘હા અને કોઈને ય એની અકળામણ પણ નથી કે એ અંગે અસંતોષ પણ નથી. આર્થિક સ્થિતિ સદ્ધર થઈ નથી પરંતુ ખર્ચાઓ ઓછા થઈ જવાના કારણે સહુની પ્રસન્નતા અકબંધ જળવાઈ ગઈ છે’ આટલું બોલતા બોલતા એ ભાઈની આંખના ખૂણે આંસુનાં બે બુંદ બાઝી ગયા ! ૮૨ Page #42 -------------------------------------------------------------------------- ________________ મહારાજ સાહેબ, એક પરિવારના બધા જ સભ્યો, આર્થિક સંકડામણની ઊભી થઈ ગયેલ સમસ્યાને હલ કરવા, ખર્ચા ઘટાડવા ત્રણ ત્રણ વરસથી બંને ટંક ભોજનમાં બે દ્રવ્યો જ વાપરતા હોય અને એ ય પ્રસન્નતા સાથે, એને હું આ સદીનો ચમત્કાર માનું છું. નિખાલસ દિલે શબ્દો ચોર્યા વિના આપને કહું તો આપના ગત પત્રમાં આપે લખેલ આ સત્ય પ્રસંગ વાંચ્યા પછી પળભર તો આપના માટે ય મનમાં શંકા ઊભી થઈ ગઈ કે “ખરેખર મહારાજ સાહેબ પાસે કોઈ ભાઈએ આવીને પોતાના પરિવારમાં ઊભી થયેલ આ વ્યવસ્થાની વાત કરી હશે કે પછી મહારાજ સાહેબે પોતાના ભેજામાંથી આ કથા ઊભી કરી દીધી હશે ?” પણ, એ નબળો વિચાર મનમાં લાંબા સમય સુધી ટક્યો નહીં કારણ કે આપની પાસે જે સંયમજીવન છે એ સંયમજીવનમાં જૂઠને કોઈ સ્થાન નથી અને આપને આવી કથા ઊભી કરીને મને જણાવવામાં આપનો કોઈ સ્વાર્થ નથી. આ વિચારે આપના પ્રત્યે, આપના કથનની સત્યતા અંગે મનમાં ઊભી થઈ ગયેલ શંકા દૂર તો થઈ ગઈ પણ હૃદયના પૂર્ણ અહોભાવ સાથે એ પરિવારના એક એક સભ્યના ચરણમાં હું વંદન કરું છું. અંગત રીતે મને એમ લાગે છે કે સંપત્તિની વિપુલતા વચ્ચે કરોડોનું દાન આપી દેવું એકવાર કદાચ સહેલું છે પરંતુ જાલિમ આર્થિક સંકડામણ વચ્ચે જમવામાં માત્ર બે જ દ્રવ્યો વાપરવા તૈયાર થઈ જવું એ અતિ અતિ કઠિન છે. આપને કદાચ વિશ્વાસ નહીં બેસે પણ એ હકીકત છે કે આપે લખેલ આ પ્રસંગે મને મારા જીવન અંગે ખૂબ ગંભીરતાથી વિચાર કરતો કરી મૂક્યો છે. હું જમવામાં બે દ્રવ્ય પર ન આવી જાઉં પણ જીવનમાં સંખ્યાબંધ મોજશોખના બિનજરૂરી ખર્ચાઓ જે મેં ઊભા કરી દીધા છે એના પર તો હું નિયંત્રણ મૂકી જ શકું છું ને? આજે મારી પાસે ત્રણ તો મોબાઇલ છે. દર અઠવાડિયે એકાદ વાર તો પંચતારક હૉટલમાં હું જાઉં જ છું. મિત્રો સાથે અવારનવાર પિશ્ચરો જોવાનું પણ બને છે. ફૅશન બદલાતાં કપડાં બદલાવી દઉં છું તો મૉડલ બદલાતાં મોબાઇલ પણ બદલાવી દઉં છું. હવા ખાવાનાં સ્થળોએ ફરવા જવાનું પણ ચાલુ છે તો પૈસાની છૂટ હોવાના કારણે ટ્રેનને બદલે વિમાનને જ મુસાફરી માટે વધુ પસંદ કરું છું. આ તમામ ક્ષેત્રોના ખર્ચાઓ પર જો હું કાપ મૂકવા માગું છું તો એમાં મને કોઈ જ તકલીફ પડે તેમ નથી અને આ કાપ મારા અંગત જીવનના મોજશોખોને અસર કરતો હોવાથી એમાં મારા પરિવારના સભ્યો કોઈ હસ્તક્ષેપ કરે. એવી શક્યતા ય નથી. આપ મને આશીર્વાદ પાઠવશો કે અર્થલાલસાની અંતરમાં બેઠેલી આગની તીવ્રતાને ઘટાડવાના મારા દ્વારા શરૂ થનારા આ પ્રયાસોમાં મને સફળતા મળીને જ રહે. આખરે સમ્યક સમજણ આપવાના આપના પુરુષાર્થને મારે અલ્પાંશે પણ સફળ તો કરવો જ પડશે ને? Page #43 -------------------------------------------------------------------------- ________________ જય, ખર્ચ ઘટાડવા મોજશોખ પર અને બિનજરૂરી ખર્ચાઓ પર કાપ મૂકી દેવાના તેં કરેલા નિર્ણયની વાત તારા ગત પત્રમાં વાંચી ખૂબ આનંદ થયો. અંતરના