________________
૨૪
જ્ય, વિપુલ સંપત્તિનું લક્ષ્ય મનની પ્રસન્નતાનો ખાત્મો બોલાવતું રહે છે એ નુકસાન કરતાં ય એક અન્ય જાલિમ નુકસાન એ છે કે સંબંધોની આત્મીયતામાં એ ભૂકંપ સર્જી દેતું હોય છે. તું શું એમ માને છે કે પૈસા માટે સતત ઘરની બહાર રહેતો માણસ પોતાની પત્નીનો “પ્રેમાળ પતિ’ બની શકશે? પોતાના પુત્ર માટે “લાગણીશીલ પિતા’ બની શકશે ? પોતાના પિતા માટે “વહાલસોયો પુત્ર’ બની શકશે ? પોતાની દીકરી માટે “વિશ્રામસ્થળ’ બની શકશે? ના. બજારમાં હોશિયાર અને ખેલાડી વેપારી તરીકે ખ્યાતિ પામી જતો, એ માણસ પોતાના પરિવારના સભ્યો માટે “અજનબી' જ બન્યો રહેશે. એનો પરિવાર “પ્રેમ” અને “હુંફ' માટે કદાચ ગમે તેવી લબાડ વ્યક્તિના ખોળામાં પણ જઈને બેસી જતા કોઈ શરમ કે સંકોચ નહીં અનુભવે. મુંબઈના અતિ ધનાઢ્ય વિસ્તારમાં રહેલ એક યુવકે પોતાના જ ઘરની જે બેહાલી મને કહી સંભળાવી હતી એ તું વાંચી લે. તારા પગ નીચેની ધરતી કદાચ સરકી જશે. ‘મહારાજ સાહેબ, મારા દાદા અને મારા પપ્પા, બંને ય ધંધાના જબરદસ્ત ખેલાડી છે.
જ્યાં હાથ નાખે છે ત્યાંથી લાખો યાવત્ કરોડો લઈ આવે છે. પણ એમની પૈસાની કાતિલ ભૂખે અમારા ઘરમાં જે હાહાકાર સર્યો છે એનું આપને શબ્દોમાં બયાન કઈ રીતે કરવું એ સમજાતું નથી. હું કૉલેજના ત્રીજા વર્ષમાં છું. મારે એક છોકરી સાથે લફરું છે. મારી બહેન કૉલેજના પ્રથમ વર્ષમાં છે. એને એક યુવક સાથે લફરું છે. મારી મમ્મીનું પડોશમાં રહેતા એક પરિણીત યુવક સાથે લફરું ચાલુ છે. અને મારા દાદાનો એક વિધવા સાથે સંબંધ ચાલુ છે. હા, મારા પપ્પાનું કોઈ લફરું હોય તો એનો મને ખ્યાલ નથી. જય, કરોડોના ફલૅટમાં રહેનાર અને કરોડોમાં આળોટનાર એક શ્રીમંત પરિવારના સભ્યોની વ્યભિચારલીલાની આ સત્ય હકીકત વાંચ્યા પછી અને જાણ્યા પછી તારે નક્કી કરવાનું છે કે જગતનો બહુજનવર્ગ આજે પૈસા પાછળ રૉકેટ ગતિએ હડકાયા કૂતરાની જેમ જે પાગલતાથી ભાગી રહ્યો છે એ જ પાગલતાથી તારે ભાગતા રહેવું છે કે ક્યાંક શ્વાસ ખાવા અટકવું છે?