________________
મહારાજ સાહેબ, ‘દમન' અંગે મનમાં પ્રવર્તતી ગેરસમજ સર્વથા દૂર કરી દેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો માનું જ છું પરંતુ એક પ્રશ્ન હું આપને જ પૂછવા માગું છું કે આપની યુવાનવયમાં આપનું ખુદનું મન અપવિત્રતાના વિચારોનું શિકાર શું બન્યું જ નથી ? જો બન્યું છે તો એ ગલત વિચારના આક્રમણમાંથી આપ હેમખેમ ઊગરી ગયા છો શી રીતે ? અલબત્ત, આવો પ્રશ્ન આપને પુછાય કે નહીં એની મને ખબર નથી પણ ઇચ્છું છું છું કે મારા આ પ્રશ્નનું આપ સંતોષજનક સમાધાન આપીને જ રહો. જય, જે વાત હું તને સામે ચડીને કરવાનો હતો એ વાતને તે પ્રશ્ન પૂછવા દ્વારા તને કરવા તેં મને જ્યારે મજબૂર કરી જ દીધો છે ત્યારે સાંભળ એ વાત. પ્રથમ વાત તો એ સમજી લે કે આ જગતનો કોઈ પણ સંત એ પરમાત્મા નથી, પણ પરમાત્મા બનવા નીકળેલો સાધક છે. દરેક સંતને આ વાસ્તવિકતાનો ખ્યાલ હોય જ છે છતાં ખરી મુશ્કેલી ક્યાં સર્જાય છે એ તને કહું ? કોઈ પણ સાધકના શરીર પર સંતત્વની જાહેરાત કરતાં વસ્ત્રો જગતને જોવા મળે છે, જગત એને પરમાત્મા માની લે છે. પરમાત્મા માની લે છે એટલે? સંતથી જીવનમાં કોઈ ભૂલ થાય જ નહીં એવી માન્યતા
એના મનમાં ઘર કરી જાય છે અને સંતના જીવનમાં એને કોઈ ભૂલ, ખોટું કે ખરાબ જ્યાં દેખાય છે. ત્યાં એની સંત પ્રત્યેની શ્રદ્ધામાં કડાકો બોલાઈ જાય છે. સંત ખુદ કહે છે, “હું ભગવાન નથી, ભગવાન બનવા ભગવાનના માર્ગે ચાલી નીકળેલો સાધક છું. મારાથી ભૂલો થવાની સંભાવના છે જ. માર્ગથી ચુત થઈ જવાની સંભાવના ય મારા જીવનમાં છે જ અને માર્ગ પર પડી જવાની સંભાવના પણ મારા જીવનમાં છે જ. અલબત્ત, એવું કાંઈ જ ન થાય કે ન થઈ જાય એ અંગે હું પૂરેપૂરો સાવધ તો રહીશ જ છતાં ય નિમિત્તવશ કે કુસંસ્કારવશ મારાથી કોઈ ક્ષતિ થઈ જાય
ત્યાં મારી કમજોરીને આંખ સામે રાખીને મારા પ્રત્યે સહાનુભૂતિ દાખવજો અને મને માફ કરી દઈને સાધના માર્ગે આગળ વધવા પ્રોત્સાહિત કરજો.’ પણ જય, જગત, સંતની આ વાત સાંભળવા તૈયાર જ નથી, એ તો એમ જ માની બેઠું છે કે સંત એ પરમાત્મા સ્વરૂપ જ છે. એનાથી ભૂલ થાય જ નહીં. એણે ભૂલ કરાય જ નહીં. શું કહું તને? સ્કૂલમાં ભણવા બેઠેલો વિદ્યાર્થી નાપાસ” થઈ શકે છે એ માનવા જગત તૈયાર છે પણ સાધનાની સ્કૂલમાં સાધના કરવા દાખલ થયેલ સંત ક્યારેક ભૂલ કરી પણ બેસે છે એ સ્વીકારવા જગત તૈયાર નથી ! આશ્ચર્ય જ છે ને?
૬૩