________________
9
પ્રવેશક
શ્રી સિદ્ધસેન દિવાકરની ઉપલબ્ધ એકવીસ બત્રીસીઓમાંથી સોળમી ‘નિયતિ દ્વાત્રિંશિકા'નો અનુવાદ અને સંક્ષિપ્ત વિવરણ વિદ્વજ્જનો સમક્ષ પ્રસ્તુત કરતાં પરિતોષની લાગણી અનુભવું છું.
નિયતિવાદ ભારતની એક પ્રાચીન દાર્શનિક વિચારધારા છે. આજીવિક નામે એક ધર્મ સંપ્રદાય આ સિદ્ધાંતનો પુરસ્કર્તા હતો. ‘નિયતિ’નો અર્થ થાય છે : નિશ્ચિત હોવું, નિર્ધારિત હોવું. નિયતિવાદ એટલે વિશ્વની સમસ્ત વસ્તુઓના સંયોગવિયોગ, ઉત્પત્તિ–નાશ, રૂપાંતર—સ્થાનાંતર વગેરે એક નિશ્ચિત ક્રમે થયા કરે છે અને તેમાં વ્યક્તિનાં પ્રયત્ન-પુરુષાર્થથી પરિવર્તન થવાનો કોઈ અવકાશ નથી એવો સિદ્ધાંત. પ્રારબ્ધ, પુરુષાર્થ, ઈશ્વર, માયા વગેરેને નિયતિવાદમાં સ્થાન ન હતું.
જૈન દર્શનમાં નિયતિના સિદ્ધાંતને સ્થાન છે, પરંતુ સ્વતંત્ર રીતે નહિ. કાળ, કર્મ, નિયતિ, સ્વભાવ અને પુરુષાર્થ એવા પાંચ કારણોનો સમવાય વિશ્વની બધી ઘટનાઓનું નિયમન કરે છે એવું જૈન દર્શન કહે છે. ક્રમબદ્ધ પર્યાય, ભવિતવ્યતા વગેરે શબ્દો નિયતિનો જ અર્થ સૂચવે છે.
નિયતિના સિદ્ધાંતની છણાવટ આ સ્થાને કરવી નથી. પ્રાચીન સમયમાં નિયતિવાદ કેવા કેવા સ્વરૂપોમાંથી પસાર થયો છે તેનો અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્વાનો માટે આ નિયતિ દ્વાત્રિંશિકાનું અવગાહન કરવું અનિવાર્ય ગણાય, કારણ કે દિવાકરજીના સમયમાં નિયતિવાદનું જે તાર્કિક સ્વરૂપ વિકસ્યું હતું તે આ બત્રીસીમાં અકબંધ જળવાઈ રહ્યું છે. બત્રીસીઓની કઠિનતા અને હસ્તપ્રતોની અશુદ્ધ સ્થિતિના કારણે વિદ્વાનો એના લાભથી વંચિત રહ્યા છે. પ્રસ્તુત પ્રયાસ બત્રીસીની જટિલતામાંથી માર્ગ કાઢવા માટેનો છે. તુલનાત્મક અધ્યયન સુયોગ્ય વિદ્વાનો કરશે એવી આશા રાખી છે.