________________
ન્યાયાવતાર
વસ્તુને અપરોક્ષપણે - સ્પષ્ટતાથી જાણનાર એવું જ્ઞાન તે પ્રત્યક્ષ અને તેથી વિપરીત બીજું - વિષયને પરોક્ષપણે જાણનારૂં જ્ઞાન તે પરોક્ષ પ્રમાણ જાણવું. અપરોક્ષ અને પરોક્ષપણે જાણવાનું કથન એ બાહ્ય વસ્તુના ગ્રહણની દષ્ટિએ સમજવું.
પ્ર. બાહ્ય વસ્તુના ગ્રહણની દૃષ્ટિ એટલે શું ?
ઉ. પહેલાં કહેવામાં આવ્યું છે કે દરેક જ્ઞાન સ્વરૂપને પ્રકાશવામાં તો પ્રત્યક્ષ જ છે તેથી પ્રત્યક્ષ અને પરોક્ષપણાનો ભેદ સ્વરૂપથી ભિન્ન વિષયની અપેક્ષાએ જાણવો. એટલે કે જે જ્ઞાન સ્વભિન્ન વસ્તુને અસ્પષ્ટપણે જાણે તે પરોક્ષ; એ જ બાહ્ય વસ્તુના ગ્રહણની દૃષ્ટિએ પરોક્ષ અને અપરોક્ષપણાના ભેદનો ભાવ છે.
અનુમાનનું લક્ષણ -
साध्याविनाभुनो लिङ्गात् साध्यनिश्चायकं स्मृतम् । अनुमानं तदभ्रान्तं प्रमाणत्वात् समक्षवत् ॥५॥
સાધ્યના અવિનાભાવી - વ્યાપ્ત - હેતુથી ઉત્પન્ન થતું જે સાધ્યનો નિશ્ચય કરનારૂં જ્ઞાન તે અનુમાન મનાય છે. પ્રમાણ હોવાને લીધે તે અનુમાન જ્ઞાન પ્રત્યક્ષની જેમ અભ્રાંત હોઈ શકે.
પ્ર. પ્રત્યક્ષનું દષ્ટાંત આપી અનુમાનને અભ્રાન્ત સિદ્ધ કરવાનું શું પ્રયોજન?
ઉ. બૌદ્ધો સામે પોતાનો મતભેદ બતાવવા ખાતર. બૌદ્ધોને મતે, સામાન્ય (જાતિ) એ વાસ્તવિક નથી અને અનુમાનમાં તો સામાન્ય ભાસે છે. તેથી તેઓ અનુમાનને બ્રાન્ત મિથ્યા માને છે. જૈન મત પ્રમાણે ગ્રન્થકારનું કહેવું છે કે સામાન્ય એ પણ વિશેષની પેઠે વસ્તુ છે. તેથી અનુમાન પણ અભ્રાન્ત હોઈ શકે. જેમ કે પ્રત્યક્ષ.