________________
મહારાજ સાહેબ, એક પરિવારના બધા જ સભ્યો, આર્થિક સંકડામણની ઊભી થઈ ગયેલ સમસ્યાને હલ કરવા, ખર્ચા ઘટાડવા ત્રણ ત્રણ વરસથી બંને ટંક ભોજનમાં બે દ્રવ્યો જ વાપરતા હોય અને એ ય પ્રસન્નતા સાથે, એને હું આ સદીનો ચમત્કાર માનું છું. નિખાલસ દિલે શબ્દો ચોર્યા વિના આપને કહું તો આપના ગત પત્રમાં આપે લખેલ આ સત્ય પ્રસંગ વાંચ્યા પછી પળભર તો આપના માટે ય મનમાં શંકા ઊભી થઈ ગઈ કે “ખરેખર મહારાજ સાહેબ પાસે કોઈ ભાઈએ આવીને પોતાના પરિવારમાં ઊભી થયેલ આ વ્યવસ્થાની વાત કરી હશે કે પછી મહારાજ સાહેબે પોતાના ભેજામાંથી આ કથા ઊભી કરી દીધી હશે ?” પણ, એ નબળો વિચાર મનમાં લાંબા સમય સુધી ટક્યો નહીં કારણ કે આપની પાસે જે સંયમજીવન છે એ સંયમજીવનમાં જૂઠને કોઈ સ્થાન નથી અને આપને આવી કથા ઊભી કરીને મને જણાવવામાં આપનો કોઈ સ્વાર્થ નથી. આ વિચારે આપના પ્રત્યે, આપના કથનની સત્યતા અંગે મનમાં ઊભી થઈ ગયેલ શંકા દૂર તો થઈ ગઈ પણ હૃદયના પૂર્ણ અહોભાવ સાથે એ પરિવારના એક એક સભ્યના ચરણમાં હું વંદન કરું છું. અંગત રીતે મને એમ લાગે છે કે સંપત્તિની વિપુલતા વચ્ચે કરોડોનું દાન આપી દેવું એકવાર કદાચ સહેલું છે પરંતુ જાલિમ આર્થિક સંકડામણ વચ્ચે જમવામાં માત્ર બે જ દ્રવ્યો વાપરવા તૈયાર થઈ જવું
એ અતિ અતિ કઠિન છે. આપને કદાચ વિશ્વાસ નહીં બેસે પણ એ હકીકત છે કે આપે લખેલ આ પ્રસંગે મને મારા જીવન અંગે ખૂબ ગંભીરતાથી વિચાર કરતો કરી મૂક્યો છે. હું જમવામાં બે દ્રવ્ય પર ન આવી જાઉં પણ જીવનમાં સંખ્યાબંધ મોજશોખના બિનજરૂરી ખર્ચાઓ જે મેં ઊભા કરી દીધા છે એના પર તો હું નિયંત્રણ મૂકી જ શકું છું ને? આજે મારી પાસે ત્રણ તો મોબાઇલ છે. દર અઠવાડિયે એકાદ વાર તો પંચતારક હૉટલમાં હું જાઉં જ છું. મિત્રો સાથે અવારનવાર પિશ્ચરો જોવાનું પણ બને છે. ફૅશન બદલાતાં કપડાં બદલાવી દઉં છું તો મૉડલ બદલાતાં મોબાઇલ પણ બદલાવી દઉં છું. હવા ખાવાનાં સ્થળોએ ફરવા જવાનું પણ ચાલુ છે તો પૈસાની છૂટ હોવાના કારણે ટ્રેનને બદલે વિમાનને જ મુસાફરી માટે વધુ પસંદ કરું છું.
આ તમામ ક્ષેત્રોના ખર્ચાઓ પર જો હું કાપ મૂકવા માગું છું તો એમાં મને કોઈ જ તકલીફ પડે તેમ નથી અને આ કાપ મારા અંગત જીવનના મોજશોખોને અસર કરતો હોવાથી એમાં મારા પરિવારના સભ્યો કોઈ હસ્તક્ષેપ કરે. એવી શક્યતા ય નથી. આપ મને આશીર્વાદ પાઠવશો કે અર્થલાલસાની અંતરમાં બેઠેલી આગની તીવ્રતાને ઘટાડવાના મારા દ્વારા શરૂ થનારા આ પ્રયાસોમાં મને સફળતા મળીને જ રહે. આખરે સમ્યક સમજણ આપવાના આપના પુરુષાર્થને મારે અલ્પાંશે પણ સફળ તો કરવો જ પડશે ને?