Book Title: Mahavirni Sadhnano Marm
Author(s): Chandrahas Trivedi, 
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 148
________________ પરિણામે એ ભાવ ઉત્તરોત્તર પુષ્ટ થઈને સાકાર થતો જાય છે. એ જ રીતે આપણે કોઈ પ્રબળ સંકલ્પ કરીશું તો ચેતનાનું પરિણમન એની પૂર્તિ માટે થવા લાગશે. સંકલ્પસિદ્ધિ એ કંઈ હવે માન્યતાનો વિષય નથી. એ સંપૂર્ણ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. મનોવિજ્ઞાન તો તેનું સવિશેષ સમર્થન કરે છે. સંકલ્પ દઢ થતાં તુરત જ આપણામાં શક્તિનો સંચાર થવા લાગે છે જે પ્રબળ પ્રકંપનો પેદા કરે છે. આ પ્રકંપનોની અસર આપણા ઉપર તો થાય છે પણ અન્ય ઉપર પણ તેની અસર પડે છે. આપણા માન્યામાં પણ ન આવે એવાં પરિણામો સંકલ્પના બળથી હાંસલ થઈ શકે છે. સંકલ્પમાં અનર્ગળ શક્તિ છે પણ તે માટેની શરત એટલી કે તે પ્રબળ હોવો જોઈએ અને પુનરાવર્તનથી પ્રબળ થયેલો હોવો જોઈએ. જ્યારે આપણે ભાવવિહીન અવસ્થામાં કેવળ શુદ્ધ ચેતનાના રૂપમાં હોઈએ છીએ ત્યારે આપણે અસ્તિત્વમાં હોઈએ છીએ - જે સત્ છે. પરંતુ ચેતનામાં જેવો ભાવનો સંચાર થયો કે આપણું પરિણમન શરૂ થઈ ગયું. આ ભાવ પછી ભલે સારો હોય કે નરસો હોય. આપણે ચેતનાના ઊંડાણમાં ઊતરીએ કે ત્યાંથી પાછા ફરીએ, ગમે તે કરીએ, ચેતનામાં તત્કાળ પરિણમન તો થતું જ રહેવાનું. જ્ઞાન, દર્શન, ચારિત્ર એવા ભાવો પણ ચેતનાના પરિણમનથી જ અસ્તિત્વમાં આવે છે. એ જ રીતે કષાયોક્રોધ, માન, માયા, લોભ ઇત્યાદિ પણ જીવનમાં પોતાનાં જ પરિણમન છે. આ પરિણમનને દર્શાવવા માટે પારિભાષિક શબ્દ છે - પર્યાય. મૂળ સ્વરૂપે તો આત્મા જ છે જેનું અસ્તિત્વ અવિરત રહે છે પણ ક્ષણે ક્ષણે બદલાતા ભાવો સાથે તેનું પરિણમન થતું રહે છે. તેના સ્વરૂપમાં પરિવર્તન થતું રહે છે. જ્યારે ચેતના કેવળ શુદ્ધ સ્વરૂપે રહે ત્યારે તે ફક્ત દ્રવ્યાત્મા છે. તે જ અસ્તિત્વ છે. આત્મા જ્યારે પોતાના સ્વભાવમાં રહે છે ત્યારે તે સચિદાનંદ સ્વરૂપે વિલસે છે. પણ જેવું પરભાવમાં પરિણમન થાય છે કે તેનું આનંદસ્વરૂપ ખંડિત થાય છે. પરભાવમાં રમણતા એ આત્માની વિભાવ અવસ્થા છે. ધર્મ એ કે જે સ્વભાવમાં આવવાનો બોધ આપે. વિભાવમાંથી સ્વભાવ આવવા માટેનો માર્ગ તે સાધનાપથ. ધારણા, ધ્યાન, સમાધિ એ બધાં સાધનાપથ ઉપરનાં અંતિમ ચરણો છે. – ૧૩ર. – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198