________________
ન્યાયાવતાર
પ્ર. શું પ્રમાણો પ્રસિદ્ધ નથી અર્થાત્ કોઈ તેને ઓળખતું નથી ? તેમ જ શું તેનાથી વ્યવહાર સધાતો નથી ?
ઉ. પ્રમાણથી વ્યવહાર સાધવો એટલે જીવનયાત્રાનો સમંજસપણે નિર્વાહ કરવો. આવો નિર્વાહ દરેક પ્રાણીના જીવનમાં ઓછોવત્તો જણાય છે. અને તેથી તેવા વ્યવહારસાધક પ્રમાણોનો અનુભવ પણ દરેક પ્રાણીમાં સંભવે છે.
૨૧
પ્ર. તો પછી અહિં પ્રમાણોનું લક્ષણ બાંધવાનું કાંઈ પ્રયોજન જણાતું નથી.
ઉ. પ્રયોજન છે જ. અને તે એ કે કેટલાકને જીવનયાત્રાના અનુભવો દ્વારા તેના સાધકપ્રમાણોનું સામાન્ય ભાન હોય છે પણ વિશેષ નથી હોતું - તેવાઓને એ ભાન વિશેષપણે કરાવી આપવું અર્થાત્ તેઓને પ્રમાણ વિષે સૂક્ષ્મ, વિસ્તૃત અને સત્ય અનુભવ કરાવી આપવો; અને જેઓ પ્રમાણસાધિત વ્યવહાર ચલાવવા છતાં વ્યામોહને લીધે પ્રમાણના સ્વરૂપ વિષે કાં તો સંદેહશીલ છે, કાં તો ભ્રાન્ત છે, અને કાં તો તદ્દન અજાણ છે; તેઓના એ મોહને દૂર કરી પ્રમાણનું વાસ્તવિક ભાન કરાવવું. જેમ કેટલાક શરીર ધારીને પોતાના શરીરનું ભાન હોય છે અને તે વડે તે જીવનયાત્રા પણ ચલાવે છે છતાં શરીરના શાસ્ત્રીય લક્ષણજ્ઞાનથી તેનું ભાન વધારે સૂક્ષ્મ, વધારે સત્ય, અને વધારે વિસ્તૃત બને છે – અને આમ થવાથી તેઓ જીવનયાત્રા ચલાવવામાં શરીરનો વધારે સારી રીતે ઉપયોગ કરી શકે છે. અને કેટલાક તો શરીર ધારણ કરવા છતાં તેના સ્વરૂપ વિષે અજ્ઞાન હોય છે તેવાઓનું અજ્ઞાન પણ શરીરશાસ્ત્ર દૂર કરે છે. તેમ આ પ્રમાણશાસ્ત્રની સાર્થકતા વિષે સમજવું.
પ્રત્યક્ષ અને પરોક્ષના લક્ષણો -
अपरोक्षतयाऽर्थस्य ग्राहकं ज्ञानमीदृशम् । प्रत्यक्षमितरज्ज्ञेयं परोक्षं ग्रहणेक्षया || ४ ||