________________
મહારાજ સાહેબ, ગજબનાક વાત કરી દીધી આપે ગત પત્રમાં. બીજાઓની વાત હું નથી કરતો, મારી પોતાની આ જ સ્થિતિ છે. આર્થિક સ્થિતિ સારી એવી સદ્ધર નથી પણ મારી પાસે આજે જે પણ સામગ્રીઓ છે એ બધી જ સામગ્રીઓ કોક કરોડપતિના નબીરાને શોભે એવી જ છે. કારણ? આ જ, મારા મિત્રવર્ગની માંગ. આપ નહીં માનો, પાંચ આંકડાનો મારો આજે પગાર છે એ ય મને ઓછો લાગે છે. કોક કંપની વધુ પગાર આપવા તૈયાર હોય તો હું એની તપાસમાં છું. મારા ખુદના પપ્પા મને કહે છે કે બેટા ! તારા પગારમાંથી ઘરમાં તો તું કાંક આપતો જા' પણ હું એમને કહી દઉં છું કે ‘પપ્પા ! અત્યારે હું પોતે ખેંચમાં રહું છું ત્યાં તમને ક્યાંથી કંઈક આપું?” મહારાજ સાહેબ, એક શંકાનું સમાધાન કરશો? વટ નથી પાડી શકતો તો મિત્રવર્ગ ઘટી જાય છે અને મિત્રવર્ગ વચ્ચે વટ પાડતો રહું છું તો ખર્ચમાં નથી પહોંચી વળતો. કરું શું?
લખી રાખ તારા દિલની દીવાલ પર આ વાક્ય કે બીજાના અભિપ્રાયથી જે પોતાનું જીવન જીવે છે, એને ક્યારેક બીજાના અભિપ્રાય પર મરવાના દિવસો આવે છે. મિત્રવર્ગ વચ્ચે વટ પાડતા રહેવામાં તને ક્યાં સુધી સફળતા મળશે? અહીં તો રોજ ફૅશન બદલાય છે, રોજ મૉડલ બદલાય છે, રોજ સામગ્રી બદલાય છે. અને તારી આવક વધવાનું નામ નથી લેતી. શું પહોંચી વળીશ તું આ વિરોધાભાસને ? મારી તને સ્પષ્ટ સલાહ છે કે તારી આજુબાજુમાં ગોઠવાયેલ તાળી મિત્રો, થાળી મિત્રો, ખાલી મિત્રો અને ખાલી મિત્રો વચ્ચે વટ પાડતા રહેવાનું બંધ કરી દઈને તારી આર્થિક સ્થિતિને આંખ સામે રાખીને જીવન જીવવાનું તું શરૂ કરી દે. યાદ રાખ આ વાક્ય કે શ્રીમંત બનવા માટે પૈસા વધારવા પડે છે પણ શ્રીમંત રહેવા માટે તો ખર્ચ ઘટાડવો પડે છે. એકાંતમાં તારી જાતને તું પૂછી લેજે. શ્રીમંત બનવું છે તારે કે શ્રીમંત રહેવું છે?