________________
મહારાજ સાહેબ, આપનો ગત પત્ર વાંચ્યો તો ખરો પણ એ વાંચ્યા પછી હું આખી રાત સૂઈ શક્યો નથી. સાચું કહું તો એ પત્રમાં આપે ધનાઢ્ય પરિવારના સભ્યોની વ્યભિચારલીલાની જે વાત લખી છે એ આપે લખી છે એટલે મને એની સત્યતામાં શંકા નથી પડી બાકી આ જ વાત આપના સિવાય અન્ય કોઈએ પણ મને કહી હોત તો હું એને ધરાર સંભળાવી દેત કે ‘તું ગપ્પા લગાવવાનું બંધ કર !' દાદા, મમ્મી, દીકરો અને દીકરી, ચારેય આડા સંબંધોમાં ગરકાવ? અને એનાં મૂળમાં વિપુલ સંપત્તિનું એક માત્ર ગોઝારું લક્ષ્ય? ના, આ રસ્તે તો કદમ મંડાય જ શી રીતે ? માણસના ખોળિયે પશુ બનાવી દેતા આ વિકરાળ રસ્તા પર તો પસંદગીની મહોરછાપ લગાવાય જ શી રીતે ? આપ મને ક્યાંથી ક્યાં લઈ આવ્યા? માન્યતા મારી એ હતી કે જીવનને બરબાદ કરી નાખવામાં મહત્ત્વનો ફાળો સંપત્તિનો નથી પણ સ્ત્રીનો છે, અર્થલાલસા એટલી ખતરનાક નથી જેટલી ખતરનાક
વિષયવાસના છે પણ આપે તર્કબદ્ધ રજૂઆત કરીને મારી એ માન્યતાનો ભુક્કો બોલાવી નાખીને મારા પર જે ગજબનાક ઉપકાર કર્યો છે એ બદલ હું આપનો અત્યંત ઋણી છું. આમ છતાં એક પ્રશ્ન પૂછું ? પૈસાની ભૂખ સંતોષાતા માણસ સ્ત્રીઓ પાછળ ભટકતો થઈ જતો હોય છે એ જેમ એક નક્કર વાસ્તવિકતા છે તેમ સ્ત્રીની ભૂખ સંતોષવા માણસ પૈસા પાછળ પાગલ બનીને ભટકતો થઈ જતો હોય એ નહીં બનતું હોય? આ પ્રશ્ન હું આપને એટલા માટે પૂછી રહ્યો છું કે મારી પોતાની વર્તમાન મનઃસ્થિતિ આ છે. મને એમ લાગી રહ્યું છે કે ‘પૈસા ચિક્કાર હશે આપણી પાસે તો યુવતીનાં માંગાઓ સામેથી આવશે. ભણેલી-ગણેલી રૂપાળી યુવતીઓ સામે ચડીને આપણા ઘરે ‘પત્ની’ તરીકે ગોઠવાઈ જવા તૈયાર થઈ જશે. સંપત્તિની વિપુલતા અને પત્ની રૂપાળી, બસ, જીવન સફળ. આ માન્યતાનો શિકાર બનેલો હું અત્યારે પૈસા બનાવી લેવાના એક માત્ર લક્ષ્ય સાથે પાગલ બનીને પૈસા કમાઈ લેવા દોડી રહ્યો છું. ઇચ્છું છું હું કે આ અંગે આપના તરફથી મને કંઈક સમ્યક્ માર્ગદર્શન મળે.
૪૯
પ0