________________
ધર્મ એ આકાશમાંથી વરસતું પાણી છે, તેમાં કયાંય ભેદ નથી. આધ્યાત્મિક આનંદ રૂપે ધર્મનું દર્શન એક જ છે પણ પંથનો સ્પર્શ થયા પછી તેમાં ‘તારા’ ‘મારા'ની વિકૃતિ ન પ્રવેશે તેની સાવચેતી રાખવી પડે.
ધર્મને સંકુચિત દીવાલોમાં પૂરી દેવાનો નથી કે નથી બંધિયાર બનાવવો, જો તેને મુક્ત સરિતારૂપે વહેવા દઈશું તો જળરૂપી ધર્મ નિર્મળ રહેશે. એ દરેક પંથના લોકોની ધર્મતૃષાને તૃપ્ત કરશે એમ ધર્મથી અનેકોનાં કલ્યાણ થશે.
તળાવ, કૂવા, વાવ કે સરોવરના પાણીને આપણે આ અમુક કૂવાનું પાણી કે આ અમુક સરોવરનું પાણી એવાં ભિન્ન ભિન્ન નામ આપી શકીએ. એ તો અલગ અલગ જગ્યાએ મર્યાદિત રીતે માત્ર પાણી સાચવવાની સહજ વ્યવસ્થા છે. તે તમામ સ્થળોના પાણીમાં જલતત્ત્વ એક જ છે. આકાશી જળ સર્વત્ર અને સતત વરસતું હોય છે, એને આપણે શું નામ આપી શકીએ? એવું જ ધર્મતત્ત્વનું છે. નિર્મળ ઝાકળબિંદુ રૂપે એ જળને આપણે ઝીલી લેવાનું છે.
અમર મુનિ વિહાર કરતાં કરતાં એક ગામ પહોંચ્યા. રાતવાસો કરવા સ્થળની શોધમાં હતા. આશ્રમના એક મહંતે તેમને કહ્યું કે, ‘જૈનોની ધર્મશાળા છે ત્યાં જાવ.’ મુનિ ધર્મશાળામાં પહોંચ્યા. રાતવાસો કરવા ધર્મશાળાના વ્યવસ્થાપકને પૂછયું, તે કહે, “સ્થાનકવાસી સાધુ માટે અહીં વ્યવસ્થા નથી. મુનિ આગળ ચાલ્યા, એકાંત જગ્યામાં એક ઝૂંપડી હતી. ઝુંપડીનું બારણું બંધ હતું. મુનિએ બહારથી પૂછ્યું : “રાતવાસો કરવો છે., જગ્યા મળશે ?' ઝૂંપડીનાં બારણાં ખોલી અંદરથી એક સંતે મુનિને આવકાર્યા. મુનિ કહે છે - સંતે ઝૂંપડીમાં જ નહિ, મનનાં બારણાં ખોલી નાખ્યાં.
ધર્મમાં સાંપ્રદાયિક કટ્ટરતા કે સંકુચિતતા, વિશાળતા અને મૈત્રીભાવનાં બારણાં બંધ કરી દે છે.
- સંત કહે – ‘મહારાજ, બીજું તો કાંઈ નથી થોડું દૂધ છે તે લેશો ?”
મુનિ કહે, “જૈન સાધુ સૂર્યાસ્ત પછી કશું ન લે, પરંતુ તમારા પ્રેમ અને સ્નેહનું અમૃત તો મેં લઈ લીધું છે.'
ધર્મ અને પંથને અલગ કરવા જરૂરી છે. પંથમાં જ્યાં સુધી ધર્મ જીવે છે ત્યાં સુધી તો તેમાં એક નહિ પણ હજાર પંથો હોય તો પણ તે માનવજાત માટે વરદાનરૂપ છે. પંથ ધર્મરહિત બને ત્યારે તે ખાબોચિયાની જેમ સડે છે. માટે જ જ્ઞાનીઓએ પંથને શરીર અને ધર્મને આત્મા કહ્યો. આત્મા ગયા પછી શરીર સડવા માંડે છે, માટે તેને અગ્નિદાહથી વિસર્જિત કરીએ છીએ. મહત્ત્વ સંપ્રદાય કે પંથનું નથી, મહત્ત્વ ધર્મનું છે.
પંથ કે સંપ્રદાય પ્રેરિત વાદ વિવાદોમાં અટવાશું તો સધર્મનો માર્ગ ચૂકીશું. “આત્મતત્ત્વ'ને પામવાની ઝંખના રાખીશું તો ગમે તે સંપ્રદાય પંથ, ગચ્છ કે મતમાં હોઈશું તોપણ આત્મધર્મના રાજમાર્ગ પ્રતિ જઈ શકીશું.
માનવધર્મના સતત સ્મરણ સાથે આત્મલક્ષ્મી સાધના, વિચાર, સર્વધર્મ સમભાવ, આ માટે સર્વધર્મ ઉપાસનામાં વિલીન થશે તો સ્વપરના કલ્યાણનું કારણ બનશે.
સર્વધર્મ દર્શન
૧૫૧
૧૫૧
૧૫૨
સર્વધર્મ દર્શન