________________
ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ એ સમપણે કેમ વર્તવું તે બતાવે છે. તેનો પરમાર્થ જો જ્ઞાની દ્વારા જાણ્યો હોય તો સર્વ ક્રિયા જ્ઞાનીની આજ્ઞા વિચારીને કરે. આત્મસ્વભાવમાં રહેવારૂપ ગુપ્તિ અને જ્ઞાનીની આજ્ઞાએ પ્રયોજન પૂરતું પ્રવર્તવારૂપ સમિતિમાં વર્તવાની જ્ઞાનીની આજ્ઞા છે એ રીતે વર્તતાં તેનું ચારિત્ર– સંયમ આદિ મોક્ષને અર્થે થાય. ત્યાં આત્મામાં સ્થિતિ કરવારૂપ જ્ઞાનીનું અંજન– મેળવણ આવે તો સંવર થાય ત્યારે મોક્ષાર્થને અનુસરીને બધું લેખે લાગે. પોતાની કલ્પનાએ આજ્ઞા રહિતપણે વર્તે તો કોટિ શાસ્ત્રો પણ તેને મનના આમળારૂપ એટલે મગજમારી અથવા અભિમાનનું જ કારણ થાય અને તે જ્ઞાન તેને મોક્ષમાર્ગમાં વિઘ્નકર્તા પણ થાય. ચાર વેદ પુરાણ આદિ, શાસ્ત્ર સૌ મિથ્યાત્વનાં, શ્રીનંદીસૂત્રે ભાખિયાં છે, ભેદ જ્યાં સિદ્ધાંતના; પણ શાનીને તે જ્ઞાન ભાસ્યાં, એ જ ઠેકાણે કરો, જિનવર કહે છે શાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૭