________________
જ્ય, ભલે ઓગણીસ વરસની વયે મેં સંસારનો ત્યાગ કરી દીધો હોવાના કારણે સંપત્તિ ક્ષેત્રનો મને કોઈ અનુભવ નથી
સંખ્યાબંધ શ્રીમંતોના જીવનને મેં નજીકથી નિહાળ્યા છે, એમના આંતરદારિત્ર્યની વાતો મેં એમના જ મોઢે સાંભળી છે, એમના વેરવિખેર થઈ ગયેલા પરિવારની કરુણ દાસ્તાન મેં મારા સંગા કાને સાંભળી છે અને એના આધારે મેં તને ગત પત્રમાં લખ્યું છે કે વિપુલ સંપત્તિનું લક્ષ્ય, અને એ લક્ષ્યને આંબી જવા માટેની તારી દોડધામ તને હડકાયા કૂતરાની કક્ષામાં મૂકીને જ રહેશે. તને ક્યાંય શાંતિથી બેસવા નહીં દે અને એટલે જ મનની પ્રસન્નતા તારા માટે સ્વપ્નનો વિષય જ બની રહેશે. વાંચ્યો છે આ ટુચકો? અજયને ૧૦ રૂપિયાની લૉટરીની ટિકિટ પર બે કરોડનું ઇનામ તો લાગ્યું પણ એ ઇનામની રકમ લેવા ગયો ત્યારે એના હાથમાં પોણા બે કરોડ રૂપિયા જ મૂકવામાં આવ્યા. ‘પચીસ લાખ ઓછા કેમ છે?” ‘ટૅક્સની રકમ એટલી થાય છે”
એ ન ચાલે. તમે પેપરમાં જાહેરાત બે કરોડના ઇનામની કરો અને ઇનામ લાગે એને પોણા બે કરોડ જ આપો એ એક જાતનો વિશ્વાસઘાત છે” ‘અમારી આ જ વ્યવસ્થા છે” ‘તો એક કામ કરો'
‘શું?' ‘તમે ઇનામના આપેલ પોણા બે કરોડ પાછા લઈ લો અને લૉટરીની ટિકિટ ખરીદવા મેં તમને જે દસ રૂપિયા આપ્યા છે એ દસ રૂપિયા મને પાછા આપી દો !' જય, અજયની આ બેવકૂફી પર કે બાલિશતા પર હસવાની કોઈ જ જરૂર નથી. પ્રત્યેક લોભાંધ માણસની આ જ મનઃસ્થિતિ હોય છે. એ વિપુલ સંપત્તિ મેળવવા ડગલે ને પગલે પ્રસન્નતાનું બલિદાન આપતો જ રહે છે. તમામ પ્રકારનાં સુખોના પાયામાં રહેલ પ્રસન્નતાને જતી કરીને એ તમામ સુખોને દુ:ખોમાં રૂપાંતરિત કરી દેતા સંક્લેશનો શિકાર બનતો જ રહે છે. પગ જતા કરીને બૂટ ન જ ખરીદાય એ અક્કલ માણસ પાસે છે, આંખને જતી કરીને આકર્ષક ફ્રેમ ખરીદવાનો કોઈ જ અર્થ નથી એ માણસ સમજે છે, હોજરીને બગાડી નાખીને પેટમાં ખમણ ઢોકળાં ન જ પધરાવાય એ બુદ્ધિ માણસ પાસે છે પણ પ્રસન્નતાનું બલિદાન આપીને આ જગતનું એક પણ સુખ ન સ્વીકારાયા એ અક્કલ લોભાંધ પાસે તો નથી જ હોતી. હું ઇચ્છું છું, આવા લોભાંધમાં તારો નંબર તો ન જ લાગે !