________________
જય, તારો પત્ર વાંચ્યો. તારી શંકા વાજબી છે. જડ એવો પૈસો જીવંત વ્યક્તિ કરતાં ય જીવનમાં મહત્ત્વના સ્થાને ગોઠવાઈ જાય એની પાછળ કારણ શું છે? એક જ કારણ છે. પૈસા પાસે તમામ વસ્તુની યાવતું વ્યક્તિની પણ ખરીદશક્તિ છે. પૈસો ગાડી, બંગલો તો ખરીદી શકે છે પણ માણસ બીમાર પડે ત્યારે સારા ડૉક્ટરની દવા પણ એની પાસે પૈસો હોય તો જ એને ઉપલબ્ધ થાય છે. એનાં બાળકોને ભણવા માટે સારી સ્કૂલમાં પણ પૈસા હોય તો જ દાખલ કરી શકાય છે. સારાં ચશમાં, સારું ફર્નિચર, સારું ટી.વી., સારો મોબાઇલ આ બધું પૈસો હોય તો જ ખરીદી શકાય છે એ તો ઠીક પણ પૈસાથી પ્રધાનને, વકીલને, ડૉક્ટરને, એંજિનિયરને, ક્રિકેટરને યાવતું શ્રેષ્ઠ શિક્ષિતોને ય ખરીદી શકાય છે. ટૂંકમાં, પૈસો એ ખરીદશક્તિનું માધ્યમ છે. પૈસાના ગર્ભમાં સંખ્યાબંધ વસ્તુઓ અને વ્યક્તિઓ પડી છે.
કદાચ આ જ કારણસર તો પૈસાને અગિયારમાં પ્રાણ કહેવામાં આવ્યો છે. હવે તું જ કહે, જીવનમાં જડ એવા પૈસાને જીવંત વ્યક્તિ કરતા વધુ મહત્ત્વનું સ્થાન મળી જતું હોય તો એમાં આશ્ચર્ય શું છે ? શું કહું તને? સ્ત્રીમાં સ્ત્રી જ છે. ગાડી-બંગલો-મોટર-ફર્નિચર વગેરે કશું જ નથી.
જ્યારે પૈસામાં શું નથી એ પ્રશ્ન છે. માણસ પૈસા બચાવવા સંખ્યાબંધ ચીજો જતી કરવા તૈયાર થઈ જશે પણ કોક ચીજ બચાવવા પૈસા જતા કરવા તૈયાર નહીં થાય. સાંભળ્યું છે તેં આ દૃષ્ટાન્ત? કરોડપતિ શ્રીમંતને ગલીમાં ગુંડો મળી ગયો. છરો બતાડીને શ્રીમંતને એણે એટલું જ પૂછ્યું, ‘પૈસા આપી દેવા છે કે જાન આપી દેવો છે?” ‘જાન' “કેમ?' ‘જે પૈસા મેળવવા જાનની બાજી મેં લગાવી છે એ પૈસા જ જો ચાલ્યા જતા હોય તો પછી જાન બચાવીને મારે કરવું છે શું?' જય, તું પુછાવે છે કે શું જીવંત એવી સ્ત્રી કરતાં જડ એવા પૈસામાં વધુ તાકાત છે? હું કહું છું, માણસ પોતાના જાન કરતાં પૈસામાં વધુ તાકાત હોવાનું માની બેઠો છે !