________________
કેળવવાથી બધા ધર્મો સાથે મૈત્રી બંધાશે, બધા ધર્મોને એ પોતાના ગણશે. ક્રોધ, આવેશ કે ઝનૂન ક્યારેય ધર્મનાં તત્ત્વો રહ્યાં નથી. કોઈ પણ ધર્મે તેને પ્રમાણભૂત માન્યા નથી ધર્મને નામે પાશવી અને હિંસક વૃત્તિનો દોર કોઈ છૂટો મૂકે એની જવાબદારી ધર્મ ઉપર ન લાદી શકાય. ધર્મની પવિત્ર ભાવનાનું વાસ્તવિક સ્વરૂપ સમજવામાં આવે તો કેટલી મુશ્કેલીઓ દૂર થઈ જશે !!
ડૉ. રાધાકૃષ્ણે કહ્યું છે, બિનસાંપ્રદાયિક હોવું એટલે ધાર્મિક દૃષ્ટિએ નિરક્ષર રહેવું એવો અર્થ થઈ શકે જ નહીં. સાંપ્રદાયિક સંકુચિતતા છોડીને ઊંડી આધ્યાત્મિકતા કેળવવી એ જ બિનસાંપ્રદાયિક હોવાનો
ખરો અર્થ છે.’ ઊંડી આધ્યાત્મિકતા અને ધાર્મિક સહિષ્ણુતા સર્વધર્મસમભાવથી આવી શકશે. ધાર્મિક જીવન જીવવાનું બીજાં પ્રાણીઓ માટે શક્ય જ નથી, માનવજાતિ માટે જ એ શક્ય છે. જે માણસ માનવજાતિની આ વિશેષતાને ધ્યાનમાં લઈને ધાર્મિક જીવન ગાળે છે તે ભય અને આક્રમકતાની વૃત્તિથી મુક્ત થઈ શકે છે અને ઉત્તમ પ્રકારનું જીવન જીવી શકે છે. ધર્મ માણસને નિર્ભય બનાવે છે.
ગાંધીજીના વિચારો અને આદર્શોને મૂર્તિમંત સ્વરૂપ આપવાની સતત પ્રવૃત્તિ કરનાર આચાર્ય શ્રી વિનોબા ભાવેએ સર્વધર્મ સમભાવ પર વ્યાપક અને સરળ ચિંતન રજૂ કર્યું છે. તેઓએ યથાર્થ રીતે દર્શાવ્યું છે કે ધર્મ વ્યક્તિ અને વ્યક્તિની વચ્ચે વેરઝેર, વિરોધ કે અશાંતિ સર્જવા માટે છે જ નહિ, ધર્મ એટલે શાંતિ અને સહિષ્ણુતા. અન્ય મતવાદીઓ પ્રત્યે ઉદારતા અને જ્યાંથી મળે ત્યાંથી શુભ અને મંગલ તત્ત્વો સ્વીકારવા માટેની તત્પરતા. આવી તત્પરતા જો હોય તો, વ્યક્તિવ્યક્તિ વચ્ચેની કે ધર્મ-ધર્મ વચ્ચેની અશાંતિ આપોઆપ શમી જાય છે અને માનવકલ્યાણ માટેની સાચી દિશા પ્રાપ્ત થાય છે.
બધા ધર્મોને ભેળા કરવાની દૃષ્ટિએ ગાંધીજીએ સર્વધર્મ પ્રાર્થના ચલાવી હતી. બધા ધર્મોમાંથી થોડું થોડું લઈને ગાંધીજીની પ્રાર્થના ચાલતી. ધર્મભાવના એ માણસની વિશેષતા છે. માણસની ધર્મભાવના હંમેશા અંદરથી એક પ્રેરણારૂપ થતી રહે છે. ધર્મ શબ્દ એટલો વિશાળ અને
સર્વધર્મ દર્શન
૧૫૭
વ્યાપક છે કે તેની બધી અર્થછાયા બતાવનારો શબ્દ મેં આજ સુધી બીજી કોઈ ભાષામાં જોયો નથી. ધર્મ આપણો ચતુર્વિધ સખા છે. આપણા વ્યક્તિગત, સામાજિક, ઐહિક અને પારલૌકિક જીવન માટે મિત્રનું કામ કરે છે. આ સંદર્ભમાં બધા ધર્મોનો સમન્વય થવો જોઈએ અને તે માટે આ બધા ધર્મોના મુખ્ય ગ્રંથોનોયે સમન્વય થવો જોઈએ. ખરું જોતા, જેને આપણે ધર્મગ્રંથો કહીએ છીએ તે પૂરેપૂરા ધર્મવિચારથી ભરેલા નથી, મોટા મોટા ધર્મગ્રંથોમાં પણ એવા અંશો હોય છે, જેને આજની કસોટીએ કસીને ધર્મવિચાર કે સદ્વિચાર તરીકે માન્ય નહિ કરી શકીએ. માટે આપણી વૃત્તિ સાર ગ્રહણ કરી લેવાની હોવી જોઈએ. ઉપરના વિચારો સંત વિનોબા ભાવેના છે. તેમની ભૂદાન ચળવળમાં પૂર્વ પાકિસ્તાનની યાત્રા વખતે અને કાશ્મીર યાત્રા વખતે આપેલાં પ્રવચનો પરથી સંત વિનોબાજી સર્વધર્મ સમન્વય અને સમભાવના પુરસ્કર્તા હતા તે પ્રતીત થયા વિના રહેતું નથી.
ધર્મ માનવજાતનો સદાનો મિત્ર છે, સોબતી છે. માણસને માણસ બનાવનારું તત્ત્વ ધર્મ છે અર્થાત્ માણસને માણસ તરીકે જીવવું હોય તો ધર્મ તેને માટે અનિવાર્ય થઈ પડે છે. મનુસ્મૃતિમાં દર્શાવ્યું છે, ‘જે માણસ ધર્મનું રક્ષણ કરે છે તે માણસનું ધર્મ રક્ષણ કરે છે.' આ રીતે માણસના માણસપણાનું રક્ષણ ધર્મથી થાય છે. ઉપરાંત સમાજની રાષ્ટ્રની એકતા અને સ્થિરતા ટકાવી રાખવામાં ધર્મનો ઘણો મોટો ફાળો છે તેને ધ્યાનમાં રાખીને મહાભારતકારે ધર્મને પ્રજાજીવનનો આધારસ્તંભ’ ગણાવ્યો છે. ધાર્મિક જીવન ફક્ત મંદિર-મસ્જિદમાં કે ક્રિયાકાંડમાં સમાપ્ત ન થવું જોઈએ, પરંતુ માણસના સમગ્ર વ્યક્તિત્વ અને વ્યવહાર સાથે એ વણાઈ જવું જોઈએ. ડૉ. રાધાકૃષ્ણે કહ્યું છે, ધર્મ એ કેવળ અમુક માન્યતા, અમુક લાગણી કે ક્રિયાકાંડ નથી પણ પરિવર્તિત જીવન છે. માણસના ધર્મની પરીક્ષા તેની બૌદ્ધિક માન્યતાઓથી નહીં પણ તેના ચારિત્ર્યથી અને વલણથી થાય છે. માણસને આપણે તેમની માન્યતાઓથી નહીં પણ માન્યતાઓના ફળથી ઓળખીએ છીએ.’
જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને નીતિ એ ધાર્મિક જીવનનાં ચાર
૧૫૮
સર્વધર્મ દર્શન