________________
મહારાજ સાહેબ, કમાલ કરી દીધી આપે ! શ્રીમંત અને ગરીબની આપે લખેલ વ્યાખ્યાને વાંચીને પળભર સ્તબ્ધ તો થઈ જવાયું પરંતુ ગંભીરતાથી એ વ્યાખ્યા પર વિચાર કર્યો ત્યારે લાગ્યું કે આપે કરેલ વ્યાખ્યા એકદમ સાચી છે. ગરીબ પાસે અભિમાન કરવા જેવું કાંઈ હોતું નથી જ્યારે શ્રીમંત પાસે પ્રત્યેક સામગ્રી અભિમાન પુષ્ટ થતું રહે એવી જ હોય છે. પણ એક પ્રશ્ન પૂછું આપને ? વર્તમાન સમયની જ્યારે માંગ આ જ છે કે તમારી પાસે એક એક સામગ્રી આજુબાજુવાળાની આંખ પહોળી કરી દે એવી જ હોવી જોઈએ ત્યારે શું પૈસાની અધિકતા માટે માણસે સખત પુરુષાર્થ ન કરવો જોઈએ? લોહી-પાણી એક કરીને પણ માણસે વિપુલ સંપત્તિ માટે દોડતા રહેવું ન જોઈએ? આપ સાધુજીવન અંગીકાર કરીને બેઠા છો એટલે બની શકે કે આપને અમારા વર્તમાન સંસારની વાસ્તવિક પરિસ્થિતિ ખ્યાલમાં ન પણ હોય પણ હકીકત આ જ છે કે જો અમારી પાસે આકર્ષક બંગલો નથી, કીંમતી ગાડી નથી, લાખો-કરોડોનો ધંધો નથી, બે-ચાર સંસ્થાઓનું સભ્યપદ કે ટ્રસ્ટીપદ નથી, મન હરી લે તેવો મોબાઇલ નથી,
શરીર પર મોંઘાદાટ વસ્ત્રો નથી, સોનાનાં ઘરેણાં નથી, કાંડે કીંમતી ઘડિયાળ નથી, તો આ સંસારમાં અમારી જિંદગીની કોઈ જ કિંમત નથી. અમારા આગમનની કોઈ નોંધ લેવાતી નથી. એ તો ઠીક પણ અમારા ઘરે કોઈ દીકરી આપવા તૈયાર થતું નથી તો અમારા ઘરની દીકરી લેવા ય કોઈ તૈયાર થતું નથી. મહેમાન બનીને અમારે ત્યાં કોઈ આવવા તૈયાર થતું નથી તો અમે મહેમાન બનીને કોઈને ત્યાં જઈએ તો એને ગમતું નથી. ટૂંકમાં, ઘરની અંદરની હાલત ગમે તેટલી કફોડી હોય, બહાર તો અમારે ભપકાભેર રહેવું જ પડે એવી સ્થિતિ છે અને એ માટે પુષ્કળ પૈસા એ જ એક માત્ર વિકલ્પ છે. આદર્શમાં ‘સંતોષ'ની વાત સારી લાગે છે પણ વાસ્તવિકતા એ છે કે વિપુલ સંપત્તિ એ જ અમારા જીવનની, અમારા પરિવારના સભ્યોની સ્વસ્થતાનો એક માત્ર ઇલાજ છે. શું કહું આપને? આ ગણિતના આધારે હું તો અત્યારે સારી એવી કંપનીમાં નોકરીએ રહ્યો જ છું પરંતુ મારી બહેન પણ એક કંપનીમાં સારા એવા પગારે ગોઠવાઈ ગઈ છે. સંતોષી નર સદા સુખી’ એ સૂત્ર ૧૪ મી સદી માટે બરાબર હશે. અત્યારે તો ‘શ્રીમંત નર સદા સુખી’ એ સૂત્રની જ બોલબાલા છે. આપ એ અંગે શું કહો છો?
૩૫