________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
જાણી અભેદ ચિન્માત્ર નિત્યાનંદસ્વરૂપ આત્મવસ્તુમાં તન્મય થઈ પ્રવર્તવું તે ધર્મ છે, તે મોક્ષમાર્ગ છે.
પ્રશ્ન:- વીર્યગુણ વિકારને રચતો નથી, તો પછી વિકાર થાય છે કેમ ?
ઉત્ત૨:- અનાદિકાળથી જીવ અજ્ઞાની પર્યાયદૃષ્ટિ છે. તે પર્યાયબુદ્ધિથી જ વિકારને ઉત્પન્ન કરે છે. પર્યાયબુદ્ધિમાં જ વિકારની રચના છે. પોતે જ્યાંસુધી ૫૨માં ને પર્યાયમાં અટકયો છે ત્યાં સુધી વિકારની રચના થાય છે. બાકી સ્વભાવમાં વિકાર નથી, ને સ્વભાવ-દૃષ્ટિમાં-દ્રવ્યદૃષ્ટિમાં વિકારની રચના થતી નથી. આત્માની વીર્યશક્તિ સ્વભાવદૃષ્ટિ થતાં સ્વરૂપની-નિર્મળ નિર્મળ પર્યાયની જ રચના કરે છે. માટે હે જીવ! પર્યાયબુદ્ધિનો ત્યાગ કરી સ્વભાવની દૃષ્ટિ કર. અરે ભાઈ ! તારા સ્વભાવવીર્યમાં ચૈતન્યની જેટલી શક્તિઓ છે તે બધાનું રૂપ છે. દૃષ્ટિમાં જ્યાં શુદ્ધ અંતઃતત્ત્વનો સ્વીકાર થયો ત્યાં પર્યાયમાં અનંતગુણોની નિર્મળ પર્યાયનું કાર્ય પ્રગટ થાય છે, ને આ નિર્મળ પર્યાય તે મોક્ષમાર્ગ છે. (પર્યાયબુદ્ધિ તે સંસારમાર્ગ છે).
૬-વીર્યશક્તિ : ૪૩
પંડિત દીપચંદજી કાશલીવાલે ‘ચિદ્વિલાસ ’ગ્રંથમાં વીર્યશક્તિનું બહુ વર્ણન કર્યું છે. દ્રવ્યવીર્ય, ગુણવીર્ય, પર્યાયવીર્ય, ક્ષેત્રવીર્ય, કાળવીર્ય, તપવીર્ય, ભાવવીર્ય ઇત્યાદિ ત્યાં વિશેષ (વાત) છે. દ્રવ્ય દ્રવ્યથી શક્તિવાન છે, પર્યાય પર્યાયથી શક્તિવાન છે ઇત્યાદિ. દ્રવ્યનું (–આત્માનું) જે અસંખ્યપ્રદેશ ક્ષેત્ર છે તે ક્ષેત્રવીર્ય છે. આ ક્ષેત્રવીર્ય પોતાથી રહ્યું છે. નરક દુ:ખનું ક્ષેત્ર છે, સ્વર્ગ સંસારસુખનું ક્ષેત્ર છે-એ તો સંયોગથી ક્ષેત્રની વાત છે. ભગવાન આત્માનું અસંખ્યપ્રદેશ-ક્ષેત્ર છે તે ક્ષેત્રવીર્ય છે. આ અસંખ્યપ્રદેશરૂપ વીર્ય સુખસ્વરૂપ છે. અસંખ્યપ્રદેશમાં જેનો નિવાસ-વાસ્તુ છે તેને અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે, અને પુણ્ય-પાપરૂપ રાગાદિમાં જેનો નિવાસ છે તેને દુઃખનું વેદન થાય છે. આવો ભગવાનનો મારગ બહુ ઝીણો-સૂક્ષ્મ !