આશીર્વાદ આપું છું કે એ નિર્ણયના અમલમાં મર્દાનગીપૂર્વક તું આગળ વધતો રહે અને એના ફળસ્વરૂપે તું મનની શાંતિ અને હૃદયની પવિત્રતા અનુભવીને જ રહે. એક વાત તને હું ખાસ યાદ કરાવવા માગું છું કે વિપુલ સંપત્તિના બીજાં તો જે પણ અનિષ્ટો હોય તે પણ એક મોટામાં મોટું અનિષ્ટ એ છે કે સમૃદ્ધિ, સંબંધોની વ્યવસ્થામાં કલ્પનાતીત ગાબડાંઓ પાડતી રહે છે. એક વાત તો તે જોઈ જ હશે કે જ્યાં ગોળ હોય છે ત્યાં માખીઓ પુષ્કળ પ્રમાણમાં આવતી હોય છે. બસ, એ જ ન્યાયે જ્યાં સંપત્તિ વિપુલ પ્રમાણમાં હોય છે ત્યાં સબંધો બાંધવા અને વધારવા પુષ્કળ લોકો આવતા રહેતા હોય છે. આ લોકોમાં સજાતીય પણ હોય છે તો વિજાતીય પણ હોય છે, સજ્જનો પણ હોય છે તો દુર્જનો પણ હોય છે, કલ્યાણ મિત્રો પણ હોય છે તો લબાડ મિત્રો પણ હોય છે. અને મન તો પાણી જેવું છે. પાણીને આગને સમર્પિત બની જઈને ઊર્ધ્વયાત્રાએ નીકળી જવું જેટલું ફાવે છે એના કરતા ઢાળના શરણે જઈને અધોયાત્રાએ ચાલ્યા જવું વધુ ફાવે છે. બસ, એ જ રીતે મન સજાતીય કરતાં વિજાતીયના સંગને વધુ ઝંખતું હોય છે. ૫ ૪૩ સજ્જન કરતાં દુર્જન સાથે એને વધુ જામતું હોય છે. કલ્યાણમિત્રો કરતાં લબાડ મિત્રો એની પસંદગીમાં વધુ આગળ રહેતા હોય છે. હિતની વાત કરતાં સુખની વાત કરનારા એને વધુ જામતા હોય છે અને સંપત્તિની વિપુલતા પતનની ગર્તામાં ધકેલાઈ જવા તત્પર મનને બધી જ સામગ્રીઓ અને અનુકૂળતાઓ ઉપલબ્ધ કરાવી આપતી હોય છે. તારે જોઈ લેવું હોય તો જોઈ લેજે. લગ્નેતર સંબંધોનું પ્રમાણ તને ગરીબો કરતા શ્રીમંતોમાં વધુ જોવા મળશે. ચાલાકીપૂર્વકના અપરાધો તને અભણ કરતા શિક્ષિતોમાં વધુ જોવા મળશે. હોશિયારીપૂર્વકની કત્લેઆમો તને ગામડાં કરતાં શહેરોમાં વધુ જોવા મળશે. સ્વજનો પ્રત્યેની બેવફાઈ તને નાના માણસો કરતા મોટા માણસોમાં વધુ જોવા મળશે. કારણ ? આ એક જ. કાં તો સંપત્તિની વિપુલતા અને કાં તો વિપુલ સંપત્તિ પાછળની આંધળી દોટ ! જય. માત્ર ખર્ચાઓ ઓછા કરવા જ મોજશોખોથી દૂર રહેવાનું લક્ષ્ય તું ન રાખતો. સંબંધોની પવિત્રતા ટકાવી રાખવા, પાપોની માત્રામાં કડાકો બોલાવતા રહેવા, જીવનને સ્વસ્થ રાખવા અને પરલોકને સદ્ધર બનાવવા ય તું વિપુલ સંપત્તિના લક્ષ્યથી તારા મનને દૂર રાખજે. Page #44 -------------------------------------------------------------------------- ________________ મહારાજ સાહેબ, આપની વાત સાચી છે. સંપત્તિ વિપુલ થયા બાદ સંબંધોમાં વફાદારી જાળવી રાખવી ખૂબ મુશ્કેલ છે અને એમાં ય આજના ‘નૈતિકતા'ને ચૌદમી સદીની દેન માનનારા જમાનામાં તો અતિ મુશ્કેલ છે. આપને મારા મનની એક વેદના જણાવું? મારી બહેન પણ એક કંપનીમાં નોકરી કરી રહી છે. એનાં સંસ્કારો ખૂબ સારા છે, વાણીનું માધુર્ય પણ એની પાસે ગજબનું છે પણ રૂપ એનું ભલભલાને મોહી લે તેવું છે. અને આ રૂપ જ અત્યારે એનું દુશ્મન બની રહ્યું છે. જે કંપનીમાં એ કામ કરી રહી છે એ કંપનીમાં કામ કરી રહેલા અન્ય યુવકોની હવસખોર નજરથી એ વાજ આવી ગઈ છે. આમેય મોટી કંપનીઓમાં કામ કરતી યુવતીઓને વસ્ત્રો એવા જ પહેરવા પડતા હોય છે કે સહુની નજર એમના પર ચોટેલી જ રહે. મારી બહેન પાસે એક બાજુ આકર્ષકરૂપ છે તો બીજી બાજુ વાણીનું મસ્ત માધુર્ય છે. એમાં એના શરીરને શોભાવતાં વસ્ત્રો આકર્ષક હોય