________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ તો વ્યાપક નથી, તે રાગમાં-વિકારમાં પણ વ્યાપક નથી. અનાદિ સંસારથી એને રાગ તો વિવિધ પ્રકારના અનેક થયા છે, અસંખ્ય પ્રકારના શુભાશુભ ભાવ થયા છે, પણ તેમાં ભગવાન આત્મા વ્યાપક-તન્મય નથી. આત્મા રાગમય થઈ જતો નથી; એ તો ત્રિકાળ એકસ્વરૂપાત્મક જ છે.
જેમ એક દીવો વારાફરતી અનેક ઓરડાઓમાં ફરે, ત્યાં દીવો તો નિજ પ્રકાશસ્વરૂપ દીવો જ છે, દીવો કાંઈ ઓરડારૂપે થઈ જતો નથી. તેમ અનંતાં શરીરોમાં ને અસંખ્યાત પ્રકારના રોગમાં ફરવા છતાં આ ચૈતન્યદીવડો પ્રભુ આત્મા ત્રિકાળ નિજ ચૈતન્યના પ્રકાશરૂપ-એકસ્વરૂપ-જ્ઞાયકસ્વરૂપ જ છે; જેમ દીવો ઓરડામાં વ્યાપતો નથી, તેમ ચૈતન્ય-દીવડો-આત્મા શરીરમાં ને રાગમાં વ્યાપતો નથી. અહાહા...! એની પર્યાયમાં જે દયા, દાન, વ્રત, ભક્તિ આદિના વિકલ્પ થાય છે તેમાં ભગવાન આત્મા તન્મયપણે વ્યાપતો નથી. લ્યો, હવે લોકો પોકાર કરે છે કેવ્યવહારથી નિશ્ચય થાય; પણ અહીં કહે છે–આત્મા વ્યવહારમાં વ્યાપતો નથી. ભાઈ ! આત્મા વ્યાપક ને વ્યવહાર-રાગ તેનું વ્યાપ્ય એમ વસ્તુનું સ્વરૂપ જ નથી. ભગવાન આત્મા વ્યાપક એટલે કર્તા છે તે નિર્મળ પર્યાયરૂપ વ્યાપ્ય અવસ્થાનો કર્તા છે; ખરેખર તો એમ કહેવું એય વ્યવહાર છે, કેમકે તે નિર્મળ પર્યાય પોતે પોતાથી ઉત્પન્ન થઈ છે. તે પર્યાય કર્તા અને તે પર્યાય પોતે જ કર્મ છે. અહીં તો પરથી ભિન્નતા સિદ્ધ કરવી છે ને? તો કહ્યું કે-અનંત શરીરોમાં આ જ્ઞાયક પ્રભુ ત્રિકાળ એકસ્વરૂપાત્મક છે એવો એનો સ્વધર્મવ્યાપકત્વ સ્વભાવ છે.
તે એક હજાર યોજન લંબાઈવાળા શરીરને પ્રાપ્ત થયો હોય કે તેને અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ શરીર મળ્યું હોય, ભગવાન આત્મા તો સ્વયં પોતાના સ્વરૂપમાં જ વ્યાપક છે; તે શરીરમાં વ્યાપક નથી, ને રાગમાં પણ કદી વ્યાપક નથી. અહાહા...! આવો પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ અંદર આત્મા ત્રિકાળ બિરાજે છે. ભાઈ ! અંદર તારાં ચૈતન્યનાં નિધાન શું છે તેની તને ખબર નથી. અહાહા...! ભગવાન! તું પૂર્ણ જ્ઞાનાનંદસ્વરૂપ જિનસ્વરૂપી પ્રભુ છો. અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ ઇત્યાદિ અનંત ગુણસ્વરૂપથી શોભાયમાન પ્રભુ તું સ્વધર્મવ્યાપક છો. તને નાનાં-મોટાં શરીર મળ્યાં, પણ તેમાં તું વ્યાપક નથી. અરે, શરીરને તું કદી અડ્યો પણ નથી, અને રાગને પણ તું અડ્યો નથી. અહા ! આવો ત્રિકાળ એકસ્વરૂપાત્મક ભગવાન આત્મા છે તેને ઓળખી તેનો આશ્રય કરતાં નિર્મળ નિર્મળ પર્યાયો પ્રગટ થાય છે.
