________________
કરી દે છે.
જાહેર જીવનમાં પડેલા કેટલાક માણસો પદાતુર હોય છે. કોઈક સંસ્થામાં કોઈક નાનું કે મોટું પદ મેળવવા માટે તેમની તાલાવેલી એટલી બધી તીવ્ર કે ઉત્કટ હોય છે કે પોતાને તે પદ ન મળે ત્યાં સુધી તેઓ જંપીને બેસતા નથી. માણસને પોતાની પાત્રતા અનુસાર કોઈ પદ સ્વાભાવિક રીતે મળે તો તે જુદી વાત છે. પરંતુ પોતાનામાં પાત્રતા ન હોય તોપણ અમુક પદ મેળવવા માટેની તેમની લાલસા એટલી બધી આવેગમય હોય છે કે તેની જાણ થતાં કેટલાક લોકોને તેમના પ્રત્યે તિરસ્કારનો ભાવ થાય છે; નિંદા અને કલહનું વાતાવરણ સર્જાય છે. પદ મેળવવા માટે આંટીઘૂંટી અને કાવાદાવાની યોજના થાય છે. એકાદ એવા માણસને કારણે બીજા કેટલાય માણસોને પણ માનસિક પરિતાપ થયા કરે છે. ખુદ પદાતુર માણસને પણ માનસિક પરિતાપ ઓછો હોતો નથી. જો પોતે પદ મેળવવામાં પરાજિત થાય છે તો સ્વબચાવ અને પરનિંદાનું તેનું વિષચક્ર લાંબા સમય સુધી ઘૂમ્યા કરે છે.
આતુરતાનું મોટું ક્ષેત્ર તે રાજકા૨ણ છે. જેમ દેશ મોટો અને સત્તા મોટી તેમ તેમાં સર્વોચ્ચ પદ મેળવવા માટેના ઉમેદવારો ઘણાબધા રહેવાના. અન્ય ક્ષેત્રો કરતાં રાજકારણમાં પડેલા સત્તાતુર માણસો લોકોને વધુ પરિતાપ કરાવે છે. હવે તો જ્યારે પ્રચાર-માધ્યમો ઘણાં વધી ગયાં છે ત્યારે સત્તાતુર માણસોના કાવાદાવાની ઘણીબધી ગુપ્ત વાતો બહાર આવી જાય છે. પોતાની સત્તા ટકાવી રાખવા માટે માણસ મોટી લાંચ આપે છે, મોટી લાંચ લે છે અને વખત આવ્યે પ્રતિસ્પર્ધી જૂથની વ્યક્તિઓને યુક્તિપ્રયુક્તિથી મરાવી પણ નાખે છે. સામ્યવાદી દેશોમાં સ્ટેલિન અને બીજા સત્તાધીશોએ પોતાના સત્તાકાળ દરમિયાન સત્તાતુરતાને ખાતર હજારો-લાખો માણસોની ગુપ્ત રીતે હત્યા કરાવી નાખી છે.
સત્તાનો નશો ક્યારેક આખી પ્રજાને એવો ચડે છે કે પડોશી રાજ્યોનો પ્રદેશ પચાવી પાડવા માટે અથવા તેના ઉપર વર્ચસ્વ જમાવવા માટે યુદ્ધનો આશરો લે છે. દુનિયાનાં તમામ યુદ્ધોના મૂળમાં સત્તા પર રહેલી વ્યક્તિઓનો પોતાની સત્તા માટેની અને વિજય માટેની આતુરતા જ કારણરૂપ હોય છે. સત્તા પર રહેવું, વિજ્યાતુર બનવું અને બીજી બાજુ દુશ્મન દેશો પ્રત્યે ઉદાર બની ક્ષમાની ભાવનાને અપનાવવી એ બે વસ્તુ સામાન્ય રીતે એકસાથે સંભવી ન શકે.
માણસમાં જાગેલી તીવ્ર અભિલાષાઓ તીવ્ર રાગ કે તીવ્ર દ્વેષમાં પરિણમે છે. જ્યારે ઇચ્છા, વાસના, અભિલાષા, આતુરતા ઇત્યાદિની તીવ્રતા કે ઉગ્રતા મનુષ્યના ચિત્તમાં પ્રવર્તે છે ત્યારે એની સ્વસ્થતા ચાલી જાય છે. સારાસારનો વિવેક કરવાની શક્તિ તે ગુમાવી બેસે છે. એ વખતે સત્ય, ન્યાય, નીતિ, દયા વગેરે સદ્ગુણો
૨૫૮
જૈન ધર્મ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org