છે. આ સ્થિતિમાં એ હવસખોર નજરથી જાતને બચાવી શકે એ વાતમાં કોઈ માલ જ નથી. ઇચ્છું છું હું કે આપ આ સ્થિતિ પર કંઈક પ્રકાશ પાડો. જય, કંપનીઓમાં ‘જૉબ' કરી રહેલ યુવતીઓ હવસખોર નજરની કેવી શિકાર બની રહી છે એ હકીકત તો જગજાહેર છે. એટલે એ અંગે તો હું હમણાં તને કશું જ લખવા માંગતો નથી પણ મારે એક અલગ જ હકીક્ત પર તારું ધ્યાન દોરવું છે જેની વાત હું તને અત્રે લખી રહ્યો છું. પૈસા કમાવાની જવાબદારી જો પુરુષની છે તો પરિવાર સાચવવાની જવાબદારી સ્ત્રીની છે. બુદ્ધિના માધ્યમે ઘરાકોને એક તાંતણે બાંધી રાખવાનું કામ જો પુરુષે કરવાનું છે તો હૃદયના માધ્યમે પરિવારના સભ્યોને એક તાંતણે જોડી રાખવાનું કામ સ્ત્રીએ કરવાનું છે. બજારની સમસ્યાઓ સંઘર્ષો કરીને પણ જો પુરુષે હલ કરવાની છે તો ઘરની સમસ્યાઓ સમાધાનો કરતા રહીને સ્ત્રીએ હલ કરવાની છે. આજે ‘જોંબ' કરી રહેલ યુવતી, આવતી કાલે કો'કની પત્ની બન્યા પછી પણ ‘જૉબ કર્યા વિના રહી શકશે એ સંભાવના ઓછી છે. અને સાંભળવા મુજબ તો આજે યુવતી લગ્ન કરતા પહેલાં જ શરત મૂકી રહી છે કે લગ્ન પછી ય હું ‘જોંબ' તો ચાલુ જ રાખીશ અને યુવતીની આ શરત એનો થનારો પતિ મજેથી સ્વીકારી રહ્યો છે !] પત્ની બનેલી યુવતી, માતા બન્યા પછી ‘જબ” છોડી જ દેશે એ પણ કહેવું મુશ્કેલ છે. જો પત્ની અને માતા બન્યા પછી પણ યુવતીએ પરિવાર ન જ સાચવવાનો હોય, સાસુ-સસરાની સેવા-ભક્તિ ન જ કરવાની હોય, સુસંસ્કારોનું આધાન કરવા બાળકોને સમય ન જ આપવાનો હોય, હૃદયનો પ્રેમ રેડીને જો રસોઈ ન જ બનાવવાની હોય, પ્રકૃતિદત્ત લાગણીના માધ્યમે જો સહુનો પ્રેમ ન જ જીતવાનો હોય તો પછી હું નથી માનતો કે ઈટ-ચૂનાના બનેલા મકાનને ઘર’નું ગૌરવ આપવામાં એ યુવતીને સફળતા મળે ! Page #45 -------------------------------------------------------------------------- ________________ જય, પૃથ્વી પાસે પર્વતનું કામ જો ન જ કરાવાય, પાણી પાસે બરફનું કામ જો ન જ કરાવાય, દૂધ પાસે દહીંનું કામ જો ન જ કરાવાય તો સ્ત્રી પાસે પુરુષનું કામ શું કરાવાય? અલબત્ત, મને બરાબર ખ્યાલ છે કે આજના “સ્ત્રી-સ્વાતંત્ર્ય'ના અને સ્ત્રી-સમાનતા'ના નારાવાળા આ યુગમાં મારી આ વિચારસરણીને સુધારકો કદાચ ચોપડી ચોપડીને ગાળો દેશે. ‘આ બાવાઓ કોણ જાણે કઈ સદીમાં જીવી રહ્યા છે !' ની વાતો કરતા રહીને મારી મશ્કરી પણ કરતા રહેશે પણ તો ય એ સહુ પ્રત્યેના હૃદયના સદ્ભાવને અકબંધ રાખીને હું તને કહું છું કે જોંબ'માં પાંચ-પાંચ આંકડાનો પગાર લાવતી યુવતી સફળ સ્ત્રી બની શકશે, ચાલાક અને હોશિયાર સ્ત્રી બની શકશે, પોતાના પગ પર ઊભી રહી જતી સ્વતંત્ર સ્ત્રી બની શકશે શું કહું તને? ‘અમે બે-અમારા બે’ આ સૂત્ર ઘરમાંથી મા-બાપને દૂર કરી દીધા છે તો ‘સ્ત્રી-સ્વાતંત્ર્ય' અને ‘સ્ત્રી-સમાનતા” ના આ સદીમાં શરૂ થયેલ નારાએ સ્ત્રીમાં રહેલા “માતૃત્વ'ને, સ્ત્રીમાં રહેલા “કોમળપણાં'ને, સ્ત્રીમાં રહેલ ‘હૃદય’ને દૂર કરી દેવાનું ગોઝારું કામ ચાલુ કરી જ દીધું છે. એક સમય હતો કે જ્યારે એમ કહેવાતું હતું કે ‘તમારા પુત્ર માટે પત્ની પસંદ કરવી હોય તો સારી યુવતી પસંદ ન કરશો, સારી માતાની પુત્રી પસંદ કરજો’ ખેદ સાથે કહેવું પડે છે કે આજે બજારમાં સારી યુવતીઓ થોકબંધ મળે છે, ઘરોમાં સારી માતાઓ મળવાનું