________________
17
માંડી મહાકલ્પ સુધીનાનો ઉલ્લેખ છે. ૮૪,૦૦,000 મહાકલ્પોમાંથી વિના અપવાદ સૌએ પસાર થવાનું છે, તે પછી મુક્તિ છે. આ છે સંસરણ દ્વારા શુદ્ધિનો અર્થાત્ સંસારશુદ્ધિનો સિદ્ધાંત. નિર્દિષ્ટ યાદીમાં મુક્તિ પૂર્વે દરેકે ધારણ કરવા પડતા ૧૪ ભવો ગણવ્યા છે, છ અભિજાતિઓ (ચિત્તના રંગો) ગણાવી છે. આઠ પુરુષભૂમિઓ (આધ્યાત્મિક વિકાસની ભૂમિકાઓ) ગણાવી છે, વળી ચરમ ભવમાં જીવ સાત પઉટ્ટપરિહાર કરે છે, એનો ઉલ્લેખ પણ યાદીમાં છે. પઉટ્ટપરિહારનો અર્થ મૃત પરકાયમાં પ્રવેશ છે. આજીવિકોના આઠ રિમો એ એક પ્રકારનું તપ છે, જેમાં જીવ સ્વેચ્છાએ તૃષાથી, ભૂખથી નહિ, દેહત્યાગ કરે છે. જો ચોરાસી લાખ કલ્પો પછી સર્વ જીવો મુક્ત થઈ જાય તો સંસાર ખાલી થઈ જવાની આપત્તિ આવે. આનાથી બચવા તમિળ આજીવિકોએ મંડલ મોક્ષનો સિદ્ધાંત સ્થાપ્યો, જે અનુસાર મુક્તો પણ સંસારમાં પાછા આવે છે. તેમનો મોક્ષ સ્વર્ગસમ છે. જૈનોની જેમ સાત ભંગો ન માનતા કેવલ ત્રણ ભંગો – સત્, અસત્, સદસત્ – માનતા હોવાથી તેઓ ઐરાશિક કહેવાતા. આજીવિક શ્રમણો નગ્ન રહેતા; ભિક્ષા માટે પાત્રનો ઉપયોગ કરતા નહિ, હાથમાં ભોજન કરતા; પોતાના માટે તૈયાર કરવામાં આવેલી ભિક્ષા લેતા નહિ; ગર્ભિણી સ્ત્રી, ધવડાવતી સ્ત્રી વગેરે પાસેથી ભિક્ષા ગ્રહણ કરતા નહિ; કદી માંસ, મચ્છી કે માદક પીણાંને સ્પર્શતા નહિ; ભોજનની નિયત માત્રા જ લેતા. હાલ આજીવિક પંથ લુપ્ત થઈ ગયો છે અને તેનું સાહિત્ય પણ ઉપલબ્ધ નથી. સંદર્ભ : History and Doctrines of Äjivikas - A. L. Basham, Motilal Banarasidas, Delhi, 1981.
નગીન જે. શાહ સાભાર ઉદ્ભુત : ગુજરાતી ‘વિશ્વકોશ’