________________
જિનમહત્ત્વદ્વાત્રિંશિકા/મ્લોક-૧૯
૧૨૩
તેનાથી એ પ્રાપ્ત થાય કે જે મુમુક્ષુ માતાપિતાના ઉપકારનો વિચાર કર્યા વગર માત્ર કલ્યાણના આશયથી સંયમ ગ્રહણ કરે છે અને તેમના ખેદના નિવારણ માટે ઉચિત પ્રયત્ન કરતો નથી, તે કૃતજ્ઞ નથી; અને જેનામાં આવો કૃતજ્ઞતા ગુણ નથી, તે જેમ માતાપિતાના ઉપકારને ભૂલી જાય છે, તેમ ધર્મગુરુના ઉપકારને પણ ભૂલી જાય. માટે તે ધર્મગુરુનો પણ પૂજક નથી; અને સંયમ ગ્રહણ કરીને ધર્મનું સેવન કરતો હોય તોપણ શુદ્ધ ધર્મને સેવનારો નથી; કેમ કે જેનામાં માતાપિતાના કરાયેલા ઉપકારને યાદ કરાવે તેવો કૃતજ્ઞતા ગુણ ન હોય તેવો જીવ જે કંઈ ધર્મ સેવે તે શુદ્ધ ધર્મ બને નહીં. માટે શુદ્ધ ધર્મના અર્થીએ માતાપિતાના ખેદના પરિહાર માટે સર્વ પ્રકારે પ્રયત્ન કરવો જોઈએ.
ઉપર્યુક્ત કથનને સ્પષ્ટ ક૨વા માટે ટીકામાં કહ્યું કે સર્વ કલ્યાણનો મૂળભૂત ગુણ કૃતજ્ઞતા ગુણ છે, અને તે કૃતજ્ઞતા ગુણનો પ્રતિપક્ષ માતાપિતાનો ખેદ છે. માટે દીક્ષા લેનારે સર્વ પ્રકારે માતાપિતાના ખેદનો પરિહાર કરવો જોઈએ. વળી, માતાપિતાના ખેદનો પરિહાર કઈ રીતે થઈ શકે તે બતાવવા માટે પંચસૂત્રની સાક્ષી આપી.
તેનાથી એ ફલિત થાય કે દીક્ષા લેનાર મુમુક્ષુએ માતાપિતાનો ત્યાગ કરીને દીક્ષા લેવી ઉચિત નથી, પરંતુ માતાપિતા પોતાના સંયમના પરિણામને જાણીને પણ બોધ ન પામ્યા હોય, તો કોઈક રીતે પણ તેઓને સંસારનું સ્વરૂપ તે રીતે બતાવીને પ્રતિબોધ કરવો જોઈએ, જેથી તેઓ પણ મુમુક્ષુની સાથે સંયમ લેવા તત્પર થાય. આમ કરવાથી માતાપિતાને પોતાના સંયમ નિમિત્તે ખેદ થતો નથી, પરંતુ તેઓ પણ ઉત્સાહિત થઈને સંયમ ગ્રહણ કરે છે.
હવે કદાચ મુમુક્ષુના ઉપદેશથી પણ માતાપિતા પ્રવ્રજ્યા ગ્રહણ કરવાને અભિમુખ ન બને, તો મુમુક્ષુ તેમના જીવનની વ્યવસ્થા માટે જીવન જરૂરિયાતની સામગ્રી એકઠી કરે. કદાચ તે માટે ધનસંચયની આવશ્યકતા હોય તો દીક્ષાનો વિલંબ કરીને પણ ધનસંચય કરીને, તેઓની જીવનવ્યવસ્થા સહજ રીતે ચાલી શકે તે પ્રમાણે કરીને, તેઓની અનુજ્ઞાથી સંયમ ગ્રહણ કરે. આમ કરવાથી માતાપિતાના ખેદનો પ્રસંગ આવે નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org