________________
મહારાજ સાહેબ, ખર્ચ ઘટાડી નાખવાની આપની સલાહ એકદમ સાચી હોવા છતાં એ દિશામાં પ્રયત્નશીલ બનવું એકદમ મુશ્કેલ લાગે છે. તો સફળ બનવું તો અશક્ય જ લાગે છે. કારણ જણાવું? જેને આપ મોજશોખનાં સાધનો જણાવો છો, આજના કાળે એ સાધનો જરૂરિયાતના સ્થાને જીવનમાં ગોઠવાઈ ગયા છે. ટી.વી., ગાડી, મોબાઈલ, હોટલ, મોંઘાદાટ વસ્ત્રો. આ તમામ સાધનો વિના જીવન ચાલે જ નહીં એ સ્થિતિ આજે બહુજનવર્ગની થઈ ગઈ છે. અને સૌથી વધુ કરુણદશા તો એ સર્જાઈ છે કે પરિવારનો પ્રત્યેક સભ્ય એમ માની બેઠો છે કે ‘મારી પાસે આ તમામ ચીજો હોવી જ જોઈએ” હજી તો બાબો સ્કૂલમાં જ ભણી રહ્યો છે, પણ મોબાઇલ તો એને ય જોઈએ જ છે. બેબી હજી કૉલેજના પ્રથમ વર્ષમાં જ છે. મોબાઇલ ઉપરાંત સ્કૂટર તો એને ય જોઈએ જ છે. યુવાન પુત્ર નોકરીમાં હમણાં જ જોડાયો છે, ગાડી એને જોઈએ જ છે. રવિવાર આવે છે પત્નીને હૉટલમાં જવું જ છે. ઘરમાં નાનકડો પણ કોઈ પ્રસંગ આવે છે, સમાજમાં વટ પાડી જ દેવો છે.
આ ખતરનાક માહોલમાં અલ્પ સંપત્તિએ જીવન શું પસાર કરવું, એ સમજાતું જ નથી. એક રાજાને આખી પ્રજા હજી સાચવી લે પણ
જ્યાં બધા જ પોતાની જાતને રાજા માનતા હોય ત્યાં પ્રજાજનોની હાલત શી થાય? પરિવારના એકાદ સભ્યના બિનજરૂરી ખર્ચાને હજી કદાચ પહોંચી વળાય પરંતુ પરિવારના બધા જ સભ્યો બિનજરૂરી ખર્ચાઓ કરી રહ્યા હોય અને પાછા એ ખર્ચાઓને જરૂરી માની બેઠા હોય એને તો શું પહોંચી વળાય ? અને હા, આ વેદના મારી એકલાની જ નથી, મારા જેવા અનેકની છે. સહુ મૂછે લીંબુ રાખીને ફરી રહ્યા છે બાકી, અંદરથી તો સહુ તૂટી જ ગયા છે. સીધા રસ્તે પૈસા મળતા નથી, કદાચ મળે છે તો એટલા પૈસામાં ખર્ચામાં પહોંચી વળાતું નથી. ખર્ચાને પહોંચી વળવા આડા રસ્તે કાં તો બીજા રસ્તે કદમ માંડવા જ પડે છે. પપ્પા એકલા કમાતા હતા અને આખું ઘર મજેથી ચાલતું હતું આજે પરિવારનો એક એક સભ્ય કમાઈ રહ્યો છે અને છતાં ખર્ચને પહોંચી વળાતું નથી. કોઈ રસ્તો?.