________________
ન્યાયાવતાર
૧૫
તર્ક, અનુમાન અને આગમ એ પાંચ ભેદો પાડી ઉકત પ્રત્યક્ષ સિવાયના બધી જાતના જ્ઞાનને પરોક્ષના પાંચ ભેદમાંથી કોઈને કોઈ ભેદમાં સમાવી દીધેલું છે.
પરંતુ અહીં એક મહાન પ્રશ્ન થાય છે, અને તે એ કે – આચાર્ય સિદ્ધસેન દિવાકર જેઓ જૈન તાર્કિકોમાં પ્રથમ અને પ્રધાન મનાય છે તેઓએ આગમિક અને તાર્કિક પદ્ધતિના પરસ્પર સમન્વય તેમ જ તેને અંગે ઉદ્ભવેલા પ્રશ્નો પરત્વે શો વિચાર કર્યો છે ? આનો ખુલાસો તેઓની ઉપલબ્ધ કૃતિઓમાંથી નથી મળતો. પ્રમાણશાસ્ત્રના ખાસ લેખક એ આચાર્યની પ્રતિભા, પ્રમાણને લગતા આ મુદ્દાને સ્પર્શ ન કરે એમ બનવું સંભવિત નથી. તેથી કદાચ એમ બનવા યોગ્ય છે કે તેઓની અનેક નષ્ટ કૃતિઓ સાથે પ્રસ્તુત વિચારને લગતી કૃતિ પણ નાશ પામી હોય.
જૈન વાડ્મયમાં આગમિક અને તાર્કિક એ બન્ને પદ્ધતિઓના પરસ્પર સમન્વયનો પ્રશ્ન કેવી રીતે જન્મ્યો અને વિકસિત થયો એનું અવલોકન આપણે ટૂંકમાં કરી ગયા. એનો સાર એ છે કે જ્ઞાનના પાંચ પ્રકારોને પ્રત્યક્ષ અને પરોક્ષ એ ભેદમાં સૌથી પહેલાં વાચક ઉમાસ્વાતિએ તત્ત્વાર્થમાં ઘટાવ્યા અને તે દ્વારા એ બે ભેદવાળી તાર્કિક પદ્ધતિ જૈનદર્શનને વધારે અનુકુળ છે એવી પોતાની સંમતિ પ્રકટ કરી. વાચકવર્યની એ સંમતિને જ દિવાકરજીએ ન્યાયાવતારમાં માન્ય રાખી છે. અને તે દ્વારા પોતાનો અભિપ્રાય જણાવ્યો છે કે ઉક્ત બે ભેદવાળી તાત્વિક પદ્ધતિ જ જૈનદર્શનને બંધ બેસતી છે.