મુશ્કેલ બની રહ્યું છે. બુદ્ધિશાળી યુવતીઓનો કદાચ આટલાં વરસોમાં જોવા ન મળ્યો હોય એવો સુકાળ પ્રવર્તી રહ્યો છે, લાગણીશીલ માતાઓનો આટલાં વરસોમાં જોવા ન મળ્યો હોય એવો દુષ્કાળ પ્રવર્તી રહ્યો છે. સ્વતંત્રતા'ના નામે ‘સ્વચ્છંદતાને પોષી રહેલ યુવતીઓથી આખું બજાર ઊભરાઈ રહ્યું છે ‘સમર્પણ'ના માધ્યમે સમસ્ત પરિવારને પોતાનો’ બનાવી દેતી માતાઓની સંખ્યામાં રોજેરોજ કડાકો બોલાતો જાય છે. વૃક્ષ વિનાના જગતની તું કલ્પના કરી જોજે. આજે જગત જનની વિનાનું બની જવાના માર્ગ પર ધસી રહ્યું છે ! રે કરુણતા ! પણ પ્રેમાળ પત્ની બની શકશે કે કેમ એમાં શંકા છે. વાત્સલ્યમયી માતા બની શકશે કે કેમ એમાં શંકા છે. પરિવારના સહુ સભ્યો માટે ઘેઘૂર વડલા જેવી બની શકશે કે કેમ એમાં શંકા છે. પરિવારમાં બુદ્ધિથી ઊભા થતા પ્રશ્નોને હૃદયની સૂઝ-બૂઝથી ઊકેલી નાખતી જાજરમાન દાદી બની શકશે કે કેમ એમાં શંકા છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ મહારાજ સાહેબ, હું આંગી. જયની નાની બહેન. જ્યારથી જયનો આપની સાથે પત્રવ્યવહાર શરૂ થયો છે, સંપૂર્ણ વ્યવહાર મને જય તરફથી વાંચવા મળ્યો છે. વિષયવાસના કરતાં અર્થલાલસા કેટલી બધી વધુ ભયંકર છે એની આપે કરેલ તર્કબદ્ધ રજૂઆતો મેં પૂરી ગંભીરતાથી વાંચી છે. વિષયવાસનાના ક્ષેત્રના આપે જણાવેલ ચાર વિકલ્પો ભોગ-દમન-ભક્તિ અને જ્ઞાન - પરની ચર્ચા પણ મેં ખૂબ શાંતિથી વાંચી છે. જય પરના આ પત્રવ્યવહારે જયના જીવનમાં કેવું ગજબનાક પરિવર્તન લાવી દીધું છે એ હું નજરોનજર નિહાળી રહી છું. મહત્ત્વની વાત તો એ છે કે અવારનવાર નવરાશની પળોમાં મેં અને જયે, આપના પત્રોમાં મળેલ માર્ગદર્શન પર મુક્ત મને ચર્ચાઓ પણ કરી છે. અને સાચું કહું તો આ માર્ગદર્શન માત્ર જય માટે જ મને ઉપયોગી નથી લાગ્યું, મારા માટે પણ એટલું જ ઉપયોગી હોવાનું મને લાગ્યું છે અને એમાં ય આપના છેલ્લા બે પત્રોએ તો મને રીતસરની હચમચાવી નાખી છે. આપ નહીં માનો પણ છેલ્લા બે દિવસથી હું સૂતી પણ નથી અને ‘જૉબ’ માટે કંપનીમાં ગઈ નથી. દિવસ અને રાત મનમાં, પત્રમાં આપે લખેલ વાતો જ ઘૂમરાઈ રહી છે. ૯૧ ૪૬ મનમાં એક પ્રશ્ન હથોડાની જેમ ઠોકાઈ રહ્યો છે. ‘મારે સફળ સ્ત્રી બનવું છે કે સુશીલ પત્ની અને વાત્સલ્યમયી માતા બનવું છે ? પાંચ આંકડાની રકમનો પગાર લાવતા રહીને પતિની સામે ‘હું મારા પગ પર ઊભી રહી શકું છું’ એવો દાવો કરતા રહીને મારે અહં પુષ્ટ કરતા રહેવું છે કે સુશીલ પત્ની અને વાત્સલ્યમયી માતા બન્યા રહીને પતિના અને પુત્રોના હૃદયમાં મારે સ્થાન જમાવી દેવું છે ? આ વયમાં જૉબ માટે કંપનીમાં કલાકો સુધી કામ કરતા રહીને હવસખોર યુવકોની વિકારી નજરના મારે સતત શિકાર બનતા રહેવું છે કે ઘરમાં રહીને મમ્મીને ગૃહકામમાં મદદ કરતા રહીને, મમ્મી પાસેથી એમના જીવનના અનુભવો સાંભળતા રહીને, મારે આદર્શ ગૃહિણી બનવા જાતને તૈયાર કરતા રહેવું છે ? મહારાજ સાહેબ, અત્યારે આ પત્ર આપને લખી રહી છું ત્યારેય આંખમાંથી આંસુઓ વહી રહ્યા છે. જો આપનો આ પત્રવ્યવહાર મારા વાંચવામાં આવ્યો જ ન હોત, વિષયવાસના અને અર્થલાલસા વચ્ચેની ભયંકરતા સમજવાની જયની જિજ્ઞાસા સંતોષવાની આપે જો ઉદારતા ન કરી હોત તો જીવન પરિવર્તનના જે તબક્કે આજે જય આવીને ઊભો છે અને ‘જૉબ’ છોડી દેવાની જે