Book Title: Sarvdharn Darshan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 64
________________ સૌથી આગવો અને લાક્ષણિક ગુણ તે તેની અપાર ભલાઈ છે. તેથી આ ધર્મને ‘ભલા દીન' તરીકે ઓળખવામાં આવે છે. નેકીનું અનુકરણ અને બદીથી પ્રયત્નપૂર્વક દૂર રહેનારને ઈશ્વર પ્રાપ્ત થશે. આ ધર્મમાં ભલાઈ અને સુખને સમાનાર્થક ગણવામાં આવ્યા છે. પરંતુ જરથુષ્ટ્રના ફરમાન મુજબ જે માથાભારે પાપીઓ સુધરે નહીં અને સુધારવા માગે પણ નહીં તેનો શસ્ત્રથી સામનો કરી પરાજિત કરવા જોઈએ. સત્ય, શુદ્ધિ અને પવિત્રતા માટે પુરુષાર્થ કરવો જોઈએ. ‘અષ’ = સત્યમાં બધાય ગુણ સમાઈ જાય છે. સહેલો, સાદો અને વ્યવહારુ છે. જરથુસ્તીઓ પહેલાં ધર્મને માને છે, પછી કર્મને વખાણે છે. તેઓ માનસની (નેક વિચાર), ગવશની (નેક વાચા) અને કુનશની (નેક વર્તન)ની ત્રિપુટીમાં શ્રદ્ધા ધરાવે છે. વિચાર અને વાચા શુદ્ધ હોય પણ જો તે શુદ્ધ કર્મોમાં ન પરિણમે તો તેની કશી કિંમત નથી. કર્મ તો માણસના ચારિત્ર્યની સાચી કસોટી છે. ‘સત્કર્મોનું સારું ફળ અને ખરાબ કર્મોનું ખરાબ ફળ’ માણસને અવશ્ય મળે છે એવી માન્યતા આ ધર્મમાં પણ છે. માનવીએ રોજિંદા કર્મો તો કરવાનાં જ પણ પવિત્રતા અને ભલાઈનાં કર્મો ખાસ કરવાનાં છે. કોઈ શત્રુને મિત્ર બનાવવો, કોઈ દુષ્ટને પવિત્રતાનો પંથ બતાવવો અને કોઈ અજ્ઞાનીને જ્ઞાનનું દાન કરવું એ સર્વોત્તમ ધાર્મિક કાર્યો છે. જરથુસ્તી ધર્મની મુખ્ય આજ્ઞાઓ છે – ભલાઈ, પરોપકાર, સેવા અને સખાવત. (દાન), નિષ્કામ શ્રેયનાં કાર્યો કરવાં, શુભ કાર્યો કરવાં એ સાચી ફરજ છે. જીવન પાપનો સામનો કરવા માટેની એક રણભૂમિ છે અને એમાંથી પલાયન થવું તે કાયરતા છે. જરથુસ્તી ધર્મ સંન્યાસ અથવા સંસારત્યાગની વિરુદ્ધ છે. સંસાર છોડીને નાસી જવાનો કોઈને હક્ક નથી. આમ છતાં આ ધર્મ સાધુસંતોની વિરુદ્ધ નથી. ઈશ્વરપ્રાપ્તિનો માર્ગ તે મનુષ્ય કલ્યાણનો જ માર્ગ છે. કેમ કે જનસેવા એ જ પ્રભુસેવા છે. ઈશ્વર કાંઈ જનતાથી જુદો નથી. આ ધર્મ કહે છે, “હૃદયથી સંન્યાસી બનો, સંયમી જીવન ગાળો અને સંસારી પણ પવિત્ર જીવન ગુજારો – સંસારમાં રહો, સંસારની ફરજ અદા કરો, પ્રભુમય જીવન ગાળો.” જીવન