________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩-અસંકુચિતવિકાસત્વશક્તિ : ૭૯ પરિણમીને તેને જાણી લે. અહા ! જુઓ, આ અરિહંતનું સ્વરૂપ ! અહાહા...! જુઓ, આત્મબાગનો ચિવિલાસ ! લોકો બાગમાં વિલાસ કરવા જાય છે ને! મુંબઈમાં ફૂલઝાડના મોટા બગીચા છે, લોકો સાંજના ત્યાં હવા ખાવા જાય છે. એ ભાવ તો પાપરૂપ છે. આ તો ચૈતન્યવિલાસસ્વરૂપ આત્મબાગમાં અનંત શક્તિઓ અમર્યાદિત વિકાસ પામીને નિર્મળનિર્મળ આનંદ આપતી પરિણમે છે એની વાત છે.
અહાહા...! સંકોચ ન રહે અને પૂરણ બેહદ વિકાસ થઈ જાય એવી જીવની શક્તિ છે. જ્ઞાન, દર્શન, આનંદ, વીર્ય, અસ્તિત્વ, વસ્તુત્વ, કર્તા, કર્મ ઇત્યાદિ એકેક શક્તિ છે તે સંકોચ વિના અપરિમિત વિકાસરૂપે પરિણમે એવો ભગવાન આત્માનો સ્વભાવ છે. જેમ પરમાણુમાં અનંતગુણ લીલી, લાલ આદિ પર્યાય થાય છે તે પોતાના કારણે થાય છે, તેમાં પરનું કારણ બીલકુલ નથી; તેમ ભગવાન આત્મામાં અનંતજ્ઞાન, અનંતસુખ, અનંતવીર્ય આદિ પર્યાય ઉત્પન્ન થાય છે તે પોતાથી થાય છે, તેમાં પરનું સંચમાત્ર પણ કારણ નથી. અરે ભાઈ ! એક સમયમાં ત્રણકાળ સહિત લોકાલોકને પૂર્ણ જાણે, તેની ભૂત અને ભવિષ્યની પર્યાયોને પણ વર્તમાન પ્રત્યક્ષ જાણે તેને સર્વજ્ઞ કહેવામાં આવે છે. અહાહા...! સર્વજ્ઞ એટલે શું? એ તો શક્તિની અમર્યાદિત અસંકુચિતવિકાસરૂપ અવસ્થા છે. સમજાય છે કાંઈ...?
અરે પ્રભુ! કેવી કેવી (–મહા આશ્ચર્યકારી) શક્તિઓનો ભંડાર પ્રભુ તું છો તેની ખબર કરવાને બદલે તું બીજે ક્રિયાકાંડમાં રોકાઈ ગયો! અહા ! અનંત અમર્યાદિત મહિમાવંત એવી પોતાની ચીજના ભાન વિના આ તારા વ્રત, તપ આદિ કાંઈ કામના નથી. નિર્જરા અધિકારમાં આચાર્ય ભગવાને પોકારીને કહ્યું છે કે-અજ્ઞાની જીવ આત્માના ભાન વિના વ્રતાદિ ક્લેશ કરે તો કરો, પણ તે વડે તેને સંસારનો નાશ થતો નથી.
અરે ભાઈ ! તું અલ્પજ્ઞ રહે, અલ્પદર્શી, અલ્પ વીર્યપણે અને અલ્પ આનંદપણે રહે એવો તારો સ્વભાવ નથી, પણ ભગવાન! તું પૂર્ણાનંદ પ્રભુ પૂર્ણ જ્ઞાનાનંદનો દરિયો છે, અહાહા...! અલૌકિક ચીજ છો તું પ્રભુ! અહા ! આવું ભેદજ્ઞાન કરી અંદર અંતર્મુખ વળી અવલોકતાં સર્વજ્ઞત્વ, સર્વદર્શિત્વ આદિ અનંત શક્તિમાં સંકોચ વિના પૂર્ણ વિકાસ થાય એવા નિજસ્વભાવની પ્રતીતિ થાય છે. અહાહા..! આમાં આ એક ન્યાય સમજે તો બધા જ ભાવ સમજાઈ જાય એવી વાત છે. અહા! આ અસંકુચિતવિકાસત્વશક્તિ દ્રવ્ય-ગુણમાં તો ત્રિકાળ વ્યાપક છે, અને સ્વસમ્મુખતા વડે તેનો સ્વીકાર કરતાં જ તે પર્યાયમાં વ્યાપક થાય છે. અહાહા..! ત્રિકાળી દ્રવ્ય અસંકોચ વિકાસરૂપ, ગુણો અસંકોચ વિકાસરૂપ અને તદ્રુપ-પરિણત પર્યાય પણ અસંકોચ વિકાસરૂપ !! ગજબ વાત, ભાઈ !
હા, પણ પૂર્ણ વિકસિત જ્ઞાનની પર્યાય પૂર્ણ લોકાલોકને જાણે તેમાં લોકાલોક કારણ છે કે નહિ ?
ઉત્તર:- ના, જરાય નહિ, એ તો નિજ અંતઃપુરુષાર્થના સામર્થ્યથી જ પૂર્ણ વિકસિત જ્ઞાનની દશા લોકાલોકને પ્રત્યક્ષ જાણી લે છે, તેમાં લોકાલોકનું કાંઈ જ કારણપણું નથી. જો લોકાલોક કારણ હોય તો લોકાલોક તો અનાદિ છે અને તેથી કેવળજ્ઞાન-જ્ઞાનની પૂર્ણ વિકસિત દશા-અનાદિ હોવી જોઈએ. પણ એમ તો છે નહિ, કેમકે કેવળજ્ઞાન તો જીવને નવું સાદિ પ્રગટે છે. તેથી સ્પષ્ટ થાય છે કે લોકાલોક જ્ઞાનનું કારણ નથી; વળી તે જ્ઞાનનું કાર્ય છે એમ પણ નથી.
અહા ! જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ અનંતી શક્તિઓ અસંકુચિત વિકાસને પ્રાપ્ત થાય એવો આત્માનો સ્વભાવ છે અને તે સ્વસમ્મુખતારૂપ અંતઃપુરષાર્થ વડે સિદ્ધ થાય છે. આવો મારગ છે; આ સિવાય બધું થોથેથોથાં છે. સમજાણું કાંઈ? લ્યો,
આ પ્રમાણે અસંકુચિતવિકાસત્વશક્તિનું વર્ણન પૂરું થયું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com