________________
મહારાજ સાહેબ, આપના ગતપત્રમાં આપે આપેલા તર્કને વાંચીને હું સ્તબ્ધ થઈ ગયો છું. આપ સાવ સાચા છો. મુગ્ધવયમાં
જ્યાં પુરુષ અને સ્ત્રી વચ્ચેના ભેદની જ ખબર નથી હોતી ત્યાં એ વયમાં સ્ત્રી-શરીર પ્રત્યે આકર્ષણ હોય એ સંભાવના ય ક્યાં છે? પણ એ વયમાં ય કોણ જાણે કેમ પૈસા પ્રત્યે તો મનમાં આકર્ષણ ઊભું થઈ ગયું જ હોય છે. નાનો બાબો ય એની મુઠ્ઠીમાં પૈસા આવી ગયા પછી મુઠ્ઠી ખોલવા તૈયાર થતો નથી. ઘરમાં કે રસ્તામાં ક્યાંય એની નજરે પરચુરણ ચડી જાય છે તો એને ઉઠાવી લીધા વિના એ રહેતો નથી. પોતાની ચડ્ડીના ખીસામાં ભલે ને ચાર-આઠ આના જ હોય છે, પોતાના મિત્રો વચ્ચે એની ડંફાશ લગાવ્યા વિના એ રહેતો નથી. એ જ રીતે જો પોતાની પાસે પૈસા હોતા નથી તો એ બદલ એ પોતાના મનમાં લઘુતાગ્રંથિ અનુભવ્યા કરતો હોય છે. શું કહું આપને? આ અનુભવ મારો પોતાનો છે. આ અનુભવમાંથી હું પોતે ગુજરી ચૂક્યો છું.
અને એ જ રીતે મેં મારી આંખ સામે એવા પ્રૌઢોને અને વૃદ્ધોને જોયા છે કે જેઓ પોતાની પત્ની સાથે બેસીને છેલ્લાં કેટલાંય વરસોથી પચાસ શબ્દો ય બોલ્યા નથી, દિવસ દરમ્યાન એકાદ વખત પણ પત્નીનું મોટું જોતા નથી. કદાચ પ્રભુને તેઓ વિનંતિ કરી રહ્યા છે કે “હે પ્રભુ, તું એને તારી પાસે બોલાવીને મને અહીં સુખી કરી દે અને કાં તો મને તારી પાસે બોલાવી દઈન મને ત્યાં સુખી કરી દે’ પણ આ જ પ્રૌઢો અને વૃદ્ધો પાછલી વયમાં પણ પૈસા પૈસા માટે પોતાના પરિવારજનો સાથે તોફાનો કરી રહ્યાનું મેં મારી સગી આંખે જોયું છે. શરીર ના પાડી રહ્યું હોવા છતાં પૈસાના લોભે મોડી રાત સુધી બજારમાં તેઓ ભટકી રહ્યા છે. ગૅરબજારમાં કઈ કંપનીના શૈર લઈએ તો વધુ નફો મળે એવી ચર્ચા તેઓ ચોરે ને ચૌટે, હાલતા ને ચાલતા કરી રહ્યા છે. જાણવું તો મારે એ છે કે
સ્ત્રી મોડી ગમે, વહેલી જાય અને પૈસો વહેલો ગમે અને મોત સુધી પણ જવાનું નામ જ ન લે એની પાછળ કારણ શું છે? શું જીવંત એવી સ્ત્રી કરતાં જડ એવા પૈસામાં વધુ તાકાત છે?