________________
મહારાજ સાહેબ, થોડાક સમય પૂર્વે આપના જ એક પુસ્તકમાં આપે મૂકેલ એક સુભાષિતનો અર્થ મારા વાંચવામાં આવ્યો. ‘આત્મચિંતા ઉત્તમ છે. વિષયચિંતા મધ્યમ છે. અર્થચિંતા અધમ છે જ્યારે પરચિંતા અધમાધમ છે' આમાં ‘આત્મચિંતા ઉત્તમ છે” એ વાત તો મગજમાં બેસે છે. કારણ કે ઉત્તમ એવા માનવજીવનની થઈ ગયેલ પ્રાપ્તિની સાર્થકતા આત્મહિતને અકબંધ કરી દેવામાં જ છે અને એ આત્મહિતને અકબંધ કરી દેવા આત્મચિંતાને ધબકતી રાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી.
જ્યારે ‘પરચિંતા અધમાધમ છે' આ વાત પણ મગજમાં બેસે છે કારણ કે પરચિંતામાં આત્માનું સરાસર વિસ્મરણ છે. ઉત્તમ એવા માનવજીવનની કીમતી પળોનો વ્યર્થ વેડફાટ છે. અનંતકાળે પ્રાપ્ત એવા બહુમૂલ્ય મનોરત્નનો જાલિમ દુરુપયોગ છે. નિર્દોષ અને નિર્મળ અંતઃકરણને કલુષિત કરતા રહેવાની બાલિશતા છે. પ્રશ્ન જે છે તે આ છે કે વિષયચિંતા કે જેમાં મુખ્યતયા વિજાતીય સ્ત્રિી] પાત્ર આવે છે એ મધ્યમ છે અને અર્થચિંતા કે જેમાં કેન્દ્રસ્થાને પૈસો આવે છે એ અધમ છે એમ શા માટે ? શું સ્ત્રી ચિંતા કરતા પૈસાની ચિંતા વધુ ખરાબ છે?
શું કામિની કરતાં કંચનના વિચારો મનને વધુ કલુષિત કરે છે? વિવેક જેમાં લગભગ ગેરહાજર જ હોય છે
એવી વિષયવાસના કરતા વિવેકને જેમાં હાજર રાખી શકાય છે. એવી અર્થલાલસા શું આત્મા માટે વધુ નુકસાનકારક છે? જગતમાં સ્ત્રી ખાતર થયેલાં યુદ્ધોની સંખ્યા કરતાં શું પૈસા ખાતર થયેલ યુદ્ધની સંખ્યા અનેકગણી વધારે છે ? આ પ્રશ્ન મારા મનમાં ઊઠવા પાછળનું કારણ આપને જણાવી દઉં? ૨૫ વરસની ભરયુવાનવયે અત્યારે હું આવીને ઊભો છું. કોલેજનું ભણતર મારું પૂર્ણ થઈ ગયું છે. એક ખ્યાતનામ કંપનીમાં ખૂબ સારા એવા પગારે હું અત્યારે કામ કરી રહ્યો છું. પણ નિખાલસભાવે આપને જણાવી દઉં કે મનમાં અત્યારે સ્ત્રીના જેટલા વિચારો આવી રહ્યા છે એના લાખમા ભાગના વિચારો ય પૈસાના નથી આવતા. આંખે ચડી જતા શ્રીમંતને જોઈને મનમાં એવાં ગલગલિયાં નથી થતાં જેવાં ગલગલિયાં રૂપાળી યુવતી આંખે ચડી જતા થાય છે. મનના ભાવોને છુપાવ્યા વિના જણાવી દઉં તો રસ્તા પર શ્રીમંતને જોઈ લેવા આંખો જરાય ભટકતી નથી જ્યારે રૂપાળી યુવતીને જોઈ લેવા મારી આંખો સતત ભટકતી
આપ એમ કહો છો કે વિષયવાસના કરતા અર્થલાલસા વધુ ભયંકર છે. મારો અનુભવ એમ કહે છે કે અર્થલાલસા કરતા વિષયવાસના વધુ ખતરનાક છે. કોઈ સમાધાન?