________________
(૨) સન્દુરુષોનો સંગ (૩) મૃત્યુનો વિચાર (૪) સુકૃત અને દુષ્કૃતના ફળની વિચારણા.
તેરમું ષોડશક આ વાત લઇને આવે છે. ચૌદમા ષોડશકમાં આલંબન અને નિરાલંબન યોગનું વર્ણન છે. સાલંબન યોગમાં પરમાત્માના રૂપનું ધ્યાન કરવાનું છે. ધ્યાન ચિત્તનો વિષય છે.અશુદ્ધ ચિત્ત અતિ ચંચળ હોવાથી તેમાં ધ્યાન સંભવતું નથી ધ્યાનમાં બાધક બનતા ખેદ વગેરે આઠ દોષોનું વર્ણન પ્રાયઃ અન્યત્ર જોવા મળતું નથી. નિરાલંબન યોગમાં ગુણોનું આલંબન હોય છે. ખેદ વગેરે દોષોથી રહિત યોગીની ચિત્તદશા અને ધ્યાનના ક્રમ વગેરે બાબતો અહીં દ્રષ્ટિગોચર થાય છે.
e પંદરમા ષોડશકમાં ધ્યેયનું સ્વરૂપ વર્ણવ્યું છે. ધ્યાનની કક્ષાએ આ વાત અતિ મહત્ત્વની છે. જો ધ્યેય જ શુદ્ધ ન હોય તો ધ્યાન શુદ્ધ આવવાનું નથી. જગતમાં સર્વોત્તમ ધ્યેય છે, અરિહંત પરમાત્માઓ – સિદ્ધપરમાત્માઓ.
ધ્યેય અને ધ્યાતા વચ્ચેના ભેદભાવનું વિસર્જન એ ધ્યાનનું ફળ છે. ધ્યાતા અને ધ્યેયની એકતાનું નામ સમરસાપત્તિ છે. અંતિમ ષોડશકમાં તેની વિવેચના છે. આત્માના સ્વરૂપ અંગે દાર્શનિક વિમર્શ પૂજ્યશ્રીએ અહીં કર્યો છે. જુદા જુદા દર્શનોમાં આત્માનું જે એકાંત સ્વરૂપ જ પૂર્ણસત્ય તરીકે સ્વીકારવામાં આવ્યું છે, તેને કારણે ‘‘સમરસાપત્તિ'- જે યોગમાર્ગનું ચરમ ફળ છે તે પ્રાપ્ત કરવામાં અનેક બાધાઓ સર્જાય છે. ધ્યાતા આત્માનું જિનોક્ત સ્વરૂપ જ સમરસાપત્તિ માટે સર્વરૂપે સુયોગ્ય છે.
પ્રસ્તુત સંપાદનમાં પૂજ્યપાદ ધર્મતીર્થ પ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજયમિત્રાનંદ સૂરીશ્વરજી મહારાજાએ ટીકા સાથે આ ગ્રંથનો ભાવાનુવાદ કર્યો છે. પૂજય આચાર્ય ભગવંત સમર્થ વિદ્વાન હતા. આચારમાર્ગમાં અને અધ્યાત્મમાર્ગમાં સહાયક બને તેવા ગ્રંથો તેમને અતિપ્રિય હતા. તેમને જે ગમી જતું તેનો તરત ગુલાલ કરી દેતા, ખાસ કરીને તેમની નજર સમક્ષ પ્રારંભિક કક્ષાના જીવો રહેતા. તેમણે સંસ્કૃત ટીકા કે ગુજરાતી અનુવાદ રચ્યા તેના વાચક તરીકે પ્રારંભિક સાધકોને નજર સમક્ષ રાખ્યા છે. અધ્યાત્મબિંદુ કે ચારિત્રમનોરથમાલાની ટીકા પછી ષોડશકનો ભાવાનુવાદ એ જ ક્રમ અને કક્ષામાં આવે છે. આથી ભાવાનુવાદમાં ટીકાના દુર્ગમ સ્થળોની વિવેચના જોવા ન મળે તે સ્વાભાવિક છે.
- આપણા શ્રી શ્રમણસંઘમાં પ્રકરણ-ભાષ્ય-કર્મગ્રંથ-શતક-કુલક વગેરે કંઠસ્થ કરવાની જે પરંપરા છે તેમાં યોગગ્રંથ તરીકે આ ષોડશકને પણ સ્થાન મળવું જોઇએ. એટલું જ નહિ પ્રકરણના પદાર્થોની જેમ આ યોગગ્રંથના પદાર્થો પણ કંઠસ્થ થતા રહેવા જોઇએ અને સ્વાધ્યાયની પરિપાટીમાં ઉપસ્થિત હોવા જોઇએ. અનુભૂતિના આચાર્યભગવંત શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના શબ્દો આપણી ભીતરના યોગમાર્ગને જગાડવાની તાકાત ધરાવે છે.
પોતાના ગુરુદેવના અધૂરાં રહેલાં કાર્યને પૂર્ણ કરીને પૂ.પં.શ્રી ભવ્યદર્શનવિજયજી ગણિવર્ય જે અનુપમ ગુરુભક્તિનો - શ્રુતસેવાનો લાભ પ્રાપ્ત કર્યો તેની અંતરથી અનુમોદના... યોગમાર્ગનો સહારો લઇને સહુ કોઇ પોતાના રાગ-દ્વેષથી મુક્ત બને એજ મનઃકામના.
ફાગણ વદ-૭, ૨૦૬૧, શ્રી ૨. છ. આરાધના ભવન, નવસારી
- મુ. વૈરાગ્યરત વિજય