________________
ξ
બે વિકલ્પો છે : જે સ્વયં પ્રવૃત્ત થઈને શુભાશુભ આચરણ કરે તે જ, તે આચરણનો કર્તા ગણાય. બીજો વિકલ્પ : બળપૂર્વક શુભાશુભ કાર્યમાં જે પ્રેરે તે જ તે કાર્યનો કર્તા ગણાય. આત્મા સ્વયં પ્રવૃત્ત થાય છે એમ માનશો તો ખોટું આચરણ પણ જીવ સ્વયં કરે છે, તેથી તેના પરિણામે આવનાર દુઃખનો કર્તા પણ જીવ પોતે જ ઠર્યો; કર્મ, ઈશ્વર વગેરે નિરર્થક બની રહેશે. જીવ સ્વેચ્છાએ દુઃખી થાય છે એમ પણ માનવું પડશે.
જો ઈતર પદાર્થના દબાણ હેઠળ જીવ શુભાશુભ આચરણ કરતો હોય તો દબાણ કરનાર વસ્તુ જ તે કાર્યનો કર્તા ગણાય, જીવને તેનો કર્તા નહિં કહી શકાય.
બંને રીતે આત્મકતૃત્વવાદીના પક્ષને હાનિ છે. નિયતિવાદીના મતે તો શુભાશુભ આચરણનું, સુખ-દુઃખનું, શરીરાદિનું એકમાત્ર કારણ નિયતિ જ છે.
न दृष्टान्तीकृताशक्तेः स्वातन्त्र्यं प्रतिषिध्यते । अनिमित्तं निमित्तानि निमित्तानीत्यवारितम् ।।६।।
अन्वयः दृष्टान्तीकृताशक्तेः स्वातन्त्र्यं न प्रतिषिध्यते, निमित्तानि अनिमित्तं, निमित्तानि इति अवारितम् ।
અર્થ : જેની અસમર્થતા વિશે આગળ ઉદાહરણ અપાયું છે તેના (=આત્માના) સ્વાતંત્ર્યનો નિષેધ કરવામાં આવતો નથી. નિમિત્તો નિમિત્ત નથી, (છતાં) તેમને નિમિત્ત કહેવાની મનાઈ નથી.
વિવરણ : દિવાકરજીએ નિયતિવાદીના તર્કો જ સીધા રજૂ કર્યા છે, તેઓ પૂર્વપક્ષ રજૂ કરતા નથી. અન્ય સંપ્રદાયોના કયા તર્ક કે કયા સિદ્ધાંતવિધાનના ઉત્તર રૂપે આ તર્કો પ્રસ્તુત કરાયા છે તે વાચકે શોધી કાઢવાનું છે. શ્લોકોના અર્થઘટનમાં તથા ભાવ તાત્પર્ય પકડવામાં આ કારણે ઘણી મુશ્કેલી અનુભવાય છે. એક તર્કનું બીજા તર્ક સાથેનું અનુસંધાન મેળવવું કપરું છે. વળી એક જ શ્લોકમાં એકથી વધુ વિધાનો અતિ સંક્ષેપમાં સમાવિષ્ટ થયા હોય છે. આ શ્લોક એ પ્રકારનો છે.