________________
મહારાજ સાહેબ, ગત પત્રના આપના લખાણે મને વિચારતો કરી દીધો છે. સાગરમાં આવતાં ભરતી અને ઓટ જેમ પૂનમ અને અમાસને બંધાયેલા છે તેમ મનમાં જાગતો વાસનાનો આવેગ અને મનમાં શાંત પડી જતી વાસના એ બંને સમયને અર્થાત્ વયને જ બંધાયેલા છે. લાખ પ્રયાસ છતાં અમાસે સાગરમાં ભરતી લાવી શકાતી નથી તેમ લાખ પ્રયાસ છતાં વીતી ગયેલ વયમાં મનને વાસનાગ્રસ્ત રાખી શકાતું નથી. આનો અર્થ તો એ જ થયો ને કે મારું જે મન અત્યારે સતત યુવતીના વિચારમાં જ ગ્રસ્ત રહ્યા કરે છે. એ મનમાં અમુક વય પછી યુવતીના શરીરનું કોઈ જ આકર્ષણ રહેવાનું નથી. એક પ્રશ્ન પૂછું આપને ? શું સંસારી દરેક વ્યક્તિ માટે આ જ વાસ્તવિકતા હોય છે? જય, આ પ્રશ્નનો તને સીધો જવાબ આપવાને બદલે હું તારી સમક્ષ એક અલગ વાત જ રજૂ કરું છું. મને પૂર્ણ શ્રદ્ધા છે કે તારા મનનું સમાધાન એનાથી થઈને જ રહેશે. સાંભળ એ વાત. બાબાને શરદી થઈ ગઈ છે.
અને એના મનમાં આઇસક્રીમ ખાવાની એવી તલપ લાગી ગઈ છે કે આઇસક્રીમ માટે એ મમ્મી સમક્ષ રડી રહ્યો છે. મમ્મી પાસે ચાર વિકલ્પ છે. બાબાના આંસુ જોઈને પીગળી જઈને મમ્મી એને આઇસક્રીમ આપી દે, પહેલો વિકલ્પ. બાબાની શરદીને જોતાં બાબાને એ લાફો લગાવીને શાંત કરી દે, બીજો વિકલ્પ. બાબાની સામે ચૉકલેટ રજૂ કરી દઈને એને આઇસક્રીમ ભૂલવાડી દે, ત્રીજો વિકલ્પ અને આઇસક્રીમ એના સ્વાથ્ય માટે કેટલો બધો ખતરનાક છે. એ સમજાવી દઈને એને આઇસક્રીમની માંગ પર પૂર્ણવિરામ મુકાવી દેવા સમજાવી દે, ચોથો વિકલ્પ. પ્રથમ વિકલ્પમાં બાબો રડતો તો બંધ થઈ જાય પણ એનું સ્વાથ્ય કથળીને જ રહે. બીજા વિકલ્પમાં બાબો કામચલાઉ શાંત તો થઈ જાય પણ એનું મન અંદરથી ધૂંધવાતું જ રહે. ત્રીજા વિકલ્પમાં બાબાના મનનું વિષયાંતર થઈ જાય અને એનું સ્વાથ્ય અકબંધ જળવાઈ જાય. ચોથા વિકલ્પમાં સમજણપૂર્વક બાબો આઇસક્રીમથી દૂર રહે અને પોતાના સ્વાથ્યને સલામત રાખી દે. પ્રથમ વિકલ્પને નામ આપી શકાય ‘ભોગ’નું, બીજા વિકલ્પને નામ આપી શકાય ‘દમન’નું, ત્રીજા વિકલ્પને નામ આપી શકાય ભક્તિ’નું અને ચોથા વિકલ્પને નામ આપી શકાય ‘જ્ઞાન’નું.
૫૩
પ૪