Book Title: Gatha Manjari
Author(s): Harivallabh Bhayani
Publisher: S S Singhvi

View full book text
Previous | Next

Page 25
________________ ૨૩ સંકેતસ્થાનો છે. અંગપ્રત્યંગના લાવણ્યનાં લલિતરસિક વર્ણનો છે. ચંચળ અને સ્વર પ્રેમના તથા ખુલ્લી, નિબંધ રતિનાં આલેખનો છે. રિસામણાંમનામણાંછે. વિરહાવસ્થાનાં ઉજાગરો, દાહ, ફ્રકાશ અને કૃશતાછે. ગલિત અનુરાગનાં વેદના અને નિર્વેદ છે. વિરહની પીડાના સ્પર્શવાળાં કોમળ સંસ્મરણોના આલેખનમાં તો કેટલીક ચિરંજીવ કવિતા સિદ્ધ થયેલી છે. સપ્તશતીમાં જે કહેલું છે કે “અમૃતમીઠી પ્રાકૃત કવિતાના શ્રવણપઠનથી વંચિત રહીને કામતત્ત્વની ચર્ચા માંડતા લોકો લાજતા કેમ નહીં હોય?” તેની જ જાણે આપણને તેની પ્રેમકવિતા દ્વારા પ્રતીતિ થાયછે. પ્રકૃતિકવિતા: સ્વભાવચિત્રો આનો અર્થ એવો નથી કે “સપ્તશતી'માં કેવળ શૃંગારિક મુક્તકો છે. મુક્તકોના એક મોટા વર્ગનો વિષય બાહ્ય પ્રકૃતિ છે. તેમાં આકાશ અને ધરતીના ઋતુઋતુનાં દશ્યો, અન્ય નૈસર્ગિક ઘટનાઓ, પશુપંખીની ચેષ્ટાઓ અને વસ્તુજગત તથા વ્યવહારનાં સ્વયંઆસ્વાદ્ય સ્વરૂપો – એમનું તાદેશ આલેખન છે. “સપ્તશતી'ના કવિઓનો પ્રકૃતિપ્રેમ અસાધારણ છે, તેમનું નિરીક્ષણ વાસ્તવિક અને સઘન છે, અને તેમના નિરૂપણમાં અમુક અંશે કૃત્રિમતા અને પરંપરાગત પરિણામ સાધવાનો આયાસ હોવા છતાં અનેક વાર તાજગી અને સર્જનાત્મક સ્પર્શ અનુભવાય છે. “સપ્તશતીનાં આ પ્રકારનાં મુક્તકોમાં દિનપ્રતિદિનના જીવનમાંથી ઝડપેલી અનેકાનેક મનોરમછબીઓ પ્રાપ્ત થાય છે. જાળને તાંતણે લટકતા ફૂલ જેવો કરોળિયો; ખંડેર દેવળના ભગ્ન શિખર પર લપાઈને ઘૂઘવતાં પારેવાં; આકાશમાંથી હારબંધ ઊતરી આવતા, સૂકા વડ પરથી એક સાથે ઊડી જતા કે તરુકોટરમાંથી એક પછી એક નીકળતા સૂડા; વાડ પર હારબંધ બેસી ઊંચી ચાંચે વરસાદની ઝરમર ઝીલતા કાગડા; સંધ્યાટાણે વટવૃક્ષ પર ભીડ કરતા પંખીગણ; શરદ-આકાશનું સ્વચ્છ પ્રતિબિંબ પાડતું જળાશય; રાઈના પાન ચાવી જવાતાં હૂપાહૂપ ને કૂદાકૂદ કરતું માંકડું; માતાને પગે પડેલ અપરાધી પિતાની પીઠ પર ચડી બેસતો બાળક; ધૂંધવાતો ચૂલો ફૂંકતી કે રસોઈ કરતાં મશવાળો હાથ મોઢે અડી જવાથી શોભતી ગોરી– વગેરે ચિત્રો ચિત્ત પર સહેજે અંકાઈ જાય તેમ છે.

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60