મંગલ વિચારણાથી મારું મન અત્યારે વ્યાપ્ત બની ગયું છે એમાંનું કશું જ શક્ય બન્યું જ ક્યાં હોત ? મહારાજ સાહેબ ! આપની પુત્રી તુલ્ય આ આંગીને આપે સાચે જ ઉગારી લીધી છે ! ૯૨ Page #47 -------------------------------------------------------------------------- ________________ આંગી. તારો પત્ર વાંચતા મારી આંખો પણ સજળ બની ગઈ. સાચું કહું તો મેં કલ્પના ય નહોતી કરી કે જય અને મારા વચ્ચે ચાલી રહેલ પત્રવ્યવહાર તું ય વાંચતી હોઈશ અને પત્રવ્યવહારમાંના મુદ્દાઓ પર તું અને જય સાથે બેસીને ચર્ચાવિચારણા કરતા હશો ! આ તો તારો પત્ર આવ્યો ત્યારે મને એની જાણ થઈ ! ચાલો સારું થયું, પત્રવ્યવહારના માધ્યમે તમને બંનેને સરસ અને સમ્યક્ માર્ગદર્શન તો મળી ગયું ! બાકી આંગી, એક વાત તને કર્યા વિના રહી શકતો નથી કે આજના યુગની તાસીર આંખ સામે રાખજે કે આ યુગ યુવા સ્ત્રી-શરીરને શેરડીના સાંઠાથી જરાય વિશેષ માનતો નથી. શેરડીના સાંઠાના થઈ રહેલ વખાણ આખરે તો શેરડીના સાંઠાને જેમ કૂચામાં જ ફેરવી નાખતા હોય છે તેમ તારા જેવી સંખ્યાબંધ આંગીઓના રૂપના થઈ રહેલ વખાણ એ રૂપને ચૂંથી નાખીને જ રહેતા હોય છે. તારી આંખ સામે જ છે ને સંસારનો આખો ય બજાર ! ક્યાંય તને લાગે છે ખરું કે સ્ત્રીના ‘માતા’ના સ્વરૂપને, ‘ભગિની'ના સ્વરૂપને, ‘પુત્રી’ના સ્વરૂપને કે ‘સુશીલ પત્ની’ના સ્વરૂપને પ્રગટ કરવામાં બજારને રસ છે ? ના, બજારને એક જ રસ છે સ્ત્રીના ‘ભોગ્યા’ના સ્વરૂપને જ પ્રગટ કરતા રહેવામાં ! ૯૩ ४७ અને સ્ત્રી પોતે એ રીતે પ્રગટ થઈ જવા તૈયાર છે. ‘મૉડલ’ બનવા મળતું હોય, ‘અભિનેત્રી’ બનવા મળતું હોય, ‘વિશ્વસુંદરી’ બનવા મળતું હોય, અરે, પૈસા ચિક્કાર મળતા હોય તો ઊભી બજારે ‘શેરડીનો સાંઠો' બની જવા એ તૈયાર છે. નથી એ પોતાનાં મા-બાપની શરમ રાખવા તૈયાર કે નથી એ પોતાના કુળની પરંપરાને આંખ સામે રાખવા તૈયાર ! આંગી, મારી તને એક જ સલાહ છે. પરિવાર તારો જો આર્થિક સંકડામણ ન અનુભવતો હોય અને ‘સફળ સ્ત્રી’ બની જવાના ધખારા તારા મનમાં ન રમતા હોય તો ‘જૉબ’ને વહેલામાં વહેલી તકે રામ રામ કરી દે. અલબત્ત, એ માટે મન સાથે સંઘર્ષ તારે જોરદાર કરવો પડશે, કદાચ તારી બહેનપણીઓને તારે નારાજ પણ કરવી પડશે પણ દૃઢ નિર્ણય કરીને તું જો એકવાર ‘જૉબ’ ને છોડી દેવાનું સત્ત્વ કેળવી લઈશ તો ખાતરી સાથે તને કહું છું કે ભાવિમાં તું પવિત્ર એવું સંયમજીવન પામીને કદાચ સાધ્વી નહીં પણ બની શકે તો ય સુશીલ પત્ની, વાત્સલ્યમયી માતા અને ઉત્તમ સુશ્રાવિકા તો બની જ રહીશ ! ૯૪ Page #48 -------------------------------------------------------------------------- ________________ મહારાજ સાહેબ, આપનો પત્ર વાંચ્યો. એક વાત આપને જણાવી દઉં કે આ આંગી કરાટે ચૅમ્પિયન, છે એટલે એના શરીર સાથે એની ઇચ્છા વિના કોઈ અડપલું. કરી જાય એ વાતમાં કોઈ માલ નથી. આમ છતાં આપે પત્રમાં ‘સફળ સ્ત્રી, સુશીલ પત્ની અને વાત્સલ્યમયી માતા’ આ ત્રણ વિકલ્પો પર જે પ્રકાશ પાથર્યો છે એના પર ખૂબ ગંભીરતાથી વિચારતા મને એમ લાગ્યું છે કે જો મારે સુશીલ પત્ની અને વાત્સલ્યમયી માતા બન્યાં રહેવું હોય તો સફળ સ્ત્રી બનાવતા ‘જબ'ના વિકલ્પ પર પૂર્ણવિરામ મુકી જ દેવું જોઈએ. મારો આ વિચાર મેં જય સમક્ષ રજૂ કર્યો. પળની