________________
મહારાજ સાહેબ, પત્રવ્યવહારની સમાપ્તિના ટાણે આ છેલ્લો પત્ર અમે બંને ભાઈ-બહેન, આપને લખી રહ્યા છીએ. ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે આપનો કે અર્થલાલસા અને વિષયવાસનાના જે વિષય સાથે આપને નહાવા-નિચોવાનો ય સંબંધ નથી એ વિષય અંગેની અમારી જિજ્ઞાસાને સંતોષવા આપે આપના સંયમજીવનનો બહુમૂલ્ય સમય આપીને અમારી જિજ્ઞાસાનું સમાધાન કરી દીધું છે. આપના જીવનની મસ્તી-આનંદ અને પ્રસન્નતા અત્યારે તો અમારી કલ્પનાના જ વિષય છે. છતાં પત્રવ્યવહારના માધ્યમે આપે જે કાંઈ લખ્યું છે અને સમજાવ્યું છે એ પરથી ખ્યાલ આવે છે કે અર્થ-કામથી દૂર રહેવામાં જીવનની સ્વસ્થતા અને મનની પ્રસન્નતા કેવી ગજબનાક ટકી રહે છે ! અલબત્ત, અમારા બંનેની વર્તમાન મનઃસ્થિતિ જોતાં આજે તો અમને નથી લાગતું કે નજીકના ભવિષ્યમાં, આપની પાસે અત્યારે જે જીવન છે એ જીવનના અને સ્વામી બની શકીએ છતાં અમે બંને આપને એટલું તો વચન આપીએ જ છીએ કે અમારો અર્થપુરુષાર્થ કાયમ માટે નીતિ નિયંત્રિત જ રહેશે અને અમારો કામપુરુષાર્થ કાયમ માટે સદાચાર નિયંત્રિત જ રહેશે. અર્થની અમારી લાલસાને અમે ક્યારેય લોભાંધતામાં રૂપાંતરિત થવા નહીં દઈએ તો વિષયોની અમારી વાસનાને અમે ક્યારેય કામાંધતામાં રૂપાંતરિત થવા નહીં દઈએ. આશીર્વાદ આપજો આપ કે અમારા અત્યારના આ સંકલ્પના
અમલમાં અમે ક્યાંય કાચા ન પડીએ કે ક્યાંય પાછા ન પડીએ. આખરે સમ્યક્ પુરુષાર્થને પૂજ્ય પુરુષોના આશીર્વાદનું બળ મળવું તો જોઈએ જ ને? જય- ગી, પત્રવ્યવહારની વિદાય વેળાએ એટલું જ કહીશ કે ખરાબ શરૂઆત ભલે સુધારી શકાતી નથી, પણ સારો અંત લાવવો એ તો મનુષ્યના હાથની જ વાત છે. વીતેલા ભૂતકાળને ભૂલી જઈને હાથમાં રહેલ વર્તમાનનો તમો બંને એવો સદુપયોગ કરતા રહો કે આવનારું ભાવિ ઉજ્જવળ બનીને જ રહે. અલબત્ત, તમોએ જે મંગળ સંકલ્પ ર્યો છે. એના અમલ માટે સંસારનું આખું ય વાતાવરણ પ્રતિકૂળ છે. વાવાઝોડાના પવને વચ્ચે દીપકને જલતો રાખવા જે સાવધગીરી રાખવી પડે, ગુંડાઓના સમૂહ વચ્ચે સંપત્તિ સાચવી રાખવા જે હિંમત કેળવવી પડે, વાતાવરણની પ્રદૂષિતતા વચ્ચે તંદુરસ્તી જાળવી રાખવા જે જાગૃતિ રાખવી પડે એના કરતાં અનેકગણી સાવધગીરી, હિંમત અને જાગૃતિ તમારે તમારા સંકલ્પને વળગી રાખવા દાખવવી પડશે અને તો ય કહું છું કે લાખો ચમત્કારો રોજ થાય છે, આશા ક્યારેય ગુમાવશો નહીં. પ્રભુની અનંત કરુણા, ગુરુવર્યાની પરમ કૃપા તમારી સાથે જ છે. જય ! જીવનમાં તુ વિજય મેળવતો જ રહે. આંગી ! શીલના અલંકારોની આંગીથી તારું જીવન દેદીપ્યમાન બનાવતી જ રહે. તમને બંનેને મારા અંતરના આશીર્વાદ છે.
૧00