________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ પ્રત્યક્ષ જણાય એવો એનો સ્વભાવ છે; ભાઈ ! પરોક્ષ રહે એવો આત્માનો સ્વભાવ નથી. હા, પણ તે ઈન્દ્રિય પ્રત્યક્ષ નથી, સ્વરૂપ પ્રત્યક્ષ-સ્વસંવેદન પ્રત્યક્ષ છે. સમજાણું કાંઈ...?
અહાહા...! સ્વસમ્મુખ થતાં આત્માના અતીન્દ્રિય આનંદનું પ્રત્યક્ષ વેદન થયું તે પ્રકાશશક્તિનું કાર્ય છે; સાથે વ્યવહાર છે ને બાહ્ય નિમિત્ત છે તો આ કાર્ય નીપજ્યું છે એમ નથી.
પ્રશ્ન:- તો શું વ્યવહાર નથી ? નિમિત્ત નથી ? આપ વ્યવહાર ને નિમિત્તને ઉડાવો છો.
ઉત્તર:- અરે ભાઈ! વ્યવહાર નથી, નિમિત્ત નથી-એમ કોણ કહે છે? વ્યવહાર છે, બાહ્ય નિમિત્ત છે; તે જેમ છે તેમ ન જાણે તો તેનું જ્ઞાન મિથ્યા છે, વળી વ્યવહાર ને નિમિત્તથી આત્મા પ્રત્યક્ષ થાય, વા તેનાં નિર્મળ જ્ઞાનશ્રદ્ધાન પ્રગટ થાય-એમ માને તેય વિપરીત શ્રદ્ધાન છે. અહીં એમ વાત છે કે વ્યવહાર કે બાહ્ય નિમિત્તથી આત્મા પ્રત્યક્ષ ન થાય, પણ તેનું લક્ષ છોડી સ્વ સન્મુખતા કરતાં સ્વસંવેદનમાં જ આત્મા પ્રત્યક્ષ થાય છે. અહાહા..! આવો આત્માનો પ્રકાશસ્વભાવ છે. અહીં તો વ્યવહાર ને નિમિત્તનું જેમ છે તેમ સ્થાપન છે, પણ તેના લક્ષ-આશ્રયે આત્માનુભવરૂપ –આત્માના જ્ઞાન-શ્રદ્ધાન-રમણતારૂપ ધર્મ પ્રગટ થાય એ માન્યતાનો નિષેધ છે, કેમકે એવું વસ્તુસ્વરૂપ નથી. સમજાણું કાંઈ...?
અહા ! અનંત કાળથી ચોરાસીના અવતારોમાં રખડતાં-રઝળતાં ભાઈ ! તને માંડ આ મનુષ્યભવ મળ્યો, અને તેમાંય જૈનમાં તારો જન્મ થયો એ કોઈ મહાભાગ્ય છે; અહા ! આ બધું હોવા છતાં અંતરમાં રુચિ લાવી તું આ તત્ત્વ-જ્ઞાનનીભેદજ્ઞાનની તારા હિતની વાત તું ન સમજે તો અંતર-અનુભવ કયાંથી થાય? અરે ભાઈ ! તું સાંભળ તો ખરો, અહીં સંતો પરમાત્માનો સંદેશ પોકારીને જગત પાસે જાહેર કરે છે કે પ્રભુ ! તારા સ્વસંવેદનમાં તારો આત્મા પ્રત્યક્ષ થાય એવી પ્રકાશશક્તિથી તું ત્રિકાળ ભરપુર છો.
હવે જિંદગીમાં કદી આવી તત્ત્વની વાત સાંભળવાની ફરસદ ન હોય એ તો બિચારા-મોટા કરોડપતિ હોય તોય બિચારા હોં-રળવું-કમાવું, ખાવું-પીવું ને ખેલવું, ને વિષયભોગમાં રહેવું–બસ એમ જ જિંદગી વીતાવે છે, પણ એ તો જિંદગીએળે (-નિષ્ફળ) જાય છે હોં. અરે પ્રભુ! તું કોણ છો ? ને તારું કાર્ય શું છે? –તેની તને ખબર નથી ! અહા ! તું આત્માનું (અંતર-અનુભવનું) કાર્ય કરવાનું છોડી દઈને દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિ શુભરાગની ક્રિયામાં ધર્મ માની ત્યાં જ રોકાઈ ગયો ! પણ ભાઈ ! એ તો જગપંથ છે, એ ધર્મપંથ નહિ; ધર્મપંથ તો સ્વાનુભવમયી કોઈ અલૌકિક છે.
પ્રવચનસાર, ગાથા ૧૭રમાં “અલિંગગ્રહણ” શબ્દ આવે છે. શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે તે શબ્દના ૨૦ અર્થ કર્યા છે. તેમાં કહ્યું છે
ગ્રાહક (-જ્ઞાયક) એવા જેને લિંગો વડે એટલે કે ઈન્દ્રિયો વડે ગ્રહણ (-જાણવું) થતું નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા અતીન્દ્રિયજ્ઞાનમય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. -૧.
ગ્રાહ્ય (જણાવાયોગ્ય) એવા જેવું, લિંગો વડ એટલે કે ઇન્દ્રિયો વડે ગ્રહણ (-જાણવું) થતું નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા ઇન્દ્રિયપ્રત્યક્ષનો વિષય નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. –૨.
જેમ ધુમાડા દ્વારા અગ્નિનું ગ્રહણ થાય છે તેમ લિંગ દ્વારા એટલે કે ઇન્દ્રિયગમ્ય દ્વારા (–ઇન્દ્રિયોથી જણાવાયોગ્ય ચિન્હ દ્વારા) જેનું ગ્રહણ (–જાણવું) થતું નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા ઇન્દ્રિયપ્રત્યક્ષપૂર્વક અનુમાનનો વિષય નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. –૩.
બીજાઓ વડે માત્ર લિંગ દ્વારા જ જેનું ગ્રહણ થતું નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા અનુમયમાત્ર (કેવળ અનુમાનથી જ જણાવાયોગ્ય) નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. –૪.
જેને લિંગથી જ પરનું ગ્રહણ થતું નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા અનુમાતામાત્ર (કેવળ અનુમાન કરનારો જ) નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. –૫.
લિંગ દ્વારા નહિ પણ સ્વભાવ વડે જેને ગ્રહણ થાય છે તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે.” –૬.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com