ય વાર લગાડ્યા વિના જ મારા આ વિચાર પર સંમતિની મહોરછાપ લગાવી તો દીધી પણ એણે મને સલાહ આપી કે “જબ છોડી જ દેવાનું પાકું કરતા પહેલાં એકવાર મમ્મી-પપ્પા સમક્ષ આ વાત તારે મૂકી દેવી જોઈએ.' શું લખું આપને ? રાતના સમયે મમ્મી-પપ્પા સમક્ષ મેં આ વાત મૂકી અને પપ્પાએ મને જે વાત કરી એ એમના જ શબ્દોમાં હું આપને લખી જણાવવા માગું છું. એમણે જણાવ્યું મને કે “આંગી, સંપત્તિ એ જો પુરુષની મૂડી છે તો શરીર એ સ્ત્રીની મૂડી છે. તે એક પણ પુરુષને એવો જોયો ખરો કે જે સહુની વચ્ચે પોતાની પાસે રહેલ સંપત્તિ ખુલ્લી મૂકી દેતો હોય? જો ના, તો મારે એટલું જ કહેવું છે કે પુરુષ પોતાની સંપત્તિને જો ગોપનીય જ રાખે છે તો સ્ત્રીએ પણ પોતાના શરીરને ગોપનીય જ રાખવું જોઈએ. તને એક વાતની યાદ કરાવી દઉં કે પુરુષની સંપત્તિનું આકર્ષણ સ્ત્રીને કદાચ નથી પણ હોતું પણ સ્ત્રીના શરીરનું આકર્ષણ તો પુરુષને સદાયને માટે ઊભું જ હોય છે અને એમાં ય આજના કાળની તો કોઈ વાત જ થાય તેમ નથી. તું પુખ્ત પણ છે અને પરિપક્વ પણ છે એટલે એ અંગે હું તને લંબાણથી કોઈ વાત કરવા નથી માગતો પણ એટલું તો ચોક્કસ કહીશ કે તારામાં અને જયમાં આજે જે સંસ્કારો છે એનો તમામ યશ તારી મમ્મીના ફાળે જાય છે. તમારાં બંનેનું ઘડતર કરવામાં એણે સમયનો જે ભોગ આપ્યો છે, પોતાના મોજશોખોને જે પ્રસન્નતાપૂર્વક એણે જતા કર્યા છે એની જાણ તો મને એકલાને જ છે. ‘જોંબ' છોડી દેવાનો તારો જો મક્કમ નિર્ધાર હોય તો એમાં મારી પ્રસન્નતાપૂર્વકની સંમતિ છે. અલબત્ત, પાંચ આંકડાનો તારો પગાર આ ઘરમાં આવતો બંધ થઈ જશે એ હકીકત હોવા છતાં ખર્ચાઓ ઘટાડતા રહીને સ્વસ્થતાપૂર્વક ખુમારી સાથે જીવન જીવતા રહેવાની કળા આપણા સહુ પાસે છે. એટલે એ અંગે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તે ખુશીથી જબ છોડી શકે છે. મહારાજ સાહેબ, આશીર્વાદ પાઠવશો આપ કે જૉબ છોડી દીધા બાદ મારી પાસે જે પણ સમય બચશે એ સમયનો સદુપયોગ કરતા રહેવામાં મને કોઈ જ પ્રકારની તકલીફ ન પડે ! e૫ Page #49 -------------------------------------------------------------------------- ________________ આંગી, ‘જબ' છોડી દેવાના તારા નિર્ણયના સમચાર વાંચી મને ખૂબ આનંદ થયો છે. બાકી, એક વાતનો હું તને ખુલાસો કરી દઉં કે ‘જબ' કરનારી દરેક યુવતી ભાવિમાં સુશીલ પત્ની કે વાત્સલ્યમયી માતા નથી જ બની શકતી કે નથી જ બની શકવાની એવું મારું કહેવું નથી પણ એટલું જ કહેવું છે કે ‘જબ'નું ચક્કર એવું છે કે એ આદતરૂપ બની જાય એવી પૂરી શક્યતા છે. ઘરની બહાર જ રહેવું, શારીરિક શ્રમથી બચતા જ રહેવું, ઘરની જવાબદારીઓ પ્રત્યે બે-ધ્યાન જ રહેવું, બની-ઠનીને જ બહાર નીકળતા રહેવું, છૂટથી પૈસા ખર્ચતા રહેવું, મિત્રવર્ગ બહોળો બનાવતા જ રહેવું. આ વૃત્તિ-પ્રવૃત્તિ આદતરૂપ બની ગયા પછી એનાથી છુટકારો મેળવતાં નવ-નેજાં પાણી ઊતરી જાય એવી શક્યતા જરાય ઓછી નથી. હું તો તને જ કહું છું. તું ‘જબ છોડી રહી છે ને? એ છોડતા પહેલાં સમયનું આયોજન [Planing] ખાસ કરી લેજે. કારણ કે સમય બચાવવાની કળા આત્મસાત્ કરતા પહેલાં સમયને વાપરવાનું આયોજન જેની પાસે નથી હોતું એ વ્યક્તિ બચેલો સમય શેતાનના ચરણે ધરી દે એ સંભાવના પૂરેપૂરી છે. મને ખ્યાલ નથી પણ ‘જૉબ' માં ઓછામાં