________________
ભારે પુરુષાર્થ કર્યો છે. નિરંતર પ્રમાદરહિતપણે પુરુષાર્થ કરી સર્વ કષ્ટોને સહન કરીને પોતે મોક્ષે ગયા ને સાથે કેટલાયને તાર્યા! તે એક તાર તન્મય પ્રીતિ અથવા આવેશપૂર્ણ ભક્તિની કથા પણ વિચારવી સાંભળવી આ કાળમાં દુર્લભ થઈ પડી છે. તે માટે ખેદ થવો જોઈએ તે થતો નથી.
ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દઢ ભાન; સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન. ૮
આત્માના શુદ્ધ સ્વરૂપને પામવા ભક્તિ એ મુખ્ય સાધન છે. આત્માર્થે વાંચવું, વિચારવું, બોધ સાંભળવો, જ્ઞાન, ધ્યાન એ સર્વ ભક્તિ છે. તે ભક્તિનો રંગ કયારે લાગે કે દેહ તે હું નથી, હું આત્મા છું એમ સમજાય તો પરમાં પ્રીતિ છે ત્યાંથી ફરીને આત્મસ્વરૂપ પ્રત્યે અથવા સપુરુષ જે તે લક્ષ કરાવે છે તેમના પ્રત્યે પ્રેમ, બહુમાન, ભક્તિ પ્રગટે. જેમણે આત્માનો લક્ષ કરાવ્યો અને આત્માને સર્વ દુ:ખથી મુક્ત કરવામાં જે નિમિત્ત છે એવા જ્ઞાની ગુરુ પ્રત્યે અનન્ય ભક્તિ જાગે. શાસ્ત્રમાં ભક્તિનાં નવ ભેદ બતાવ્યા છે.