________________
જૈન ધર્મમાં ‘સમય’ શબ્દ પારિભાષિક છે. “સમય” એટલે કાળના સૂક્ષ્મતમ એકમ. સમયને માટે જૈન ધર્મમાં કાળચક્રની કલ્પના કરવામાં આવી છે. સમય એટલે કે કાળચક્રની જેમ ગતિ કરે છે. કાળચક્રના બે વિભાગ છે: ૧. અવસર્પિણી અને ૨. ઉત્સર્પિણી, તે દરેકમાં છ છ આરા હોય છે. અવસર્પિણીમાં ઉત્તરોત્તર સુખમાંથી દુઃખનો ખરાબ સમય આવતો જાય છે અને ઉત્સર્પિણીમાં ઉત્તરોત્તર દુઃખમાંથી સુખનો ચડિયાતો સમય આવતો જાય છે. એક કાળચક્રનો સમય વીસ ક્રોડાકોડ સાગરોપમ જેટલો હોય છે. “સાગરોપમ’ શબ્દ પારિભાષિક છે. અત્યારે અવસર્પિણીનો પાંચમો આરો ચાલી રહ્યો છે. પ્રત્યેક અવસર્પિણીમાં અને પ્રત્યેક ઉત્સર્પિણીમાં ચોવીસ ચોવીસ તીર્થંકરો થાય છે.
નવ તત્વ આત્માને કર્મોનો બંધ કેવી રીતે થાય છે, જીવ સંસારમાં કેવી રીતે પરિભ્રમણ કરે છે અને કર્મનો ક્ષય કરી આત્મા કેવી રીતે મુક્તિ પામે છે ઈત્યાદિની વિચારણા જૈન શાસ્ત્રોમાં ખૂબ વિસ્તારથી કરવામાં આવી છે. એ સમજવા માટે નવ તત્ત્વોનું સ્વરૂપ અને કાર્ય સમજવું જરૂરી છે. આ નવ તત્ત્વો છે:
(૧) જીવ, (૨) અજીવ, (૩) પુણ્ય, (૪) પાપ, (૫) આસવ, (૬) બંધ, (૭) સંવર, (૮) નિર્જરા અને (૯) મોક્ષ. એનો સંક્ષેપમાં પરિચય નીચે પ્રમાણે છે.
(૧) જીવ : ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે કે જીવનું લક્ષણ ઉપયોગ છે અર્થાત્ ચેતના છે. જ્ઞાન અને દર્શન રૂપી ઉપયોગ જેનામાં હોય, સુખ-દુખ કે અનુકૂળતાપ્રતિકૂળતાની અનુભૂતિ જેનામાં હોય, સ્વ અને પરનું જ્ઞાન જેનામાં હોય તે જીવ કહેવાય છે. ઇન્દ્રિય, બળ, આયુષ્ય અને શ્વાસોચ્છુવાસ એ ચાર લક્ષણથી જીવ ઓળખી શકાય છે. જીવો અનંત છે અને પ્રત્યેક જીવ સ્વતંત્ર છે. સત્ત્વ, ભૂત, પ્રાણી, આત્મા, ચેતના વગેરે શબ્દો જીવ માટે વપરાય છે.
જીવોના બે પ્રકાર છે – મુક્ત અને સંસારી. જે જીવો સર્વથા કર્મક્ષય કરી કર્મરહિત થયા હોય, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ દર્શન, અનંત વીર્ય અને અનંત સુખ એ ચાર ગુણોથી યુક્ત હોય અને જે જન્મમરણના પરિભ્રમણમાંથી સદાને માટે મુક્ત થઈ સિદ્ધાત્મા બન્યા હોય તે મુક્ત જીવો. જે જીવો કર્મબંધનને કારણે દેહ ધારણ કરી જન્મમરણરૂપી સંસારમાં પરિભ્રમણ કરતા રહે છે તે સંસારી અથવા બદ્ધ જીવો છે. સંસારી જીવોની ચાર પ્રકારની ગતિ હોય છે–મનુષ્ય, તિર્યંચ, દેવતા અને નારક. જીવો જ્યાં સુધી મુક્ત થતા નથી ત્યાં સુધી પોતાનાં કર્મો પ્રમાણે આ ગતિઓમાં જન્મ ધારણ કરે છે, આયુષ્ય પૂર્ણ થયે મૃત્યુ પામે છે અને ફરી નવો જન્મ ધારણ,
જૈન ધર્મ
૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org