અસંખ્ય પ્રદેશી અનંત ગુણનું ધામ પ્રભુ આત્મા છે. આ નામ દઈને બોલાવે છે ને! એ નામ તો શરીરનું બાપા! શરીરનું નામ પાડયું તે આત્મા નથી. અરે, અનેક નામવાળાં નાનાં-મોટાં શરીરમાં રહ્યો છતાં શરીરને તે સ્પર્ધો પણ નથી. અહા ! એના અનંત ગુણમાં તે વ્યાપક હોવા છતાં તે ગુણભેદને સ્પર્યો નથી એવો તે નિત્ય એકસ્વરૂપ છે; તે અનેક-સ્વરૂપે કદી થયો જ નથી. હવે આમ છે ત્યાં આ લક્ષ્મી મારી, ને આ સ્ત્રી-કુટુંબ મારાં ને આ મહેલ-મકાન મારાં-એ કયાં રહ્યું? એ તો બધી જુદી ચીજ બાપુ! સંયોગ આવે ને જાય; પણ તેરૂપે-પરરૂપે આત્મા કદી થતો જ નથી. સમજાય છે કાંઈ...?
અનાદિથી આત્મા પોતાના એકસ્વરૂપમાં જ રહ્યો છે. અહા ! આવી પોતાની ચીજની દૃષ્ટિ કરવી તેનું નામ સમ્યગ્દર્શન છે. અરેરે ! આવા આ મનુષ્યદેહમાં, પોતાની આવી ચીજ સમજમાં ન લે, ને તેની દષ્ટિ ન કરે તો તેણે જીવનમાં શું કર્યું? કાંઈ જ ન કર્યું જીવન વ્યર્થ જ ખોયું. ભાઈ ! એકસ્વરૂપ એવા નિજ જ્ઞાયક સ્વરૂપને જાણ્યાઅનુભવ્યા વિના, ચાહે જેટલાં વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ કરે પણ એથી શું? એથી કોઈ જ લાભ નથી, કેમકે ભગવાન આત્મા તેમાં વ્યાપક થતો નથી. જેમ ભિન્ન-ભિન્ન શરીરોમાં રહેવા છતાં તેમાં આત્મા વ્યાપક થતો નથી તેમ શુભાશુભ રાગ થાય તેમાં પણ ભગવાન આત્મા વ્યાપક થતો નથી. આ શાસ્ત્રની–પરમાગમની છઠ્ઠી ગાથામાં આવ્યું ને કે
ण वि होदि अप्पमत्तो ण पमत्तो जाणगो दु जो भावो।
एवं भणंति सुध्दं णादो जो सो दु सो चेव।। અહાહા..ભગવાન આત્મા અપ્રમત્ત નથી, પ્રમત્ત નથી, એક જ્ઞાયકભાવસ્વરૂપ છે. અહીં શબ્દની વાત ન લેવી, શબ્દનું જે વાચ્ય છે તે જ્ઞાયક તત્ત્વને ગ્રહણ કરવાની વાત છે. “જ્ઞાયક' જે શબ્દ છે તેમાં જ્ઞાયક પદાર્થ નથી. “સાકર” શબ્દ વાચક છે, ને સાકર પદાર્થ તેનું વાચ્ય છે. તેમ અહીં “જ્ઞાયક’ શબ્દ વાચક છે, ને જ્ઞાયક ભાવ જે ત્રિકાળી દ્રવ્ય છે તે વાચ્ય છે. અહા ! તે ત્રિકાળી દ્રવ્ય જ્ઞાયક પ્રભુ, અહીં કહે છે, એકરૂપ રહ્યો છે, પ્રમત્ત-અપ્રમત્ત થયો નથી. પર્યાય ભલે મલિન કે નિર્મળ હો, વસ્તુ તો ત્રિકાળ એકસ્વરૂપે જ રહી છે. અહા ! આવા નિજ એકસ્વરૂપાત્મક દ્રવ્યની દૃષ્ટિ થતાં પર્યાયમાં પણ એકસ્વરૂપાત્મકપણાનું-સ્વધર્મવ્યાપકત્વનું પરિણમન થાય છે. આવી વાત બહુ સૂક્ષ્મ !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com