આત્મા પોતે સૂક્ષ્મ છે. આત્મામાં સૂક્ષ્મત્વ નામનો ગુણ છે ને! તેથી આત્માની દરેક ચીજ સૂક્ષ્મ છે. જ્ઞાનસૂક્ષ્મ, દર્શનસૂક્ષ્મ, આનંદસૂક્ષ્મ, વીર્યસૂક્ષ્મ ઇત્યાદિ બધું સૂક્ષ્મ છે. તેવી રીતે વીર્યનું રૂપ પણ દ્રવ્યવીર્ય, ક્ષેત્રવીર્ય, કાળ ( પર્યાય ) વીર્ય ને ભાવવીર્ય ઇત્યાદિપણે છે. આમ દીપચંદજીએ ખૂબ વિસ્તારથી વાત કરી છે. અહાહા...! દીપચંદજી સાધર્મી ગૃહસ્થ હતા. લોકમાં કોઈ કરોડપતિ આસામીને ગૃહસ્થ કહે તે નહિ, એ તો ખરો ગૃહસ્થ નથી; આ તો પોતાના ચૈતન્યઘરમાં જે સ્થિત છે તે સાચો ગૃહસ્થ એમ વાત છે. પોતાના ચૈતન્યસ્વભાવમાં એકાગ્ર થઈ સ્થિત થવું તે આત્મવીર્ય છે. પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં પોતાનું કામ કરે તે પોતાનું વીર્ય છે; પુણ્ય-પાપમાં સ્થિત થાય તે આત્મવીર્ય નથી.
દ્રવ્યના આલંબનથી જે મોક્ષમાર્ગની નિર્મળ પર્યાય પ્રગટ થાય તે પર્યાયનું ક્ષેત્ર ભિન્ન છે અને દ્રવ્ય-ગુણનું ક્ષેત્ર ભિન્ન છે. દ્રવ્યાનુયોગની વાત બહુ સૂક્ષ્મ છે ભાઈ! સંવર અધિકા૨માં આવ્યું છે કે-વિકાર જુદી વસ્તુ છે, તેનું ક્ષેત્ર દ્રવ્ય-સ્વભાવથી ભિન્ન છે. પર્યાયનું ક્ષેત્ર પર્યાય, પર્યાયની શક્તિ પર્યાય, પર્યાયનું કારણ પર્યાય છે. દ્રવ્ય-ગુણ તે પર્યાયનું ખરેખર કારણ નથી. સર્વજ્ઞ પરમેશ્વર સિવાય આવી વાત બીજે કયાંય છે નહિ. અહા! સર્વજ્ઞ પરમેશ્વરે જે આત્મા જોયો તેની આ વાત છે. એક સ્તવનમાં આવે છે ને કે
પ્રભુ તુમ જાણગ રીતિ, સૌ જગ દેખતા હો લાલ;
નિજસત્તાએ શુદ્ધ, સૌને દેખતા હો લાલ.
હૈ પરમાત્મા! આપ ત્રણકાળ ત્રણલોક દેખો છો. તેમાં આત્મા નિજ સત્તાએ શુદ્ધ પવિત્રધામ પ્રભુ છે એમ આપ જાણો છો. અનાદિઅનંત અકારણ શુદ્ધ ચૈતન્યસત્તાસ્વરૂપ જીવવસ્તુ છે એમ આપે કેવળજ્ઞાનમાં જોયું છે. અહા ! સર્વજ્ઞ ૫૨માત્માએ જોયેલા આવા આત્માને-નિજ શુદ્ધ અંત:તત્ત્વને-અંતર્મુખ થઈ દેખે છે તેને સમ્યગ્દર્શન આદિ ધર્મ પ્રગટ થાય છે, આનું નામ આત્મવીર્યની સ્ફુરણા છે. બાકી જે પુણ્યભાવમાં સ્થિત રહે છે તેનું આત્મવીર્ય સ્વરૂપની રચના પ્રતિ જાગ્રત થતું નથી, તેને સંસાર અર્થાત્ દુ:ખ જ ફળે છે, કેમકે પુણ્યભાવ છે તે વર્તમાન દુઃખરૂપ છે અને એનાં જે ફળ પાકે છે એય દુઃખરૂપ છે. સમયસારની ગાથા ૭૪માં આવે છે કે-આસ્રવો-‘વુÜા વુવન ત્તિ...' અર્થાત્ આસ્રવો દુઃખરૂપ અને દુઃખ ફળરૂપ છે. આથી જ વિવેકી પુરુષો પુણ્યભાવથી પણ વિરક્ત થઈ નિજ આત્મવીર્યને સ્વરૂપની રચના પ્રતિ જાગ્રત કરે છે. આનું નામ પુરુષાર્થ છે અને આ માર્ગ છે.
આ પ્રમાણે છઠ્ઠી વીર્યશક્તિ અહીં પૂરી થઈ.
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com