સ્વમ નથી, પરસ્પર ભલાઈ બતાવવા માટેની સોનેરી તક છે. આ ધર્મ નિષ્ક્રિયતાને વખોડે છે. આળસને મૂર્ખાઈ ગણે છે. ઉદ્યોગી માણસો આળસને રોગ ગણે છે – પાપ ગણે છે. લાંબુ આયુષ્ય અને મિતાહારી જીવન મોજ કરવા માટે નહીં પણ છેવટ સુધી સારાં કાર્યો કરવા માટે યાચવાનું છે – માનવજાતની સેવા માટે યાચવાનું છે. જરથુસ્તી ધર્મ એટલે એવું પ્રભુમય જીવન જેમાં પ્રેમ કરતાં શ્રેય ઉપર, શરીર કરતાં આત્મા ઉપર ઘણું વધારે ધ્યાન આપવાનું ફરમાન છે. સમાજમાંથી પ્રાપ્ત કરેલાં ધનને, સમાજમાં જ, લોકકલ્યાણ માટે વાપરવું જોઈએ. સાર્વજનિક હિતમાં, પારસીઓને વિશેષ રસ છે. આ ધર્મ, જનતાની સેવા દ્વારા જનાર્દનને પ્રાપ્ત કરવાનો માર્ગ દર્શાવે છે. જરથુસ્તીઓ આશાવાદી છે, શ્રદ્ધાળુ છે. આશાવાદ સાથે આનંદ અને હાસ્ય સંકળાયેલા હોય છે. પારસીઓમાં હાસ્યવૃત્તિ સારા પ્રમાણમાં મળી આવે છે. હાસ્ય ધર્મયુક્ત હોવું જોઈએ એમ તેઓ માને છે. આ ધર્મ દુન્યવી પ્રગતિની પણ હિમાયત કરે છે, લોકો સુખી, સંસ્કારી અને સમૃદ્ધ બને એવું ઇચ્છે છે. પરધર્મ સહિષ્ણુતા આ ધર્મમાં સહજ છે. સૌ ધર્મો ઈશ્વરપ્રાપ્તિના પંથ છે. તેથી જરથુસ્તીઓ અન્ય ધર્મ અને સંસ્કૃતિમાં જે કાંઈ શ્રેષ્ઠ હોય તેને આવકારે છે. “જેટલું મારું તેટલું સારું.’ એમ નહીં પણ “જેટલું સારું તેટલું મારું.' એવો ઝરથોસ્તીઓનો મત છે, સહિષ્ણુતાનો મત છે. સહિષ્ણુતાનાં અનેક દૃષ્ટાંતો પણ મળી આવે છે. સ્ત્રીઓને, પ્રાચીનકાળથી યોગ્ય સ્વતંત્રતા આ ધર્મે આપી છે. સ્ત્રીનો દરજે કેટલીક બાબતમાં પુરુષ સમાન હતો. પુરુષની જેમ સ્ત્રીની આરાધનાની - ગુણીયલ સ્ત્રીની આરાધનાની આ ધર્મમાં હિમાયત કરી છે. સ્ત્રીના સૌથી મહાન સગુણ તેની નિર્મળતા અને પતિવ્રતાપણું ગયું છે. આ ધર્મ સ્વચ્છતાનો આગ્રહી છે. શરીરશુદ્ધિ, ઘર, શેરી, કુવા વગેરેની શુદ્ધિનો આગ્રહ રાખવામાં આવે છે. આપણે ઉપયોગમાં લઈને છીએ તે સર્વ વસ્તુઓ શુદ્ધ હોવી જોઈએ, કારણ કે અસ્વચ્છ વસ્તુઓનો ઉપયોગ કરે તે મનુષ્ય પવિત્ર નથી. એમ આ ધર્મ માને છે. આથી આ ધર્મમાં નીચેની આજ્ઞાઓ આપી છે. સર્વધર્મ દર્શન ૧૩ ૧૦૪ સર્વધર્મ દર્શન

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101