________________
મહારાજ સાહેબ, આપના છેલ્લા પત્રે તો આંખમાંથી હર્ષાશ્રુની ગંગા વહાવી દીધી છે હજી ય એ પત્ર વાંચું છું. અને આંખો ભીની થઈ જાય છે. પત્રના શબ્દ શબ્દ આપે જાણે કે આપનું હૃદય ખાલી કરી નાખ્યું છે. સાચું કહું તો પળભર મારા મનમાં અત્યારે આપના હાથમાં જે પવિત્ર સંયમજીવન છે એ પામી જવાની ઝંખના પેદા થઈ ગઈ. જે સંયમજીવનની પ્રાપ્તિ ચક્રવર્તીના સુખને ય ધૂ કરી શકતી હોય અને દેવેન્દ્રોના સદ્ભાગ્યને ય મામૂલી મનાવી શકતી હોય એ સંયમજીવન અત્યારના સડેલા કાળમાં ય જો પામી શકાય છે તો શા માટે એ જીવન પામી જવાની દિશામાં પ્રયત્નશીલ ન બનવું? આ વિચારે મારા મનનો કબજો જમાવી લીધો છે. આશીર્વાદ પાઠવજો આપ કે આપની પાસે જે સંયમજીવન છે અને સંયમજીવન પામી ગયાનો આપના હૈયે જે આનંદ છે. એ જીવન અને એ આનંદનો સ્વામી હું ય બનીને જ રહું. જય, એ ધન્ય દિવસ અને એ ધન્ય પળ તારા જીવનમાં શીઘ આવે એવા મારા તને અંતરના આશીર્વાદ તો છે જ પણ એ માટે તારે આ ‘ભક્તિ'ના ત્રીજા વિકલ્પના સ્વામી બની જવું જ પડે. કારણ કે ‘ભોગ'નો પ્રથમ નંબરનો વિકલ્પ ખતરનાક છે.
તો ‘દમન'નો બીજા નંબરનો વિકલ્પ અસ્થાયી છે. ભક્તિ'નો ત્રીજા નંબરનો વિકલ્પ જ એક એવો છે કે જે આનંદદાયી હોવાની સાથે ચિરંજીવી પણ છે . સંસાર કરતાં તને સંયમ વધુ ગમે, વાસના કરતાં ઉપાસના તને વધુ આકર્ષે, પૈસા કરતાં પરમાત્મા તને વધુ પાગલ બનાવે, શરીર-મનના સુખ કરતા આત્માનો આનંદ તને વધુ પાગલ બનાવે અને પ્રેમ કરતાં શ્રેયને પામવાની તારી ઝંખના પ્રબળ થઈ જાય, બસ, ‘ભક્તિના ત્રીજા નંબરના વિકલ્પનું સ્વામિત્વ તને પ્રાપ્ત થઈ ગયું જ સમજ. આંખ સામે રાખજે, સાસરે જતી કન્યાને. એ ‘રાગ’ને છોડતી નથી, રાગના પાત્રને બદલાવી નાખે છે. મા-બાપનો રાગ સાસુ-સસરા પર અને ભાઈનો રાગ પતિ પર, બહેનનો રાગ નણંદ પર અને પિયરનો રાગ સાસરા પર. આખી જિંદગી એ મજેથી સાસરામાં ખેંચી કાઢે છે. આ જ કામ તારે કરવાનું છે. સંસારનો ત્યાગ તું કરે ત્યારે કરજે. અત્યારે કમ સે કમ સંસાર પ્રત્યેના રાગને ધર્મ પ્રત્યેના રાગમાં રૂપાંતરિત તો કરી દે ! તારું કામ થઈ જશે.
૬૯