ઓછા તારા દસેક કલાકે તો જતા જ હશે ને? જૉબ” છોડી દીધા પછી એ બધો જ સમય તારી પાસે બચવાનો છે. તારે એના સમાયોજન અંગે અત્યારથી જ વિચારી લેવું પડશે. બાકી, મારા તને અંતરના આશીર્વાદ છે કે જે મંગળ ઉદ્દેશ્ય સાથે તું તારી જીવનવ્યવસ્થા બદલવા તૈયાર થઈ ગઈ છે એ ઉદ્દેશ્યને આંબવામાં પ્રભુની કૃપાથી તને સફળતા મળીને જ રહે. સાચું કહું તો મને કલ્પના નહોતી કે વિષયવાસના અને અર્થલાલસાને કેન્દ્રમાં રાખીને જય સાથે શરૂ થયેલ આ પત્રવ્યવહાર આટલો બધો લાંબો ચાલશે અને એના ફળસ્વરૂપે જય ખર્ચા ઘટાડી દેવાની દિશામાં આગળ વધવાનો નિર્ણય કરી બેસશે અને તું જૉબ છોડી દેવાનો નિર્ણય કરી બેસીશ. પણ તમે બંને ભાઈ-બહેન જ્યારે આ નિર્ણય કરી જ ચૂક્યા છો ત્યારે તમને બંનને મારી ખાસ સલાહ છે કે વૃક્ષની જે ડાળીને મૂળમાંથી રસ મળતો બંધ થઈ જાય છે એ ડાળી સૂકાઈ જઈને ખરી પડે છે. એ વાસ્તવિકતાને આંખ સામે રાખીને આપણાં સહુના જીવન વૃક્ષના મૂળમાં રહેલા પ્રભુથી છૂટા પડી જવાની ભૂલ ક્યારેય ન થઈ જાય એની ખાસ તકેદારી રાખજો. કારણ? જગત કહે છે, સુખ મેળવી લો. જીવનમાં શાંતિ અનુભવાશે. પ્રભુ કહે છે, મનની શાંતિ અનુવતા રહો, જીવનમાં પછી સુખ જ સુખ છે. ટૂંકમાં સુખ-શાંતિ નહીં પણ શાંતિ-સુખ ! જીવન સફળ છે, સાર્થક છે અને સરસ છે ! ૯૩ Page #50 -------------------------------------------------------------------------- ________________ મહારાજ સાહેબ, પત્રવ્યવહારની સમાપ્તિના ટાણે આ છેલ્લો પત્ર અમે બંને ભાઈ-બહેન, આપને લખી રહ્યા છીએ. ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે આપનો કે અર્થલાલસા અને વિષયવાસનાના જે વિષય સાથે આપને નહાવા-નિચોવાનો ય સંબંધ નથી એ વિષય અંગેની અમારી જિજ્ઞાસાને સંતોષવા આપે આપના સંયમજીવનનો બહુમૂલ્ય સમય આપીને અમારી જિજ્ઞાસાનું સમાધાન કરી દીધું છે. આપના જીવનની મસ્તી-આનંદ અને પ્રસન્નતા અત્યારે તો અમારી કલ્પનાના જ વિષય છે. છતાં પત્રવ્યવહારના માધ્યમે આપે જે કાંઈ લખ્યું છે અને સમજાવ્યું છે એ પરથી ખ્યાલ આવે છે કે અર્થ-કામથી દૂર રહેવામાં જીવનની સ્વસ્થતા અને મનની પ્રસન્નતા કેવી ગજબનાક ટકી રહે છે ! અલબત્ત, અમારા બંનેની વર્તમાન મનઃસ્થિતિ જોતાં આજે તો અમને નથી લાગતું કે નજીકના ભવિષ્યમાં, આપની પાસે અત્યારે જે જીવન છે એ જીવનના અને સ્વામી બની શકીએ છતાં અમે બંને આપને એટલું તો વચન આપીએ જ છીએ કે અમારો અર્થપુરુષાર્થ કાયમ માટે નીતિ નિયંત્રિત જ રહેશે અને અમારો કામપુરુષાર્થ કાયમ માટે સદાચાર નિયંત્રિત જ રહેશે. અર્થની અમારી લાલસાને અમે ક્યારેય લોભાંધતામાં રૂપાંતરિત થવા નહીં દઈએ તો વિષયોની અમારી વાસનાને અમે ક્યારેય કામાંધતામાં રૂપાંતરિત થવા નહીં દઈએ. આશીર્વાદ આપજો આપ કે અમારા અત્યારના આ સંકલ્પના અમલમાં અમે ક્યાંય કાચા ન પડીએ કે ક્યાંય પાછા ન પડીએ. આખરે સમ્યક્ પુરુષાર્થને પૂજ્ય પુરુષોના આશીર્વાદનું બળ મળવું તો જોઈએ જ ને? જય- ગી, પત્રવ્યવહારની વિદાય વેળાએ એટલું જ કહીશ કે ખરાબ શરૂઆત ભલે સુધારી શકાતી નથી, પણ સારો અંત લાવવો એ તો મનુષ્યના હાથની જ વાત છે. વીતેલા ભૂતકાળને ભૂલી જઈને હાથમાં રહેલ વર્તમાનનો તમો બંને એવો સદુપયોગ કરતા રહો કે આવનારું ભાવિ ઉજ્જવળ બનીને જ રહે. અલબત્ત, તમોએ જે મંગળ સંકલ્પ ર્યો છે. એના અમલ માટે સંસારનું આખું ય વાતાવરણ પ્રતિકૂળ છે. વાવાઝોડાના પવને વચ્ચે દીપકને જલતો રાખવા જે સાવધગીરી રાખવી પડે, ગુંડાઓના સમૂહ વચ્ચે સંપત્તિ સાચવી રાખવા જે હિંમત કેળવવી પડે, વાતાવરણની પ્રદૂષિતતા વચ્ચે તંદુરસ્તી જાળવી રાખવા જે જાગૃતિ રાખવી પડે એના કરતાં અનેકગણી સાવધગીરી, હિંમત અને જાગૃતિ તમારે તમારા સંકલ્પને વળગી રાખવા દાખવવી પડશે અને તો ય કહું છું કે લાખો ચમત્કારો રોજ થાય છે, આશા ક્યારેય ગુમાવશો નહીં. પ્રભુની અનંત કરુણા, ગુરુવર્યાની પરમ કૃપા તમારી સાથે જ છે. જય ! જીવનમાં તુ વિજય મેળવતો જ રહે. આંગી ! શીલના અલંકારોની આંગીથી તારું જીવન દેદીપ્યમાન બનાવતી જ રહે. તમને બંનેને મારા અંતરના આશીર્વાદ છે. ૧00 Page #51 -------------------------------------------------------------------------- ________________ પુણ્ય પણ નથી, પેટ પણ નથી ઘંટના અવાજને સાંભળવા કાન એકદમ સતેજ ન હોય તો ય ચાલી જાય છે પરંતુ દૂધ તમારી સામે હાજર છે, સાકરનો ડબ્બો પણ તમારી સામે જ પડ્યો છે. દૂધમાં સાકર તમારે જેટલી નાખવી હોય, તમે સ્વતંત્ર છો. પણ, તમે દૂધમાં સાકર એટલી જ નાખો છો કે જેનાથી તમને દૂધની સ્વાદિષ્ટતાનો અનુભવ થાય. આખો બજાર તમારી સામે ખુલ્લો પડ્યો છે, શરીર તમારું સશક્ત છે, પુણ્ય તમારું મજબૂત છે, સંપત્તિની તમારે જરૂર છે અને છતાં તમારા જીવનને બેસ્વાદ બનાવી દે એટલી અને એ રીતની સંપત્તિથી તમારે તમારા જીવનને બચાવતા જ રહેવાનું છે. ઘંટડીના અવાજને સાંભળવા તો કાન એકદમ સતેજ હોવા જરૂરી જ છે અને એમાં ય એ ઘંટડી જો ખતરાની છે તો એના અવાજને સાંભળવા તો કાન એકદમ સતેજ હોવા અતિ અતિ જરૂરી છે. અહીં એક એવા ખતરાની વાત છે કે જો એના પ્રત્યે આંખ મીચામણાં કરવામાં આવે છે તો જનમોજનમ બરબાદ થઈ જાય તેમ છે. કઈ છે એ વાત ? હાથમાં લો આ પુસ્તક: ખતરાની ઘંટડી” પાંચેય ઇન્દ્રિયોના અનુકૂળ વિષયો તમને જોઈએ તેટલા મળી શકે તેમ છે. શરીર તમારું યુવાવયનું છે. મનમાં ઉત્તેજના પણ ભરપૂર છે અને તો ય તમારે સંયમ કેળવીને વિષયોના ભોગવટા પર નિયંત્રણ મૂકી જ દેવાનું છે. સંપત્તિ જો સંતોષથી નિયંત્રિત થવી જોઈએ તો શક્તિ સંયમથી નિયંત્રિત થવી જોઈએ. સંતોષ અને સંયમની આ તાકાત શું કેળવી શકાય, એની અનેકવિધ વાતો પત્રવ્યવહારના માધ્યમે મારા મંદ ક્ષયોપશમાનુસાર મેં અહીં રજૂ કરી છે. આશય એક જ છે. પ્રચંડ પુણ્યોદયે અનંતકાળે મળેલ આ માનવજીવન વિનશ્વર એવી સંપત્તિ પાછળની પાગલતામાં અને વિરસ તથા નિરસ એવા ઇન્દ્રિયોના વિષયોના ભોગવટામાં જ સમાપ્ત ન થઈ જાય અને વેડફાઈ ન જાય. અતિ મહત્ત્વની વાત, નદીનું બધું જ પાણી મળી જાય એવું કોઈનું પુણ્ય નથી અને કદાચ બધું ય પાણી મળી પણ જાય તો ય એટલું પાણી પી શકાય એવું કોઈનું ય પેટ નથી. હું શું કહેવા માગું છું, એ તમો સહુ સાનમાં સમજી જજો. અર્થને નીતિથી નિયંત્રિત કરવાના અને કામને સદાચારથી નિયંત્રિત કરવાના સમ્યક્ ઉપાયો દર્શાવતા પુસ્તકના આ લખાણમાં ક્યાંય પણ શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ લખાણ લખાઈ ગયું હોય તો એનું અંતઃકરણપૂર્વક ત્રિવિધે ત્રિવિધ મિચ્છા મિ દુક્કડું માગું છું. દ. આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